નાની પણ મહત્વની વાતો: જે તમારું જીવન બદલી નાખશે

(૧) ડાઇનિંગ ટેબલ પર લંચ અથવા ડિનર કરવાની ટેબલ મેનર્સ
ભોજન કરતી વખતે ટેબલ મેનર્સ મહત્વની હોય છે. ખાવાનું ખાતા ખાતા મોઢામાંથી અવાજ કરવો, પ્લેટમાંથી ખાવાનું બહાર પડવું વગેરે સામાન્ય લાગતું હોય છે. પરંતુ આવી બધી બાબતો જાહેરમાં વધુ મહત્વની હોય છે. જેને ટેબલ મેનર્સ અથવા તો ડાઇનિંગ એટીકેટ્સ અથવા તો ઇટિંગ એટીકેટ્સ કહેવામાં આવે છે.
ટેબલ મેનેર્સની શરૂઆત ઊઠવા-બેસવાથી થતી હોય છે. ખુરશી પર આરામથી અવાજ કર્યા વગર બેસવું. પગ ફેલાવવા અથવા તો પગ હલાવ્યા કરવા જેવી આદતો વ્યક્તિત્વને ઝાંખુ પાડે છે.
ભોજનના ટેબલ પર બધા જ લોકા ખાસ કરીને યજમાન ડિનર ટેબલ પર બેસી જાય અને બધુ ખાવાનું પીરસાઇ જાય પછી જ ખાવાની શરૂઆત કરવી.
ડાઇનિંગ ટેબલ પર બેઠા પછી નેપકિનને ખોળામાં પાથરી દેવો જેથી ખાવાનું ઢોળાય તો નેપકિન પર જ પડે.
ખાતી વખતેમોઢામાંથી અવાજ નીકળવા ન જોઇએ.તેમજ મોઢું બંધ કરીને ખાવું.
નાના-નાના કોળિયા ભરવા જેથી ખાતી વખતે ઓતરાઇ જવાની કે મોઢામાંથી બહાર ખાવાનું ન પડે.
કોણીને ટેબલ પર ટેકવવી નહીં. ટેબલથી દૂર રાખવી.
કોઇના ઘરે જમવા ગયા હોઇએ તો વાનગીઓ પર ટીકા કરવી નહીં, તેમજ ઊણપ કાડવી નહીં.
ડિનર ટેબલ પર મેકઅપ કે પછી વાળ ઓળવા નહીં.
કોઇ ડિશ દૂર રાખી હોય તો પાસે આપવાનું કહેવુંય વાંકા વળીને કે પછી ખુરશી પરથી ઊઠીને લેવુ નહીં,
ખાતી વખતે પ્લેટ અને ચમચાઓ એકબીજા સાથે અથડાઇને અવાજ ન કરે તેનું ધ્યાન રાખવું.
ચમચાની માફક જ પ્લેટ પરની સાઇઝ પરનું પણ મહત્વ હોય છે. ખાસ કરીને નાની પ્લેટ રોટલી, પરાઠા કે બ્રેડ માટે ઉપયોગમાં લેવાની હોયછે. જ્યારે મોટી પ્લેટમાં શાક વગેરે લેવા માટેની હોય છે.
જમી લીધા પછી ઊઠવાની ઊતાવળ કરવી નહીં. અન્ય લોકો ખાસ કરીને યજમાન ઊઠે તેની રાહ જોવી.
કોઇના ઘરે ભોજન માટે ગયા હોઇએ તો વાનગીઓના વખાણ કરવા.
(૨)ફટકડીના ઉપયોગથી અન્ડર આર્મસની દુર્ગંધ દૂર કરવાનો ઉપાય
પરસેવો થવાથી શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય છે. ખાસ કરીને અન્ડર આર્મસમાંથી દુર્ગંધ નીકળવાનું જાહેરમાં શરમજનક બની જતું હોય છે. જેના માટે ફટકડી એક સોંઘો અને સરળ ઘરગત્થુ ઉપાય છે.
