Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : story of Queen Leela and King Padma in the Yoga Vasishtha Ramayana is a clear example of the concept of "modern multiverse"!

Ravi Purti: યોગ વશિષ્ઠ રામાયણમાં રાણી લીલા અને રાજા પદ્મની કથા "આધુનિક મલ્ટીવર્સ"ની અવધારણાનું સ્પષ્ટ ઉદાહરણ!

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: યોગ વશિષ્ઠ રામાયણમાં રાણી લીલા અને રાજા પદ્મની કથા "આધુનિક મલ્ટીવર્સ"ની અવધારણાનું સ્પષ્ટ ઉદાહરણ!
સોર્સ : GSTV

- અગોચર વિશ્વ

App Store

- દેવેશ મહેતા

'અસ્મિન્નણૌ મહાબ્રહ્માણ્ડકોટયઃ સંસ્થિતાઃ ।

યથા નભસિ મેઘાનાં ગણાઃ સંચારિણો બહવઃ ।।

આ સૂક્ષ્મ કણમાં પણ અસંખ્ય મહાબ્રહ્માંડ રહેલા છે, જેમ આકાશમાં અનેક વાદળોના સમૂહ ફરતા રહેતા હોય છે.'

સર્ગૌધાઃ પ્રતિપરમાણુ સન્તિ નાનાવિધા વિભો ।

સ્વપ્ન પ્રપંચવત્સર્વે મિથ્યાભૂતા અપિ સ્ફુટમ્ ।।

હે વિભો! પ્રત્યેક પરમાણુની અંદર અનેક પ્રકારના બ્રહ્માંડોના સમૂહ રહેલા છે જેમ સ્વપ્નનો પ્રપંચ મિથ્યા હોવા છતાંય સ્પષ્ટ દેખાય છે, તેમ બ્રહ્માંડ પણ ચેતનાની અંદર રહેલું છે.

ચિદાકાશમયં સર્વં જગદિત્યેવ ભાવય ।

યથા સંકલ્પિતં રૂપં સ્વપ્ને પશ્યતિ માનવઃ।।

આ આખું જગત 'ચિદાકાશ (શુદ્ધ ચેતના) સ્વરૂપ છે એવો ભાવ કરો. જે રીતે મનુષ્ય સ્વપ્નમાં પોતાના જ કલ્પિત રૂપોને જુએ છે, તે રીતે જ આ સૃષ્ટિ ચેતનાનો વિસ્તાર છે.'

- યોગવાશિષ્ઠ મહારામાયણ

Perhaps our universe is just one of many universes floating in a much bigger cosmic ocean.

સંભવ છે કે આપણું બ્રહ્માંડ અનેક બ્રહ્માંડોમાંનું એક હોય જે એક બહુ મોટા બ્રંહ્માડીય મહાસાગરમાં તરી રહ્યું હોય.

- Michio Kaku

`The idea of multiple universes is not science fiction, but a logical extension of our current understanding of physics.

અનેક બ્રહ્માંડોનો વિચાર વિજ્ઞાન કથા નથી, પણ ભૌતિક વિજ્ઞાનની આપણી વર્તમાન સમજનો એક તાર્કિક વિસ્તાર છે.'

- Stephen Hawking

યોગ વશિષ્ઠ મહારામાયણમાં આવતી રાણી લીલા અને રાજા પદ્મની કથા આધુનિક મલ્ટીવર્સ (Multiverse) કે સમાનાંતર બ્રહ્માંડ (Parallel Universe)ની અવધારણાનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે. આ ગ્રંથમાં ઋષિ વશિષ્ઠ ભગવાન રામને સમજાવે છે કે આ જગત ભૌતિક નહીં, પણ ચેતના (Consciousness)નો પ્રક્ષેપ (Projection) છે. જ્યારે રાજા પદ્મનું મૃત્યુ થયું ત્યારે દેવી સરસ્વતીએ રાણી લીલાને બતાવ્યું કે રાજાનો આત્મા એ ઓરડાની અંદર એક અન્ય આયામમાં વિદૂરથ નામના રાજાના રૂપમાં રાજ કરી રહ્યો છે. આ દર્શાવે છે કે એક જ સ્થાને અનેક જગત એકબીજા પર સ્થિત હોઈ શકે છે જેને આપણે આપણી સામાન્ય ઈન્દ્રિયોથી જોઈ શકતા નથી. આને આપણે અનેકાનેક એકબીજાની અંતગર્ત રહેલી વાસ્તવિકતા (Overlapping Realities) કહી શકીએ.

રાણી લીલાના જગતમાં રાજાના મૃત્યુને માત્ર થોડા દિવસો જ થયા હતા, પણ બીજા બ્રહ્માંડમાં રાજા વિદૂરથ ૭૦ વર્ષનું જીવન જીવી ચૂક્યો હતો. આ બાબત અર્વાચીન વિજ્ઞાનના ટાઇમ ડાઇલેશન (Time Dilation) સિદ્ધાંત જેવી જ છે જ્યાં અલગ-અલગ લોકમાં સમયની ગતિ જુદી હોય છે. આમાં સમયની સાપેક્ષતા (Time Relativity) પણ સિદ્ધ થાય છે. યાત્રા દરમિયાન રાણી લીલાએ જોયું કે તે અને તેના પતિ પૂર્વજન્મમાં વશિષ્ઠ અને અરુંધતી નામના બ્રાહ્મણ દંપતી હતા. તેમણે બીજા બ્રહ્માંડમાં એક બીજી લીલાને પણ જોઈ જે બિલકુલ તેના જેવી જ હતી. આમાં કર્વાન્ટમ ફિઝિક્સના વ્યક્તિના અનંત પ્રતિરૂપ (Infinite Versions of Self) હોવાની વાત પ્રતિપાદિત થાય છે.

