Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Starvation, inflation and now public anger: Pakistan heading towards internal war?

ભૂખમરો, મોંઘવારી અને હવે જનતાનો રોષ: પાકિસ્તાન આંતરિક યુદ્ધ તરફ?

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ભૂખમરો, મોંઘવારી અને હવે જનતાનો રોષ: પાકિસ્તાન આંતરિક યુદ્ધ તરફ?
સોર્સ : gstv

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

App Store

હમ ઘાસ ખાકર જિયેંગે મગર હિન્દોસ્તાન કે સાથ હજાર સાલ તક લડતે રહેંગે ઔર યાદ રહે, કશ્મીર લે કે રહેંગે... ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાનના ત્યારના વડા પ્રધાન જનાબ ઝુલ્ફીકર અલી ભુટ્ટોએ મોટે ઉપાડે આવી જાહેરાત કરી હતી. પરાજયનો સદમો પાક પ્રજા જીરવી જાય એટલા ખાતર આવી ઘોષણા કરવી જરૂરી હતી. હજાર વરસ તો જવા દો, માત્ર પંચાવન વર્ષ વીત્યાં છે ત્યારે આજે પાકિસ્તાન અનેક સમસ્યાઓ અને સંકટો વચ્ચે ઘેરાયેલું છે. જનાબ ઝુલ્ફીકર અલી ભુટ્ટો તો ફાંસીએ ચડી ગયા, એમની પુત્રી વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોને બોમ્બ બ્લાસ્ટમાં ફૂંકી મરાયાં. બેનઝીરનો પુત્ર બિલાવલ ભુટ્ટો અત્યારે છાશવારે ભારતને પાઠ ભણાવવાની મોટી મોટી ડંફાસો મારે છે ત્યારે રાજકીય સમીક્ષકો દ્રઢપણે માને છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ લાંબો સમય ચાલે તો પાકિસ્તાનના વધુ ટુકડા થઇ જશે.

૧૯૭૧ના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન બાંગ્લા દેશમાં પલટાઇ ગયું. અત્યારે પાકિસ્તાન એક કરતાં વધુ સમસ્યા વચ્ચે તરફડિયાં મારી રહ્યું છે. પાકિસ્તાની લશ્કરના અધિકારીઓ બેફામ સંપત્તિ જમાવીને જલસા કરી રહ્યા છે ત્યારે આમ આદમી બે ટંક ભોજન માટે તડપી રહ્યો છે. ઘરઆંગણે મોંઘવારી અને ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યાં છે ત્યારે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (પીઓકે)માં અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આટલું ઓછું હોય તેમ બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાન વિરોધી દેખાવો હિંસક બની રહ્યા છે. પોતાને ફિલ્ડ માર્શલનો હોદ્દો આપી દેનારા પાકિસ્તાની લશ્કરી સેનાપતિ મુનીરે બલુચી દેખાવકારો પર દેખો ત્યાં ઠાર કરોનો આદેશ આપીને બળતામાં ઘી હોમ્યું છે. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ આખોય ખેલતમાશો લાચારીથી જોઇ રહ્યા છે. આ આદમી લશ્કરની મહેરબાની પર વડા પ્રધાનની ખુરસી પર બેઠો છે. ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર અહમદ શાહ માને છે કે પીઓકે અને બલુચિસ્તાનમાં બે ચાર લાશ ઢળી પડશે એેટલે બળવાખોરો ઠંડા થઇ જશે. ત્યાંજ મુનીર થાપ ખાઇ ગયા છે. બલુચી લિબરેશન આર્મીના મરણિયા જવાનોએ  ક્વેટા-તાફ્ટાન હાઇવે બંધ કરી દીધો છે, ટ્રક ચાલકોએ હડતાળ પાડી છે, નાગરિકો સત્યાગ્રહ પર ઊતરી આવ્યા છે. બલુચી લિબરેશન આર્મીના હથિયારધારી જવાનો ગમે ત્યારે પાકિસ્તાની પોલીસ અને લશ્કર પર ત્રાટકે છે અને સામો પ્રત્યાઘાત આવે એ પહેલાં પાંચ પંદરને ઢાળી દે છે. બલુચી પ્રજા આમેય લડાયક અને ખુમારીવાળી છે. મુનીર ગાલ પર તમાચો મારીને લાલ રાખી રહ્યા છે. એ જાણે છે કે સો બસો માણસો મરી જશે તેથી બલુચી આંદોલન ખતમ નહીં થઇ જાય, ઊલટું વધી જશે.

એક તરફ આ બલુચી આંદોલન છે તો બીજી બાજુ પાક કબજા હેઠળના કશ્મીરમાં પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાક કબજા હેઠળના કશ્મીરમાં પણ હિંસક આંદોલન ચાલી રહ્યું છે. મુનીરે પાક લશ્કરની એક કરતાં વધુ બટાલિયન પીઓકેમાં મોકલી છે. પીઓકેમાં વધુ આકરા પગલાં લેતી વખતે મુનીરે એ ધ્યાનમાં રાખવાનું છે કે આતંકવાદી તાલીમ શિબિરોને નુકસાન ન થાય. અત્રે યાદ કરવા જેવું છે કે ભારતીય લશ્કરના ટોચના અધિકારીઓએ તાજેતરમાં એક કરતાં વધુ વખત કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. એ સાંભળીને પણ શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ મુનીરના પેટમાં તેલ રેડાયું હશે. પાક કબજા હેઠળના કશ્મીરમાં અત્યારે હિંસાનો ચરુ ઉકળી રહ્યો છે. પીઓકેના વિવિધ વિસ્તારમાં લોકો લગભગ રોજ દેખાવો કરે છે. ત્યાં પણ મોંધવારી અને ભ્રષ્ટાચાર બેફામ વધી ગયાં છે. પાકિસ્તાની લશ્કર ત્યાં પણ આડેધડ અત્યાચાર આચરે છે. એ જોતાં આપણને એમ લાગે કે ભારતે પીઓકે લેવાની ઉતાવળ કરવા જેવી નથી. પીઓકે આપોઆપ ભારતના ખોળામાં આવી પડશે.

ઇરાન અમેરિકા યુદ્ધ વખતે પાકિસ્તાનને એમ હતું કે આમાં અમને કોઇ લાભ મળશે. પાકિસ્તાને એવો દેખાવ કરેલો કે અમે ઇરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવામાં મધ્યસ્થી કરીશું. 

પરંતુ ઇરાને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું કે અમને પાકિસ્તાનની મધ્યસ્થી સ્વીકાર્ય નથી. આમ જાહેરમાં પાકિસ્તાનનું અપમાન થયું. આટઆટલી સમસ્યા છતાં પાકિસ્તાન જિહાદી આતંકવાદને જતો કરવા તૈયાર નથી. શાહબાઝના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નાદાન પોલિટિશ્યન બિલાવલ ભુટ્ટો અને અન્ય પ્રધાનો છાશવારે ભારતને પાઠ ભણાવવાનાં બણગાં ફૂંકે છે પણ પોતાના પ્રજાજનોને બે ટંક સરખું ભોજન આપી શકતા નથી.

આ સંજોગોમાં અત્યારે તો એવું લાગે છે કે પાકિસ્તાન હવે ખરા અથ  માં પરવરદિગારના ભરોસે છે. ક્યાં સુધી એ પીઓકે અને બલુચી લિબરેશન આર્મીના ઝનૂન સામે ટકી શકે છે એ જોવાનું રસપ્રદ થઇ પડશે.