ફટકડીમાં સમાયેલા ગુણ ત્વચા પરના બેકટેરિનાને ઓછા કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ત્વચા પર બેકટેરિયા રહેલા હોય છે જે પરસેવાના સંપર્કમાં આવતા દુર્ગંધ પેદા કરે છે. જેથી ગરમીમાં આ સમસ્યા વધુ થતી હોય છે.
અન્ડર આર્મને સાફ કર્યા પછી હલકી ભીની ત્વચા પર ફટકડીને ધીરે-ધીરે રગડવુ. દિવસ દરમિયાન તાજગીનો અનુભવાશે.
ફક્ત અન્ડરઆર્મસ નહીં પરંતુ શરીરના અન્ય હિસ્સાઓ પરની દુર્ગંધ દૂર કરવામાં ફટકડી રામબાણ ઇલાજ છે.
(૩)બેસનથી ચમકાવો ચહેરો
ત્વચાને ચમકીલી કરવા માટે માનુનીઓ વિવિધ નુસખાઓ અજમાવતી હોય છે. બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનોમાં કેમિકલ સમાયેલા હોવાથી ત્વચાને હાનિ પહોંચવાની શક્યતા રહેલી હોય છે. ઘરના રસોડામાં રાખવામાં આવતો બેસન ત્વચાને ચમકીલી કરવા માટે એક ઉત્તમ ઉપાય છે. તેમાં ફક્ત થોડી ચોક્કસ ચીજો ભેળવવાથી ત્વચાને ચમકીલી કરવામાં મદદરૂપ થાય છે.
બેસન અને ચણાનો લોટ
બેસન અને ચણાના લોટનું મિશ્રણ આંતરિક ત્વચાને સાફ કરીને ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. આ નુસખો તૈલીય ત્વચા માટે ખાસ ફાયદાકારક નીવડે છે. તેના ઉપયોગથી મૃત ત્વચા દૂર થાય છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.
બેસન અને હળદર
બેસનમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે. ચહેરા પર લગાડવાથી કુદરતી ચમક આવે છે. બેસન અને હળદરના મિશ્રણમાં લીબુ ઉમેરવાથી ટેનિંગને દૂર કરવામાં મદદ મળે છે.
બેસન અને કાચુ દૂધ
બેસનમા ંકાચું દૂધ ભેળવીપેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી તે કુદરતી ક્લિન્જર અને મોઇશ્ચરાઇઝરની માફક કામ કરે છે. તે આંતરિંક ત્વચાની પણ સફાઇ કરતી હોવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. તેમજ તે ત્વચા પરની ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ત્વચા નિખરે છે તેમજ મુલાયમ થવાની સાથેસાથે ડાઘ -ધાબા દૂર થાય છે.
બેસન-દહીં-હળદર
બે ચમચા બેસનમાં એક ચમચો દહીં અથવા તો ગુલાબજળ અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર૧૦-૧૫ મિનીટ લગાડી રાખીને રગડી-રગડીને ધોઇ નાખવું. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવાથી ફાયદો થાય છે.
જયવિકા આશર
આધુનિક જીવનની અનેક આડઅસરોમાંની એક સ્લીપ ડિસઓર્ડર એટલે કે પૂરતી ઊંઘ લેવાની અક્ષમતા અને ઊંઘને લગતી વિવિધ તકલીફો. ઉપરથી નાની લાગતી આ બાબત હકીકતમાં અનેક સંબંધોને વેરવિખેર બનાવી દે છે.
ઊંઘને લગતી તકલીફોને કારણે અનેક જીવનસાથીઓ અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે જેથી તેમને ઊંઘમાં ખલેલ ન પહોંચે, જ્યારે ઊંઘની તકલીફ ધરાવતા કેટલાક સમજુ લોકો પોતે જ અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે જેથી અન્યોને તકલીફ ન થાય.
