Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The true glory of the Pragatya Mahotsav

Dharmlok : હૃદયમાં રામનો ઉદય: પ્રાગટ્ય મહોત્સવનો સાચો મહિમા

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : હૃદયમાં રામનો ઉદય: પ્રાગટ્ય મહોત્સવનો સાચો મહિમા
સોર્સ : gstv

યુગદ્રષ્ટા કવિ શ્રી વાલ્મિકીએ સંસ્કૃત ભાષામાં 'રામાયણ' ગ્રંથની રચના કરી. રામાયણ એટલે ભગવાન શ્રીરામની જીવન યાત્રા. મહાકવિ સંત તુલસીદાસજીએ આ કથા સરળ ભાષામાં 'રામચરિત માનસ' રૂપે આપણી સમક્ષ મૂકી. આજે હજારો સંતો, ભક્તો, કથાકારો આ ગ્રંથને ભાવવાહી શૈલીમાં વ્યાસપીઠ ઉપરથી આપણને સંભળાવે છે. જેથી આપણે ભગવાન શ્રીરામના ગુણોને સમજી શકીએ છીએ અને જીવન જીવવાની રીત જાણી શકીએ છીએ.

App Store

ભગવાન શ્રી રામ આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ, આદર્શ વાત્સલ્યમૂર્તિ અને કુશળ યોદ્ધા તરીકે આપણને સંસારમાં કેવી રીતે રહેવું તેનો બોધ આપે છે. તેથી ભગવાન શ્રીરામ પૂર્ણ પુરૂષોત્તમ તરીકે આપણા આરાધ્ય રહ્યા છે.

ભગવાન શ્રીરામનો પ્રાગટય દિવસ ચૈત્ર સુદ નોમ છે. સંત તુલસીદાસજી લખે છે :

નૌમી તિથિ મધુમાસ પુનીતા,

સુકલ પચ્છ અભિજિત હરિપ્રીતી,

મધ્ય દિવસ અતિ સીત ન ધામા,

પાવનકાલ લોક બિશ્રામા.

પવિત્ર ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનામાં વધારે ગરમી નથી હોતી કે વધારે ઠંડી નથી હોતી. આકાશ સ્વચ્છ બન્યું હોય છે. આકાશમાં વાદળ હોતાં નથી. જમીન ઉપર પડેલું પાણી શોષાઈને સ્વચ્છ બન્યું હોય છે. પાણી ઉપર લીલ કે સેવાળ સુકાઈ જવાથી પાણી નિર્મળ બની જાય છે

સંત તુલસીદાસજી ચિંતનશીલ, ભીના હૃદયના કવિ છે. તેમણે મૂકેલાં  પ્રતીકો આપણા આંતરમનની ભૂમિકાનું વર્ણન કરે છે. આપણું મન જ્યારે વાદળ વગરના આકાશ જેવું સ્વચ્છ થાય છે અને લીલ-સેવાળ વગરના પાણી જેવું નિર્મળ બને છે ત્યારે આપણા હૃદયમાં બિરાજાન ભગવાન શ્રીરામ રૂપી આત્મતત્વનું દર્શન થાય છે. ચૈત્ર મહિનામાં વધારે ઠંડી કે વધારે ગરમી નથી હોતી. તે રીતે આપણા મનમાં સંસારમાં ચાલતી ઉથલ પાથલ, કોલાહલ શાંત થાય ત્યારે કૌશલ્યા માતાની ગોદમાં ભગવાન શ્રી રામ પ્રગટયા છે તેમ આપણા આંતરમનમાં ભગવાન પ્રગટે છે. આપણે તેમનાં દર્શન કરીને શાશ્વત શાંતિનો અનુભવ કરી શકીએ છીએ.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય