Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The government's target is to take the production of pulses in the country to 350 lakh tonnes

Business Plus: દેશમાં કઠોળનું ઉત્પાદન 350 લાખ ટન સુધી લઈ જવાનો સરકારનો લક્ષ્યાંક

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: દેશમાં કઠોળનું ઉત્પાદન 350 લાખ ટન સુધી લઈ જવાનો સરકારનો લક્ષ્યાંક
સોર્સ : GSTV

દેશમાં  કઠોળ તથા વિવિધ દાળોની બજારો અને ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ભારતમાં  જો કે વિવિધ કઠોળ તથા દાળોના ઉત્પાદનમાં તાજેતરમાં ખાસ્સી વૃદ્ધિ જોવા મળી છે પરંતુ સામે કઠોળ-દાળોની માગમાં પણ વૃદ્ધિ થતાં આપણે કઠોળની આયાત પર પણ આધાર રાખવો પડે છે. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયો ગબડતાં તથા રૂપિયા સામે ડોલર ઉછળી રૂ.૯૧ની ઉપર જતાં દેશમાં આયાત થતા વિવિધ કઠોળોની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતી જોવા મળી છે. દરમિયાન, દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા તથા આયાતો પર આધાર ઘટાડવા સરકાર પ્રયત્નો  કરતી રહી છે. દેશમાં ખાસ કરીને કોરોના કાળ પછી લોકો આરોગ્ય માટે વિશેષ સભાન બન્યા છે. અને તેના પગલે પ્રોટીનયુક્ત કઠોળ તથા દાળની માગમાં તાજેતરના વર્ષોમાં ખાસ્સી વૃદ્ધિ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  કઠોળ બજારના તજજ્ઞોના જણાવ્યા મુજબ વિશ્વમાં કઠોળનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૨૬થી ૨૭ ટકા ઉત્પાદન એકલા ભારતમાં થાય છે. આમ છતાં ભારતમાં દર વર્ષે વાર્ષિક સરેરાશ ૫૦થી ૭૦ લાખ ટન કઠોળ ઈમ્પોર્ટ કરવું પડે છે. ભારતમાં કઠોળની વાર્ષિક સરેરાશ માગ ૨૫૦થી ૨૮૦ લાખ ટન રહી છે. દેશમાં કઠોળનું  ઉત્પાદન વધારવા સરકારે આત્મનિર્ભરતા યોજના પણ શરૂ કરી છે. 

App Store

આ યોજના હેઠળ કઠોળનું ઘરઆંગણે ઉત્પાદન વધારી ૩૫૦ લાખ ટન કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે તથા કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર વધારી ૩૧૦ લાખ હેકટર્સ સુધી લઈ જવાનો  ટારગેટ પણ બનાવવામાં આવ્યો છે. પાંચ વર્ષની આ યોજના માટે સરકારે આશરે રૂ.૧૧ હજાર કરોડથી વધુનું બજેટ પણ બનાવ્યું છે.  ૨૦૨૪-૨૫માં દેશમાં કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૭૫ લાખ હેકટર્સ નોંધાયો છે. જ્યારે ઉત્પાદન ૨૫૭ લાખ ટન થયું હતું તથા ઈમ્પોર્ટ આશરે ૭૦ લાખ ટન થઈ હતી.

દરમિયાન, કઠોળમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવોએ ખરીદી કરવા માટે પણ સરકારે ગંભીર પ્રયત્નો શરૂ કર્યા છે. દેશમાં જો વિવિધ કઠોળનું કુલ ઉત્પાદન થાય છે એ પૈકી તુવેર, અડદ તથા મસૂરનું ઉત્પાદન આશરે ૩૦ ટકા ગણાય છે. કઠોળમાં ટેકાના ભાવોએ ખરીદી વધારવા સરકારે યોજનાઓ તો બનાવી છે  પરંતુ આ યોજનાઓ કેટલી સફળ થાય છે એ હજી જોવાનું બાકી છે. ભારતમાં આશરે ૫૦૦ લાખ ખેડૂતો કઠોળની ખેતીમાં સંકળાયેલા રહ્યા છે. ગોદામોમાં  સંગ્રહ કરાતા કઠોળની ગુણવત્તા નબળી પડે છે તથા યોગ્ય જાળવણીના અભાવે માલને નુકશાન પણ થતું હોવાનું  જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, દરિયાપારથી આવતા સસ્તા પીળા વટાણા પર સરકારે ૩૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી નાંખતાં દેશના ખેડૂતોને રાહત સર્જાઈ છે. આવી ડયુટીના પગલે ઘરઆંગણે વિવિધ કઠોળના બજાર ભાવ ઉંચા જતા દેખાયા છે તથા તેના પગલે ખેડૂતો માટે પણ રાહત સર્જાઈ છે. ભારતમાં ૨૦૨૫-૨૬માં કઠોળની કુલ આયાત આશરે ૩૫થી ૪૦ ટકા ઘટી આશરે ૪૫ લાખ ટન જેટલી થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા છે. ૨૦૨૪-૨૫માં આવી આયાત ૭૩થી ૭૪ લાખ ટન જેટલી થઈ હતી. એપ્રિલથી ઓગસ્ટમાં આવી આયાત આશરે ૪૭ ટકા ઘટી હતી. દરમિયાન, મહારાષ્ટ્ર તથા કર્ણાટકની બજારોમાં નવા તુવેરની આવકો શરૂ થઈ ગયાના વાવડ મળ્યા હતા. નવી આવકો વચ્ચે બજાર ભાવ ઘટતાં સરકારે કર્ણાટકમાં ટેકાના ભાવોએ આશરે ૯થી ૧૦ લાખ ટન તુવેરની ખરીદી કરવાનો નિર્ણય કર્યાના વાવડ પણ મળ્યા હતા.