કેટલાક લોકો અન્યોને ખલેલ ન પહોંચે એટલે સફળ કારકિર્દીની લાયમાં સતત મથતા રહેવાને કારણે તથા અન્ય સામાજિક બંધનોને નિભાવવા માટે સમયની પાછળ સતત દોડતા રહે છે અને ખૂબ થાકી જાય છે. એને કારણે તેઓ પૂરતો આરામ નથી કરી શકતા.
બ્રિટિશ સ્લીપ સોસાયટીના એક ડોક્ટરે આ વિશેનો એક અભ્યાસ કરવા માટે લગભગ ચાર હજાર લોકોના ઈન્ટરવ્યુ લીધા હતા. ડોક્ટર કહે છે, 'આ સમસ્યાને કારણે લોકોની કારકિર્દી અને સંબંધો છિન્નભિન્ન થઈ જાય છે.'
આ ડોક્ટર વધુમાં કહે છે, 'ઊંઘમાં નસકોરાં બોલાવવાની તથા પલંગ પરથી પડી જવાની વાત જોક બની ગઈ છે અને લોકો એ વાતે હસતા હોય છે, પરંતુ આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે.'
ઊંઘને લગતી તકલીફ ધરાવતા બેતૃતીયાંશ લોકોએ કહ્યું, 'આ તકલીફ તેમના સંબંધોને ખતમ કરી રહી છે.'
જેમના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા એમાંના અડધા ભાગના લોકોએ કહ્યું કે 'અમને અલગ રૂમમાં સૂવાની ફરજ પાડવામાં આવે છે.'
ડોક્ટર મેલિસા કહે છે, 'વિશ્વભરમાં લાખો લોકોે ઊંઘને લગતી તકલીફો ધરાવે છે, પરંતુ મોટા ભાગના લોકો એને અવગણે છે અને ઈલાજ નથી કરતા.'
ઊંઘને લગતી સૌથી સામાન્ય અને વ્યાપક તકલીફ સ્લીપ એપ્નોઈયા નામની બીમારીની છે.
સ્લીપ એપ્નોઈયામાં માણસની ઊંઘમાં રાત્રે સતત ખલેલ પહોેંચતી રહે છે. થાકને કારણે ઓક્સિજનનો અભાવ પેદા થાય છે અને મગજ જ્યારે આ ક્ષતિ અનુભવે ત્યારે એ એક ક્ષણ માટે નસકોરાં બોલાવતી વ્યક્તિની હવાની અવરજવર કરતી નળીને ફરીથી ખોલી નાખવા માટે પ્રેરે છે.
આ રોગ અનુભવતી વ્યક્તિનાં સામાન્ય લક્ષણોમાં નસકોરાં બોલાવવા, રાત્રે ઊંઘમાં ચાલવું, ડિપ્રેશન અને સતત થાક અનુભવવાનો સમાવેશ થાય છે. આ બીમારીથી પીડાતા લોકો સતત એવું અનુભવતા રહે છે કે તેઓ પોતાની કારકિર્દી તથા સંબંધોમાં નિષ્ફળ જઈ રહ્યા છે.
એપ્નોઈયા આમ તો જીવલેણ નથી, પરંતુ એને કારણે હાર્ટએટેક, સ્ટ્રોક તથા હાઈપરટેન્શનનું જોખમ વધી જતું હોવાનું માનવામાં આવે છે.
બ્રિટિશર ડોક્ટર કહે છે, 'એપ્નોઈયાથી પીડાતા લોકો અકસ્માતનો ભોગ બને એવી શક્યતા બાર ગણી વધુ હોય છે.' તેઓ કહે છે, 'ઊંઘની બીમારીઓનું પ્રમાણ ડાયાબિટીઝ જેટલું જ અને અસ્થમા કરતાં બમણું છે. આ સમસ્યા પ્રત્યે ડોેક્ટરોે તથા નર્સોને વધુ જાગ્રત બનાવવાની જરૂર છે. આ ખરેખર એક મોટી સમસ્યા છે હકીકતનું લોકોેને ભાન થાય એ જરૂરી છે અને એ બાબતે તેમને જાગ્રત કરવાની જરૂર છે.'
