Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The bitter reality of women hiding behind their decisions to avoid marriage at the right age

Sahiyar : કરિયરની ઊંચાઈ કે એકલતાનો ખાલીપો? યોગ્ય ઉંમરે લગ્ન ટાળવાના નિર્ણયો પાછળ છુપાયેલી સ્ત્રીઓની કડવી વાસ્તવિકતા

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : કરિયરની ઊંચાઈ કે એકલતાનો ખાલીપો? યોગ્ય ઉંમરે લગ્ન ટાળવાના નિર્ણયો પાછળ છુપાયેલી સ્ત્રીઓની કડવી વાસ્તવિકતા
સોર્સ : GSTV

આજકાલ મોટી ઉંમરે લગ્ન કરવાનું ચલણ ખૂબ વધી ગયું છે. પહેલાં છોકરી ૧૮-૨૦ વર્ષની થઈ નથી કે  તેને પરણાવી દેવામાં  આવતી હતી.  પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, આજકાલ છોકરીઓ કરિયર માઇન્ડેડ  થઈ ગઈ છે. તે હવે લગ્નની  જગ્યાએ પોતાની કરિયરને વધારે મહત્ત્વ આપે  છે.

App Store

વાત સાચી છે કરિયર બનાવવી તે કોઈ ખોટી વાત નથી, પણ પ્રકૃતિએ દરેક કામ માટે યોગ્ય સમય નક્કી કરેલો હોય છે. જો તે સમયમર્યાદામાં થઈ જાય તો સારું રહે છે, નહીં તો સામાજિક અસંતુલન થવા લાગે છે.

૩૨ વર્ષની મીનાને તેના દાદીમાએ પૂછયું લગ્ન ક્યારે કરીશ, તો તે હસતા હસતા કહે છે કે દાદીમા કરી લઈશ. લગ્નની આટલી પણ શું ઉતાવળ. લગ્ન તો ક્યારેય પણ થઈ શકે છે, અત્યારે કરિયર બનાવવાનો સમય છે. પ્લીઝ, દાદીમા અત્યારે મને ફોકસ કરવા દો. વારંવાર લગ્નની વાત ન કરો.

મીનાનો જવાબ સાંભળીને દાદીમાને ખૂબ ગુસ્સો આવ્યો, પણ ગુસ્સા પર કાબૂ રાખતા તે માત્ર એટલું બોલ્યા કે દીકરી તારા વિચારો સારા છે, તું ભણેલીગણેલી છે, પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ અને યાદ રાખ કે જેમ જેમ ઉંમર વધશે અને તું તારી બહેનપણીઓને તેમના બાળકો સાથે જોઈશ તો તને પણ મનમાં લાલચ જાગશે, કારણ કે લગ્નની એક ઉંમર હોય છે. કરિયર બનાવવા માટે તો આખી ઉંમર પડી છે.

મીનાએ દાદીમાની વાતને એક કાને સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખી. આજે તેની ઉંમર ૪૫ વર્ષની છે. તે લગ્ન કરવા ઈચ્છે છે, પણ તેને પોતાને લાયક કોઈ જીવનસાથી નથી મળતો. ૩ વર્ષથી તે ડિપ્રેશનનો ભોગ બની છે. હવે તેને દાદીમાની કહેલી વાતો યાદ આવે છે, પણ હવે તે કરી પણ શું શકે.

મીનાની જેમ કેટલીય એવી છોકરીઓ છે, જે કરિયરમાં આગળ વધવા માટે લગ્ન જેવી મહત્ત્વની બાબતને ટાળતી રહે છે. આજે તમને તમારી આસપાસ એવી ઘણી છોકરીઓ મળી જશે, જેણે પોતાની કરિયરમાં આગળ વધવાના ચક્કરમાં લગ્ન ન કર્યા હોય અને જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું તો યોગ્ય સાથી ન મળ્યો. તે સ્થિતિમાં ડિવોર્સી મળે છે અથવા તો વિધુર. સત્ય તો એ છે કે કરિયરમાં ક્યાં સુધી પહોંચવું છે, તેની કોઈ સીમા નથી હોતી. કોઈ માટે જોબ કરવી મહત્ત્વની હોય છે, તો કોઈ માટે ટોપ પોઝિશન સુધી પહોંચવું મહત્ત્વનું હોય છે. તે વાતને કોઈ નકારી ન શકે કે કોઈ પણ કંપનીમાં ટોપ પોઝિશન સુધી પહોંચવા માટે એજ્યુકેશન અને કામ પ્રત્યે નિષ્ઠા, લગન   સાથે  ઉંમર અને અનુભવની પણ જરૂર હોય છે, પણ જ્યાં સુધી તમે ટોપ પોઝિશન સુધી પહોંચશો ત્યાં સુધી તમારી લગ્નની ઉંમર જતી રહેશે.

એક  બેન્કમાં  મેનેજરના    પદ પર કામ કરતા ૪૮ વર્ષના વૈભવી એક સમયે ખૂબ જ સુંદર હતા. લગ્ન માટે તેમની પાસે ઘણા બધા માંગા આવ્યા, પણ તેમણે ના પાડી દીધી. તેમનું કહેવું હતું કે લગ્નની જવાબદારીના કારણે હું મારી કરિયરમાં આગળ નહીં વધી શકું. લગ્ન થોડા વર્ષો પછી કરી લઈશ, પણ હવે તેમને એવું કોઈ નથી મળતું, જે તેમની સાથે લગ્ન કરી શકે.

લગ્ન ન થવાના કારણે તેમના વ્યવહારમાં પરિવર્તન આવી ગયું છે. હંમેશાં ખુશ રહેનાર વૈભવી હવે ખૂબ જ ચિડાયેલી ચિડાયેલી રહે છે. તેના કપડાં પહેરવાની રીતમાં પણ ઘણો ચેન્જ આવ્યો છે. પહેલાં તે પંજાબી સૂટ પહેરતી હતી, પણ હવે પોતાની ઉંમર છુપાવવા માટે વિચિત્ર કપડાં પહેરે છે, જેને જોઈને તેના સહકર્મીઓ પાછળથી તેની મજાક ઉડાવે છે. હવે તો તે ડિપ્રેશનમાં જ રહેવા લાગી છે.

યોગ્ય ઉંમરે લગ્ન ન થવાના કારણે યૌન બીમારીની સાથે સાથે માતા બનવાની ક્ષમતા પર પણ અસર થવા લાગે છે, એક એમએનસીમાં મેનેજર પદે કામ કરતી સ્ત્રી પોતાના કુટુંબીજનોની વાતને કાને ન ધરીને લગ્નને ટાળતી રહી. કરિયરમાં આગળ વધવાના ચક્કરમાં તેની ઉંમર નીકળી ગઈ. જ્યારે લગ્નનો વિચાર આવ્યો તો તે ૪૦ની થઈ ગઈ હતી. તેના એક સહકર્મચારીની પત્નીનું મૃત્યુ થઈ ગયું, તો થોડા સમય પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. બાળક માટે ખૂબ પ્રયાસ કરવા છતાં બાળક ન થયું, કારણ કે માતા બનવાની ઉંમર જતી રહી હતી. માતૃત્વસુખથી વંચિત અરુણા હવે ઘરમાં કૂતરા પાળી રાખે છે. હવે તે તેમાં જ બાળકોને જુએ છે.

જેવા તમે યુવાન થાઓ છો મનમાં કોઈ સાથીની ઇચ્છા જાગે છે. પછી કરિયર ગમે તેટલી મહત્ત્વની કેમ ન હોય, પણ જુવાન થયા પછી શારીરિક જરૂરિયાતોને નકારી ન શકાય. સ્વસ્થ અને સંતુષ્ટ રહેવા માટે ભાવનાત્મક જોડાણની સાથે સાથે શારીરિક જોડાણ પણ જરૂરી હોય છે, નહીં તો તમે યૌન રોગ અને માનસિક કુંઠાનો શિકાર બની જાઓ છો.

મુંબઈમાં  હોસ્પિટાલિટીના વ્યવસાયમાં જોડાયેલી પ્રીતિ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતી. તે કંઈક મોટું કરવા માગતી હતી, તેથી હંમેશાં પોતાના લગ્નને ટાળતી રહેતી હતી. પ્રીતિનું કોલેજકાળથી જ પવન સાથે અફેર હતું. અભ્યાસ પૂરો કર્યા પછી પવને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ તેણે કહ્યું આટલી ઉતાવળ શું છે, કરી લઈશું લગ્ન, તું પણ ક્યાંય જવાનો નથી અને હું પણ ક્યાંય નથી જવાની.

પવને પ્રીતિની વાત માની લીધી. ધીમે ધીમે બંને વચ્ચે ભાવનાત્મક સંબંધોની સાથે સાથે શારીરિક સંબંધ પણ બનવા લાગ્યા. બંને એકબીજા સાથે ખુશ હતા પણ પ્રીતિની લગ્ન નહીં કરવાની જિદના કારણે પવને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા. પ્રીતિ પણ પવનને ભૂલીને જીવનમાં આગળ વધી ગઈ હતી. આ રીતે તેના કેટલાય સાથે સંબંધ બંધાયા અને તૂટયા. છેવટે પ્રીતિએ પોતાના એક ક્લાયન્ટ સાથે લગ્ન કરી લીધા, પણ તેના કેટલાય સાથે શારીરિક સંબંધ હતા તે વિશે તેણે ક્યારેય પોતાના પતિને નહોતું જણાવ્યું.