જ્યારે રાણી લીલા અને સરસ્વતી સૂક્ષ્મ શરીરમાં રાજા વિદૂરથ (પદ્મનો બીજો જન્મ)ના મહેલમાં પહોંચ્યા તો ત્યાં તેમણે બીજી લીલાને જોઈ. આને અર્વાચીન વિજ્ઞાનમાં સમાનાન્તર પ્રતિરૂપ (The Parallel Self)નો સિદ્ધાંત કહેવાય છે. આને મીટિંગ યોર ઓલ્ટરનેટ સેલ્ફ (Meeting your Alternate Self) કહેવાય છે. રાણી લીલાએ જોયું કે રાજા વિદૂરથની પત્ની પણ લીલા જ હતી. તે બિલકુલ તેવી જ દેખાતી, તેવી જ વાતો કરતી હતી અને રાજાને એટલો જ પ્રેમ કરતી હતી. રાજા પદ્મની પત્ની રૂપે રહેલી રાણી લીલા અદ્રશ્ય હતી એટલે બીજી લીલા તેને જોઈ શકતી નહોતી. આ એવું જ છે જે રીતે આપણે આપણા સમાનાન્તર બ્રહ્માંડના સંસ્કરણને જોઈ શકતા નથી કેમ કે આપણી ફ્રીકવન્સી જુદી છે.

રાણી લીલાએ દેવીને પૂછ્યું - હે માતા સરસ્વતી, આ બીજી લીલા કોણ છે? શું એ મારું જ પ્રતિબિંબ છે? તે વખતે દેવી સરસ્વતીએ જવાબ આપ્યો હતો - પુત્રી, આ તારું પ્રતિબિંબ નહીં, પણ તારા સંકલ્પનું પરિણામ છે. જેમ એક જ સ્વપ્ન જોનાર વ્યક્તિ સ્વપ્નમાં પોતાના અનેક રૂપ જોઈ શકે છે તે જ રીતે ચિત્રાકાશ (Mind Space)માં એક જ આત્માના અનંત રૂપ અલગ-અલગ બ્રહ્માંડોમાં સાથે સાથે રહી શકે છે. (યોગવાશિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ) સરસ્વતીની કૃપાથી પહેલી લીલાએ બીજી લીલાને સ્પર્શ કર્યો અને એને જ્ઞાન આપ્યું. પહેલી લીલાએ બીજી લીલાને અહેસાસ કરાવ્યો કે તે જેને પોતાનું 'સત્ય જગત' માને છે તે વાસ્તવમાં એક 'દીર્ઘ સ્વપ્ન' છે. બીજી લીલા એ જાણીને વિસ્મય પામી કે એનો પતિ રાજા વિદૂરથ અસલમાં રાજા પદ્મ છે અને એનું એક બીજું જગત (Original Universe) ક્યાંક બીજે રહેલું છે.

અંતે પહેલી લીલાએ દેવીને પ્રાર્થના કરી કે તે તેના પતિ (પદ્મ/વિદૂરથ)ને પાછો અસલી જગતમાં લઈ જવા માંગે છે અહીં વશિષ્ઠ મુનિ દર્શાવે છે કે એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં જવા માટે ભૌતિક શરીરની નહીં, ચેતનાના રૂપાંતરણની જરૂરિયાત હોય છે. રાજા વિદૂરથનું જ્યારે તે યુદ્ધમાં મરણ થયું ત્યારે તેની ચેતનાને પાછી પદ્મના શરીરમાં (જે પહેલા બ્રહ્માંડમાં સુરક્ષિત રખાયું હતું) સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યું.

નોબલ પ્રાઇઝ વિજેતા ભૌતિક વિજ્ઞાની ઈરવિન શ્રોડિન્જર પણ કહે છે કે એક જ સમયે અગણિત સંખ્યાના એકસરખાં અને એનાથી વિરુદ્ધ પ્રકારના જગતો અસ્તિત્વ ધરાવે છે. આ બધા જગતો વાસ્તવિક અસ્તિતવની ભૂમિકાએ સાવ સાચાં હોય છે. એમના સિદ્ધાંત પરથી ઓલ્ટરનેટ ટાઇમ લાઇન્સ, ઇન્ટર પેનિટ્રેટિંગ ડાયમેન્શન્સ, ડાયમેન્શનલ પ્લેન્સ, ઓલ્ટનેટ યુનિવર્સ અને મલ્ટિપલ યુનિવર્સ (મલ્ટિવર્સ) અસ્તિત્વ ધરાવતા હોવાની થિયરી ઉદ્ભવી છે. અમેરિકન ન્યૂરોસાયન્ટિસ્ટ જ્હોન સી. લીલી એમના હયુમન બાયોકોમ્પ્યુટર નામના પુસ્તકમાં જણાવે છે કે આપણા ચૈતન્ય અસ્તિત્વમાં અભિજ્ઞાન બોધક અનેક. આયામી પ્રક્ષેપણ અવકાશો (Cognitional multidimensional projection spaces) રહેલાં છે જેમાં અગણિત વિશ્વો એકબીજાની અંતર્ગત સમાયેલાં રહે છે. આ સિદ્ધાંતો યોગવાશિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણના પંદરમા સર્ગમાં રાજા પદ્મ અને રાણી લીલાની જીવનકથામાં સચોટ રીતે આલેખાયેલા છે.