Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Sometimes, being handy to everyone leaves us with nothing to do

Ravi Purti : ક્યારેક સૌને હાથવગા રહેવામાં આપણા હાથવગું કશું રહેતું નથી

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti :  ક્યારેક સૌને હાથવગા રહેવામાં આપણા હાથવગું કશું રહેતું નથી
સોર્સ : GSTV

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

App Store

- 'હું મૃત્યુને મુલતવી રાખું છું; જીવન દ્વારા, વેદના દ્વારા, ભૂલો દ્વારા, જોખમો દ્વારા, કશુક દઈને, કશુક ખોઇને'

એવરીથીંગ 

એવરીથીંગ 

એવરીથીંગ 

ઈઝ વેઈટીંગ ફોર યુ... 

- ડેવિડ વ્હાઈટ

સાવ સાચ્ચું! પણ આપણે નિરર્થકમાં ખોવાયા છીએ. અસ્તિત્વ આખું આપણી પ્રતિક્ષામાં છે પણ આપણે નથી. ક્યારેક સૌને હાથવગા રહેવામાં આપણા હાથવગું કશું રહેતું નથી.  જાતને પૂછવા જેવા પ્રશ્નો આવા હોવા જોઈએ, મારી પાસે અછત શેની છે; પૈસા કે દિવસોની, રસ્તાઓ કે પગલાંની, બજારો કે સુર્યાસ્તોની, સંબંધો કે મૈત્રીની, વસ્તુઓ કે શ્વાસની? આના ઉતરો ભય પમાડે તેવા હોય છે. અલબત્ત જીવન સવાલ-જવાબમાં અટવાય કે મન-બુદ્ધિમાં ગુંચવાય છે તે કરતા સ્વયં જીવનમાં દીક્ષિત થાય તે ઈચ્છવા યોગ્ય છે.

આવતીકાલે સામેના ઘાટેથી તરાપો આવશે અને કોઈ પરમ સ્થળે પહોંચી જઈશ તેવા ઝૂરાપા સાથે, તેવી પ્રાર્થના સાથે આ ઘાટે જીવનની સાંજ પાડવાને બદલે ચાલોને આપણે, આ ઘાટે શંખલા-છીપલાં વીણીએ, રેતીના મહેલો રચીએ, દરિયાઈ પંખીના ગીતો સાંભળીએ, સૂર્યોદય-સૂર્યાસ્ત સાથે વાતો કરી લઈએ, આકાશની નોંધપોથી વાંચી લઈએ. ચીની ભાષાના વિશ્વવિખ્યાત સર્જન લીન યુટાંગ જીવવાની કલા વિશે લખતા કહે છે, 'જો તમને સંપૂર્ણ રીતે નિરુપયોગી બપોર, સંપૂર્ણ નિરુપયોગી રીતે વ્યતીત કરતા આવડી જાય તો તમને જીવતા આવડી ગયું છે તેમ સમજજો.' આ માટે આપણા ત્રણ પગથિયાં છે;

લોગ આઉટ ફ્રોમ યેસ્ટર ડે,

લોગ આઉટ ફ્રોમ ટુ મોરો, 

લોગ ઈન ટુડે.

તથાગત બુદ્ધ એક અદભુત ચિત્તને ઉઘાડ આપતી કથા કહેતા. એક તિલસ્મી માયા મહેલ હતો.  તેના એક હજાર પ્રવેશદ્વારો હતા પણ તેમાંના નવસો નવાણું એવા હતા કે તેની પાછળ દીવાલ હતી જ્યાંથી બહાર નીકળી શકાય તેમ ન હતું. માત્ર એક જ પ્રવેશ દ્વારા મુક્તિ આપે તેવું હતું. એક વખત એક અંધ આ મહેલમાં ફસાઈ ગયો. તેણે અનેક બારણેથી નીકળવાની મથામણ કરી પણ અથડાયો, કુટાયો, થાક્યો, હાંફ્યો અને હાર્યો. ત્યારે ખરેખર પેલું મુક્તિ મળી જાય તે દ્વાર સામે  આવ્યું પણ અનેક વખત નિષ્ફળ જવાથી તેણે તેને ખોલવાનો  પ્રયાસ જ ન કર્યો અને તે ચૂકી ગયો. કદાચ, આજે પણ તે અંધ પેલા  મહેલમાં કેદ હશે.

જીવન કોઈ આદત નથી. એ તો દરેક પળે દરેક વરસે નવું નક્કોર છે. કદાચ, કદાચ, કોઈ સંભાવના આપણી રાહ જોઈ રહી હોય. અનીસ નીન જીવવાની એક રીત તરફ આંગળી ચીંધે છે,

'હું મૃત્યુને મુલતવી રાખું છું; જીવન દ્વારા, વેદના દ્વારા, ભૂલો દ્વારા, જોખમો દ્વારા, કશુક દઈને, કશુક ખોઇને'.

એક વખત એક ઝેન માસ્ટરને પૂછયું, 'તમારો સૌથી પ્રિય દિવસ કયો છે?' ત્યારે તેણે કહ્યું, 'નોટ સન્ડે ઓર હોલીડે બટ ટુડે ઈઝ માય ફેવરીટ ડે'.