Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The dead soul tries to convey messages to its relatives through appropriate means.

Shatdal / મૃતાત્મા યોગ્ય માધ્યમથી પોતાના સ્વજનોને સંદેશો આપવા પ્રયત્ન કરતા હોય છે

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal / મૃતાત્મા યોગ્ય માધ્યમથી પોતાના સ્વજનોને સંદેશો આપવા પ્રયત્ન કરતા હોય છે

- મૃત્યુ પછી પણ આ જીવાત્મા પરલોકમાં જઈને આધ્યાત્મિક ઉન્નતિના પ્રયત્નો કરતા હોય છે. તે પણ મુક્તિ ન મળે ત્યાં સુધી આ પ્રયાસો ચાલુ રાખે છે

App Store

કઠોપનિષદમાં મરણોત્તર જીવનના ગૂઢ રહસ્યો નિરૂપિત થયેલા છે. એકવાર બાળક નચિકેતાના મનમાં મરણ અને તે પછીના જીવન વિશે જિજ્ઞાાસા ઉત્પન્ન થઇ ત્યારે તેણે મૃત્યુના દેવ યમરાજાને પ્રશ્ન કર્યો હતો - 'येयं प्रेते चिकित्सा मनुष्ये अस्तीत्येके नायमस्तीति चैके । एतद्विधामनुशिष्टसत्त्वयाहं, पराणामेष वरस्तृतीयः।।' મૃત્યુ પામેલા મનુષ્યની બાબતમાં આવો સંશય છે - કોઈ કહે છે કે મરણ પછી પણ આ આત્મા ટકી રહે છે, તો કોઈ કહે છે કે મરણ પછી એ રહેતો નથી તો તમે એનો ચોક્કસ નિર્ણય જણાવો કે સત્ય શું છે ? તમારા દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરાયેલો હું આ આત્મા વિશેની વિદ્યા જાણી લઉ. આ વરદાનોમાંનું ત્રીજું વરદાન છે જે હું માંગું છું.' (કઠોપનિષદ, અધ્યાય-૧, વલ્લી-૧, શ્લોક-૨૦) યમરાજાએ પહેલાં તો આના જવાબ માટે આનાકાની કરી હતી અને કહ્યું હતું કે દેવો પણ આ વિશે બરાબર સમજી શક્યા નહોતા તો તું ક્યાંથી સમજી શકીશ પણ પછી નચિકેતાને યોગ્ય અધિકારી જાણ્યા બાદ આ વિશે વિસ્તૃતપણે ગૂઢ જાણકારી આપી હતી.

અમેરિકન ચૈતસિક, સ્પિરિચ્યુઆલિસ્ટ મિડિયમ, ક્લેરઓડિયન્ટ આર્થર ફોર્ડ સ્પિરિચ્યુઅલ ફ્રન્ટિયર્સ ફેલોશિપના સ્થાપક હતા. ૧૯૬૭માં નેટવર્ક ટી.વી. પર તેમણે બિશપ જેમ્સ પાઈકના મૃત પુત્ર સાથે સંપર્ક સાધ્યો હતો તે બાબત માટે તે વિશ્વભરમાં જાણીતાં થયા હતા. વોશિંગ્ટનના એક ચર્ચમાં આર્થર ફોર્ડનું પ્રવચન હતું ત્યારે અમેરિકન પત્રકાર, લેખિકા રૂથ મોન્ટગોમેરી તેમને મળવા ગયા હતાં. ડિક્સનના સંપર્કમાં આવ્યા પછી આ મહિલા પત્રકાર આત્મા, મૃત્યુ, પરલોક, પુનર્જન્મ વગેરે વિષયો પર વિસ્તૃત સંશોધનો કરી રહ્યા હતા. એક દિવસ એમણે શેરવુડ એડીનું વિખ્યાત પુસ્તક ‘You will survive after Death (તમે મરણ પછી જીવતા રહેવાના છો)' વાંચ્યું. મૃત વ્યક્તિના પ્રેતાત્માને બોલાવવા અને એમનો જીવિત વ્યક્તિઓ સાથે સંબંધ સ્થાપિત કરવા તેમના થકી થયેલા સફળ પ્રયોગોની વાત તેમાં નિરૂપિત થયેલી હતી. એટલે રૂથ મોન્ટગોમેરીએ આર્થર ફોર્ડને મળીને આ વિશે વધારે જાણકારી મેળવવા ઇચ્છા ધરાવી. તે ફોર્ડના પ્રવચનમાં ગયા, તેમને મળ્યા અને તેમને વ્યક્તિગત મુલાકાત આપવા વિનંતી કરી. ફોર્ડે બે દિવસ પછી તેમની મુલાકાત ગોઠવી.

મુલાકાત દરમિયાન મોન્ટગોમેરીએ આર્થર ફોર્ડને પૂછ્યું - 'શું એ નિશ્ચિત છે કે મરણ પછી જીવનનો અંત આવી જતો નથી અને મૃતાત્મા પોતાના કાર્યો એ જ રીતે ચાલુ રાખે છે જે રીતે જીવતા માણસો રાખતા હોય છે ? આનો જવાબ આપતા ફોર્ડે કહ્યું હતું - 'હા, મરણ પછી પણ જીવન ટકી રહે છે. મૃત્યુ પછી પણ આ જીવાત્મા પરલોકમાં જઈને આધ્યાત્મિક ઉન્નતિના પ્રયત્નો કરતા હોય છે. તે પણ મુક્તિ ન મળે ત્યાં સુધી આ પ્રયાસો ચાલુ રાખે છે. તે આ ધરતી પર રહેલા પોતાના સ્વજનો અને પ્રિયજનોનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરે છે અને પોતાનો સંદેશો તેમને પહોંચાડવા ઇચ્છુક હોય છે. તેમને આ માટે યોગ્ય માધ્યમ મળે ત્યારે તેમના થકી તે પોતાની વાત રજૂ કરે છે.'

