Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : seven simple ways to be great in your own eyes

Shatdal: પોતાની નજરમાં મહાન ઠરવાના સહજ સાત રસ્તા ક્યા-ક્યા ?

Timeછેલ્લું અપડેટ : 21 May 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal: પોતાની નજરમાં મહાન ઠરવાના સહજ સાત રસ્તા ક્યા-ક્યા ?

- એક જ દે ચિનગારી

App Store

- 'કદરદાની' માટે કામ કરવાને બદલે ઈશ્વરે સોંપેલી જવાબદારી તરીકે કાર્ય કરો

એક ઓલિયા જેવો માણસ ચિતરેલુ પાટિયું લઈને બેઠો છે. વ્યક્તિને જોયા બાદ એ પાટિયા પર એક શબ્દ લખે છે. લોકોને ઉત્સુકતા થાય છે પેલા સંત જેવા ઓલિયાએ શું લખ્યું ? પણ ઓલિયાનો ચહેરો ક્રોધથી લાલઘૂમ જણાતાં પૂછવાની કોઈ હિંમત કરી શકતું નહોતું.

એ ઓલિયાએ અત્યાર સુધી ત્રણ શબ્દો લખ્યા હતા: તુચ્છ, પલાયનવાદી અને મહાન.

અંધારું થઈ ગયું છે. પેલો ઓલિયો ત્રણ મીણબત્તી સળગાવી પોતાની મસ્તીમાં મશગૂલ છે. એવામાં ભૂલો પડેલો એક મુસાફર ત્યાં આવી ચઢે છે.

એવામાં એકાએક આંધી શરૂ થાય છે. એક મીણબત્તી બીજી મીણબત્તી પર પડે છે અને બીજી ત્રીજી પર. આંધી શમ્યા બાદ પેલો મુસાફર ત્રણેય મીણબત્તીઓ સળગાવે છે અને બગલથેલામાંથી એક ડબ્બો કાઢી સંતને એમાંથી થોડુંક ખાવાની વિનંતી કરે છે.

ઓલિયો બધી જ ભોજન સામગ્રી આરોગી જાય છે અને ત્યાર બાદ વટેમાર્ગુના ખોળામાં મસ્તક મૂકી ઘસઘસાટ ઊંઘી જાય છે. છેક સવાર સુધી. પેલો મુસાફર આખી રાત હાલ્યા-ચાલ્યા વગર બેસી રહ્યો કે સંત ઓલિયાની ઉંઘ ઉડી ન જાય.

સવારે પેલા મુસાફરે જવાની તૈયારી કરી. પણ તુચ્છ, પલાયનવાદી અને મહાન શબ્દોનું રહસ્ય જાણવાની ઈચ્છા રોકી શક્યો નહીં. એણે પેલા ઓલિયાને આ અંગે પૂછ્યું.

ઓલિયાએ કહ્યું ''કાલે મેં એક નેતાને અહીંથી પસાર થતો જોયો. એને જોઈને અનેક લોકો પોતાનાં દુ:ખદર્દો કહેવા ઉત્સુક હતાં પણ નેતા પોતાની વાહવાહી સાંભળવામાં એટલા મગ્ન હતા કે તેમને લોકોની વાતો સાંભળવામાં લેશમાત્ર ઉત્સાહ નહોતો. ચમચાઓ એમની વાહવાહી કરતા હતા. નેતાજી આપ યશસ્વી છો. મહાન છો.''

ઓલિયાએ કહ્યું : માત્ર યશની પાછળ દોડનાર કીર્તિવંત બની શકે નહીં. યશ માટે માણસ ધમ પછાડા કરે છે પણ પ્રેમ અને સેવાનાં બીજ વાવ્યા વગર કીર્તિનો છોડ વિકસી શકે નહીં. કીર્તિનાં કોટડાંને ધરાશાયી થવાની ભીતિ નથી હોતી જ્યારે યશ કોઈ પણ દુષ્કૃત્યને કારણે નંદવાય છે. આવા તકભૂખ્યા નેતાઓનો આઝાદી પછી રાફડો ફાટયો છે. એવા દંભી નેતાઓ માટે મેં 'તુચ્છ' શબ્દ લખ્યો છે.

'પણ 'પલાયનવાદી' શબ્દનું પ્રયોજન શું - મુસાફર પૂછે છે. ત્યાગનો અંચળો ઓઢી, ગૃહત્યાગ કરી પૂજાવાના કોડને વશ થઈ સાંસારિક જવાબદારીઓથી ભાગનાર કહેવાતા સંતો અને સાધુઓ માટે મેં પલાયનવાદી શબ્દ વાપર્યો છે. સંયમ, સહિષ્ણુતા, ધૈર્ય, આત્મ નિયંત્રણ વગેરેની કસોટી સંસારમાં થાય, સાંસારિક પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તેઓ નવો સંસાર ઉભો કરે છે. અંધશ્રધ્ધાનાં વાવેતર કરે છે. એવા લોકો માટે મેં 'પલાયનવાદી' શબ્દ વાપર્યો છે. ઓલિયાએ સ્પષ્ટતા કરી.'

''અને છેલ્લે મહાન શબ્દ વાપર્યો છે.''

જહાં કહીં નેકી હૈ જગમેં

જહાં કહીં ઉજિયારા

વહાં ખડા હૈ કોઈ ને કોઈ

મોલ ચૂકાને વાલા.

''મહાન માટે હે મુસાફર તારે જે.પી. વાસવાણીએ લખેલી એક દ્રષ્ટાન્તકથા સાંભળવી પડશે.''

'અવશ્ય સાંભળીશ' મુસાફરે નમ્રતાપૂર્વક કહ્યું.

''હરિનામના ચોકીદારની આ વાત છે. રાજાએ જંગલમાં શિકાર માટે બંધાવેલા નાનકડા મહેલની આ વાત છે. એ મહેલનો હતો હરિ ચોકીદાર. એક દિવસ હરિને રાજમહેલમાંથી હૂકમ મળ્યો કે રાજા વનવાળા બંગલામાં આવશે. રાજાના રહેવા-જમવાની તમામ સગવડ હરિએ કરી રાખવી. રાજા ભોજન બાદ આરામ કરી પાછા ફરશે.''

હરિએ આદેશ મુજબ રાજાના ભોજન માટે ભાતભાતની વાનગીઓ બનાવી અને રાજાના આરામ માટે પલંગ તૈયાર રાખી રાજાની રાહ જોતો બંગલાના દરવાજા પાસે સ્ટૂલ પર બેસી રહ્યો.

રાતના ત્રણેક વાગ્યે એક અજાણ્યો માણસ ઘાયલ દશામાં બંગલાના દરવાજે આવીને 'મદદ કરો, મદદ કરો, કહેતાં ઢળી પડયો.'

હરિ એ અજાણ્યા માણસને જાળવીને ઉઠાવી બંગલામાં લઈ ગયો. રાજા માટે જે ગરમ પાણી તૈયાર રાખ્યું હતું તેનાથી તેના ઘા સાફ કર્યા. રાજા માટે તૈયાર રાખેલાં કપડાં તે અજાણ્યા માણસને પહેરાવ્યાં. શાહી ભોજન તેને જમાડી અને રાજા માટે તૈયાર રાખેલા શયનખંડમાં તેને સુવાડી દીધો.

થોડી વારમાં રાજાના દીવાન રાજા માટે કેવી તૈયારી રાખવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવા આવ્યા. એક અજાણ્યા માણસને રાજાના શયનખંડમાં સુતેલો જોઈ તેઓ હરિ પર ગુસ્સે થયા. અને હરિને પૂછ્યું ''તને પગાર તો રાજા આપે છે. રાજાનો શયનખંડ તે બીજાને વાપરવા આપ્યો, એ બદલ તને આકરી સજા મળશે.''

એવામાં રાજાના શયનખંડમાંથી અવાજ આવ્યો. ''રાજાએ હરિના વ્યવહારને જોઈ લીધો છે.''

રાજાનો અવાજ પારખી દીવાન દોડયા. ''અરે મહારાજ, આપ અહીં એકલા કેવી રીતે ?''

રાજાએ કહ્યું : ''હું રસાલા સાથે શિકારે ગયો હતો. ત્યાં વાઘની ટોળકીએ હૂમલો કર્યો. રસાલાના મોટાભાગના લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા. ઘોડા પણ ભાગી ગયા. હરિ લોહી લુહાણ રાજાને ઓળખી શક્યો નહીં. એણે એક અજાણ્યા માણસ તરીકે રાજાની ખૂબ સેવા કરી. હરિ જેવો દયાવાન માણસ જગતમાં જડે તેમ નથી. તેને માટે રાજાના મોટા ઈનામનો હકદાર છે એટલે એ અજાણ્યો માણસ 'મહાન' ગણાય.'' દુનિયાની નજરમાં 'મહાન' ઠરવા કરતાં પોતાની જાતની નજરમાં મહાન ઠરવાના આ છે સાત રસ્તા.

 ૧. સેવાનો આરંભ પરિવારથી કરો નાનેરાંઓને પ્રેમ આપો અને વડીલોને સેવા અને સદ્વર્તનથી પ્રસન્ન     રાખો.

૨. સેવાને કાર્ય તરીકે નહીં પણ ધર્મ કર્તવ્ય તરીકે સ્વીકારો.

૩. દેવમંદિરની જેમ દેહમંદિરને પણ પવિત્ર રાખો.

૪. ઘરમાં શ્રેષ્ઠ સ્વજન અને નોકરી વ્યવસાયમાં ઈમાનદાર વ્યક્તિ તરીકે વર્તો.

૫. માત્ર યશ ખાતર નહીં પણ રસ ખાતર કામ કરો. કામને રામનો દરજ્જો આપો તો ભગવાન રામ ખુશ થશે.

૬. રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે તેમ એક હાથે કામ કરો અને બીજા હાથે ઈશ્વરને પકડી રાખો કાર્ય સંપન્ન થાય ત્યારે ઈશ્વરને બન્ને હાથે પકડી રાખો.

૭. કદરદાની માટે કાર્ય કરવાને બદલે ઈશ્વરે સોંપેલી જવાબદારી તરીકે કાર્ય કરો.

 - શશિન્

ટોપિક્સ:shatdal purtigstv news