કેમ્બ્રિજની પેપવર્થ હોસ્પિટલના ઊંઘને લગતી તકલીફોના નિષ્ણાત ડોેક્ટર જૉન સ્નિયર્સન કહે છે, 'ઊંઘને લગતી તકલીફો માટે આધુનિક જીવનશૈલી જવાબદાર છે. સામાજિક વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે લોકોએ સતત કામ કરતા રહેવું પડે છે અને સોશ્યલાઈઝ્ડ થતા રહેવું પડે છે. એને કારણે લોકો ઓફિસમાં કે અન્ય સ્થળે ખૂબ ઊંઘ આવતી હોય તો પણ એ કબૂલ નથી કરતા અને એના ઈલાજ માટે ડોક્ટર પાસે પણ નથી જતા.'
ડોક્ટર સ્નિયર્સન વધુમાં કહે છે, 'આમ છતાં સતત ઊંઘનો અભાવ અનુભવવાથી માણસોનું જીવન અને તેમના અન્ય લોકો સાથેના સંબંધો મુશ્કેલીમાં આવી રહ્યાં છે.'
ઊંઘ વિશે આટલું જાણી લો
ડાયેટિંગ અને કસરતની જેમ પૂરતી ઊંઘ તંદુરસ્તી માટે આવશ્યક છે. અપૂરતી ઊંઘ માનસિક અને શારીરિક બંને પ્રકારની સમસ્યાઓ પેદા કરી શકે છે.
ઊંઘના સતત અભાવને પરિણામે ઊંઘની ખાદ્ય એકઠી થતી રહે છે. જે લોકોે વધુ સમય ઊંઘથી વંચિત રહે છે તેઓ હંમેશ માટે ઊંઘની તકલીફથી પીડાતા રહે છે.
સ્લીપનેસ એટલે કે ઘેનમાં રહેવું એક એવી અવસ્થા છે જેમાં તમારે જાગવાની જરૂર હોય છતાં તમે જાગેલા અને સતર્ક નથી રહી શકતા. કામ કરતી વખતે કે ડ્રાઈવિંગ કરતી વખતે કે ઘણી વાર આવી તકલીફ અનુભવાતી હોય છે.
થાક એવી અવસ્થા છે જેમાં તમને અસ્વસ્થતા લાગે છે, ચીડ ચડતી રહે છે અને હાથ પરના કામમાં તમે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આખી રાત ઊંઘ્યા પછી પણ તમે આવું અનુભવો છે.
ઈન્સોમ્નિયા એટલે કે અનિદ્રાની વ્યાખ્યા એ છે કે તમારી પાસે ઊંઘવાની તક હોય છતાં તમે ઊંઘી જવામાં તથા ઊંઘતા રહેવામાં તકલીફ અનુભવતા હો. થોડાં અઠવાડિયા સુધી ચાલતા ઈન્સોમ્નિયાને ટૂંકા ગાળાની અનિદ્રાની કે ટ્રાન્ઝિસ્ટન્ટ કહેવાય છે. જો અનિદ્રા લાંબા સમય સુધી ચાલતી રહે તો એને ક્રોનિક ઈન્સોમ્નિયા કહે છે.
ઈન્સોમ્નિયાની બીમારી પુરુષો કરતાં સ્ત્રીઓને થવાની શક્યતા વધુ હોય છે. શરીરની અંદરના તાપમાનમાં ફેરફાર થવાથી તેમ જ હોર્મોન્સમાં પરિવર્તન આવવાથી ઊંઘવાની રીત બદલાઈ જતી હોય છે.