રૂથ મોન્ટગોમેરીએ આર્થર ફોર્ડને પૂછ્યું - 'શું તમે આ બાબતનો કોઈ પ્રત્યક્ષ પુરાવો અત્યારે જ બતાવી શકો ? ફોર્ડે જવાબ આપતાં કહ્યું - હા, જરૂર. અત્યારે જ તેનો પુરાવો રજૂ કરું. હું તમને તમારા મૃત પિતા સાથે વાત કરાવું છું. તે થોડીવાર ધ્યાનાવસ્થા જેવી સ્થિતિમાં બેસી ગયા. પછી તેમના મુખેથી અવાજ નીકળવા લાગ્યો. તે અવાજ ફોર્ડનો અવાજ નહોતો પણ મોન્ટગોમેરીના પિતાનો અવાજ હતો. તેમણે બોલવા માંડયું - 'મારી વ્હાલી દીકરી, મારી પ્રેમભરી યાદ. મારા પ્રેમનો સ્વીકાર કરજે. મારું મરણ થયું ત્યારે તું ઘણે દૂર હતી. હું એકાએક બીમાર પડી ગયો અને મારું મરણ થઇ ગયું હતું. અહીં પરલોકમાં એકદમ શાંતિ છે. અહીં કોઈ બીમારી નથી. મને જે નવો દેહ પ્રાપ્ત થયો છે તે ક્યારેય રોગગ્રસ્ત થયો નથી. અહીં બધાના શરીર એકસમાન અવસ્થામાં જ હોય છે. અહીં નથી કોઈ બાળક કે નથી કોઈ વૃધ્ધ.''

તારી માતાને મારી યાદ આપજે. જો કે અત્યારે તો તે તારાથી દૂર છે. એને પગમાં દુઃખાવો થયો છે એટલે એ હમણાં તો ઘેર પાછી નહીં આવે. થોડું સારું થયા પછી આવશે. તને આ વાતની ખબર નથી પણ તું ફોન કરે ત્યારે આ અંગે પૂછી લે જે. એ પછી ફોર્ડનો પોતાનો અવાજ આવ્યો - તમારા બીજા સગા સંબંધીઓ સાથે પણ હું વાત કરાવું છું. તે પ્રમાણે તેમણે વાત કરાવી પણ ખરી.

રુથ મોન્ટગોમેરીએ એમના પુસ્તકમાં લખ્યું છે - ફોર્ડની બધી વાતો સાચી હતી. તેમના થકી મારા પિતાએ જે કહ્યું તે સાવ સાચું હતું. મરણ પહેલાં તે અચાનક બીમાર પડી ગયા ત્યારે હું ન્યૂઝ પેપરના કામ માટે ઇજિપ્ત ગઈ હતી. 'તે પછી મેં મારી માતાને ફોન કર્યો ત્યારે તેણે પણ એ વાત કબૂલ કરી કે તેને થોડા દિવસથી પગમાં સખત દુઃખાવો થાય છે એટલે તે એ મટી ગયા બાદ જ ઘેર આવશે.'

ફોર્ડે એક દિવસ બીજું રહસ્યોદઘાટન કર્યું. તમારી સાથે એક જજ વાત કરવા માંગે છે. તે લેફ્ટે શહેરમાં તમારા ઘરની નજીકમાં જ રહેતા હતા. ફોર્ડના મુખેથી તેમનો અવાજ આવ્યો - રુથ, હું તમારા ઘરની પાસે જ રહેતો હતો. જો કે તમે મને ઓળખતા નથી અને હું પણ તમને ઓળખતો નથી. પણ એક સંદેશો તમારા માટે રજૂ કરી રહ્યો છું. પાણીમાં ડૂબી જવાથી મારું મરણ થઇ ગયું હતુ. મારો મૃતદેહ સડી રહ્યો છે. હજુ કોઇને મળ્યો નથી અને એની અંતિમ વિધિ કરાઈ નથી. તમે મારા સ્વજનોને આની જાણ કરજો. આટલું થયા પછી રુથે લેફ્ટે કુરીયર જનરલના સંપાદકને ટેલિફોનથી આ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું - 'હા, આ વાત સાચી છે. તમારા ઘર પાસે પાર્કિન્સન નામના એક જજ રહેતા હતા. તે 'યુનાટિેડ કોર્ટ ઑફ અપીલ્સ''માં ન્યાયાધીશ હતા. તે ગુમ થઇ ગયા હતા. સાત રાજ્યોના એકત્રિત પ્રયાસ બાદ પણ તેમનો પત્તો મળ્યો નથી. લેકશોર હોટ લ પાસે મિશીગન સરોવર પાસે એમની હેટ અને છત્રી મળ્યા હતાં. હજુ તેમનો મૃતદેહ મળ્યો નથી એટલે એમની જગ્યાએ કોઈ કાયમી જજની નિયુક્તિ પણ કરાઈ નથી અને તેમનો પગાર બેન્કના ખાતામાં જમા થાય છે. રુથે આપેલી માહિતી પ્રમાણે તપાસ કરાતાં પાર્કિન્સનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના અંતિમ સંસ્કારની, મૃતદેહને દફનાવવાની વિધિ તેમના સ્વજનોએ પૂરી કરી હતી.

આ રીતે પરલોકમાં રહેતા પ્રેતાત્માઓ મનુષ્ય લોકના માણસો સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા હોય છે અને યોગ્ય માધ્યમ મળે તો તેમાં સફળ પણ થતા હોય છે.

- ગોચર-અગોચર

- દેવેશ મહેતા

ટોપિક્સ:shatdal gujarat samachargstv news