છોકરો હોય કે છોકરી બંનેની શારીરિક જરૂરિયાત સરખી જ હોય છે. યોગ્ય સમયે લગ્ન ન કરી શકવાના કારણે ઇચ્છા પૂરી નથી થતી. કેટલીક છોકરીઓ તો કુટુંબની આબરૂ માટે પોતાની યૌનાકાંક્ષાને કેટલાક સમય સુધી દબાવી રાખે છે, પણ પોતાની વિવાહિત બહેનપણીઓ પાસેથી શારીરિક સુખની વાતો સાંભળીને તેમના મનની ઇચ્છા પણ જોર પકડે છે કે તેમનો પણ કોઈની સાથે ભાવનાત્મક તેમજ શારીરિક સંબંધ હોય. પછી આ ઇચ્છાને પૂરી કરવા માટે તે પોતાના બોયફ્રેન્ડ અથવા પોતાના પુરુષ મિત્રના દોરવાયા દોરવાય છે અને તેમની સાથે ફિઝિકલ રિલેશન બનાવી લે છે. એકવાર આ પ્રકારનો સંબંધ બંધાઈ ગયા પછી તેમના મનમાંથી એક ખચકાટ દૂર થઈ જાય છે અને પછી તે એકથી વધારે લોકો સાથે શારીરિક સંબંધ બનાવવા લાગે છે. આ પ્રકારના સંબંધ લગ્નની જેમ વચનો અને રિવાજોથી બંધાયેલા તો નથી હોતા કે તેમાં સ્થિરતાની કોઈ આશા રાખવામાં આવે.

સત્ય તો એ છે કે છોકરાઓ ગમે તેટલા મોડર્ન કેમ ન હોય, પણ જ્યારે લગ્નની વાત આવે છે, તો તે એવી છોકરી સાથે ક્યારેય જોડાવાનું પસંદ નથી કરતા, જે કોઈ બીજા સાથે ફિઝિકલ સંબંધમાં રહી હોય. તેથી યોગ્ય છે કે સંપૂર્ણ કૌટુંબિક, ભાવનાત્મક અને શારીરિક સુખ માટે યોગ્ય સમયે લગ્ન કરી લેવા.

એક   મનોચિકિત્સક  જણાવે છે કે જે છોકરીઓના લગ્ન યોગ્ય  ઉંમરે ન થઈ શકે તે ભલે પોતાની કરિયરમાં ટોપ પર કેમ ન હોય, પણ સત્ય તો એ છે કે તેમના મનમાં પણ એક સુખદ કુટુંબ અને બાળકોની ઇચ્છા છુપાયેલી હોય છે, જેના કારણે ધીમેધીમે તેમની અંદરની  પોઝિટિવિટી ખતમ થઈ જાય છે, તેમના મનમાં નકારાત્મક વિચાર આવવા લાગે છે. આ છોકરીઓ માત્ર શારીરિક રીતે જ બીમાર નથી હોતી પણ માનસિક વિકારથી પણ ગ્રસ્ત થઈ જાય છે.

હકીકત તો એ છે કે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે કે યોગ્ય ઉંમરે લગ્ન થાય અને જીવનસાથીનો પ્રેમ મળે. જે છોકરીઓ આ વાતને નથી સમજતી તે સ્વચ્છંદી સંબંધ બાંધી બેસે છે અને યૌન રોગને આમંત્રણ આપે છે અથવા તો પોતાની ઇચ્છાઓને દબાવી હતાશાનો ભોગ બને છે.

લગ્ન પછી પણ કરિયર બનાવી શકાય છે, પણ જો તમે કરિયર માટે લગ્નને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો તો તમારે માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ અસ્વસ્થ રહેવું પડશે અને તમે સમાજથી કપાઈ જશો. જીવનને આનંદિત બનાવવામાં સમાજ અને કુટુંબનું મહત્ત્વનું યોગદાન છે.

આજકાલ હીરોઈન પહેલાંની હીરોઈનની જેમ પોતાની કરિયરનો સૂરજ આથમવાની રાહ નથી જોતી. તે યોગ્ય સમય પર લગ્ન કરી કુટુંબ અને માતૃત્વનો આનંદ માણે છે. અને હકીકતમાં તેનાથી તેમની કરિયરમાં કોઈ ખાસ ફરક નથી પડતો. 

અભિનેત્રી કાજોલે તે સમયે લગ્ન કર્યા હતા જ્યારે તે પોતાની કરિયરના શિખર પર હતી. આજે તેના બે બાળકો છે અને તે પોતાના કુટુંબ ખૂબ જ ખુશ છે. લગ્ન અને બાળકો થયા પછી પણ કાજોલે 'કભી ખુશી કભી ગમ', 'ફના' જેવી હિટ ફિલ્મો આપી છે. કાજોલની જેમ જ માધુરી દીશિત, ઐશ્વર્યા રાય, શિલ્પા શેટ્ટી, રવીના ટંડન વગેરે હીરોઈનોએ યોગ્ય સમયે લગ્ન કરી લીધા અને આજે તેઓ પણ પોતાના કાર્યક્ષેત્રમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે.