Business Plus: SEBIએ આ 7 વસ્તુઓના કૃષિ વાયદા કારોબાર પરના પ્રતિબંધમાં 1 વર્ષનો કર્યો વધારો!

આજકાલ યુદ્ધની નેગેટિવ અસરોને કારણે વિશ્વભરના વેપારો પ્રભાવિત થયા છે ત્યારે તાજેતરમાં વાયદા બજારની ઓથોરિટી સેબીએ ચણા, ઘઉં, ડાંગર (બિન-બાસમતી), સરસવ, સોયાબીન, ક્રૂડ પામ તેલ અને મગના વાયદા કારોબાર ઉપર ફરી વાર ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી પ્રતિબંધની મુદત લંબાવતાં વાયદા કારોબરને ઝટકો લાગ્યો છે. ઉપરોક્ત ચીજો ઉપર સૌપ્રથમ વાયદા વેપાર પ્રતિબંધ ૨૦૨૧માં સેબી દ્વારા લાદવામાં આવ્યો હતો. ઉપરોક્ત ચીજોના તત્કાલિન સમયે વાયદા વેપાર દરમ્યાન પ્રતિબંધ અગાઉ કૃષિ કોમોડિટી ફ્યુચર્સ માર્કેટમાં કુલ વેપારનો ૭૦ ટકાથી વધુ ફાળો ઉપરોક્ત ચીજોનો હતો. અને જે તે સમયે NCDCનું ટર્ન ઓવરમાં એવરેજ કરતાં નોંધપાત્ર રીતે ઉછાળો જોવાયો હતો. પ્રતિબંધ બાદ વોલ્યુમમાં છથી સાત ગણો ઘટાડો થયો હતો. જરૂરી ખાદ્ય ચીજોના ભાવોમાં અસામાન્ય રીતે વધારો કે ઘટાડો થાય તેમજ સટ્ટાબાજીને રોકવા માટે સરકારે વાયદા વેપાર ઉપર લાદેલા પ્રતિબંધને આજદિન સુધી સતત યથાવત રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ વાયદાનો કારોબાર શરૂઆતમાં ફોરવર્ડ માર્કેટ કમીશન (ખસ્ભ) દ્વારા નિયંત્રિત કરવામાં આવતો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૩માં નેશનલ કોમોડિટીઝ ડેરીવેટિવ્ઝ એક્સચેન્જ (NCDC)ની સ્થાપના કરી તેના પ્લેટફોર્મ ઉપર લગભગ ૨૫ જેટલી કૃષિ ચીજોના વાયદા વેપાર શરૂ કરાયા હતા. સમયાંતરે કેટલીક ખાધ ચીજોમાં અસામાન્ય રીતે ફુગાવો વધી જતાં ઉપરોક્ત સાત ચીજો ઉપર પ્રતિબંધની સમય મર્યાદા વધુ એક વાર લંબાવવામાં આવી છે. જોકે હાલમાં NCDC ઉપર એરંડા, ધાણા, ગવાર, જીરૂ, હળદર જેવી ગણીગાંઠી ચીજો ઉપરનો વાયદા વેપાર માંડ ચાલુ રહ્યો છે. હાલમાં વિશ્વના અસ્થિર વાતાવરણમાં ખાધ ચીજોમાં મોંઘવારીનો પ્રશ્ન શિરદર્દ બને નહિ તેને લક્ષ્યમાં સરકાર કોઈ જોખમ નહિ લેવા માંગતી હોય તેવી ચર્ચા પણ વ્યાપક રહી છે.
દરમિયાન છેલ્લા એક મહિનાથી ખાડી દેશોમાં યુદ્ધની અનિશ્ચિતતાઓને કારણે નિકાસ લગભગ ઠપ્પ થઈ છે. ભારતીય મસાલા તથા અન્ય કૃષિ પેદાશોનો અગ્રણી ખરીદનાર અમેરિકા તથા અન્ય યુરોપિયન દેશો તરફથી પણ માંગ નહિ રહેતાં વિદેશી વેપારોમાં સુસ્તી છવાઈ છે. અમેરિકામાં ભારતીય ખાધ ચીજો ઉપરની ટેરિફ ડયુટી ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવા છતાં વિદેશી વેપારનો અભાવ નિકાસકારોને સતાવી રહ્યો છે. અમેરિકામાં વર્ષે દહાડે લગભગ પચાસ કરોડ ડોલરના મુલ્યના મસાલા તથા અન્ય ચીજોની ભારતમાંથી આયાત થતી હોય છે ત્યારે હાલમાં ઓર્ડરો ઘટી જતાં સ્થાનિક વેપારો ઉપર અસર વર્તાઈ રહી છે. યુદ્ધને લીધે શિપીંગ ખર્ચ તેમજ સલામત રસ્તાના ફેકટર્સ પણ જોખમી બની ગયા છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો હાલમાં લગભગ બંધ થઈ ગયો છે.
ભારતની આસપાસના દેશોમાંથી પણ થતા વેપારોમાં ઘટાડો થતાં ચિંતાનું કારણ પ્રવર્તી રહ્યું છે. આ સંજોગોમાં ચીન ઉપર નિકાસ કારોબારની વિશેષ અપેક્ષા હતી. તેમાં પણ ચીને ચોખાના વેપાર ઉપર ખેલ કરતાં ચીનની મુરાદ ઉપર શંકાઓ ઉઠી છે. તાજેતરમાં ભારતીય બાસમતી સિવાયના ચોખાના ત્રણ જેટલા શિપમેન્ટ જિનેટકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સની હાજરી હોવાનું બહાનું કાઢીને ચીને રિજેકટ કરી દેતાં નિકાસકાર વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
બીજી તરફ રાજ્યના કૃષિ બજારોમાં માર્ચ એન્ડીંગના કારણે મીની વેકેશન હોવાથી વેપારોમાં ભારે સુસ્તી છે. ધાણા, મરચાં બજારમાં સપ્લાય સામે ડિમાન્ડ વધુ હોવાથી બજારો તેજી તરફી છે. ધાણામાં વર્ષ ૨૦૨૨ જેવી સ્થિતિનું પુનરાવર્તન થાય તેવી સ્થિતિ છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી થતાં વેપારો લગભગ બંધ હોવા ઉપરાંત સ્થાનિક સ્તરે નાણાંકીય કટોકટીથી હાજરમાં પુછપરછ ઓછી હોવા છતાં સતત બજાર તેજી રહેવા પાછળ સટ્ટાબાજી ધૂમ થતી હોવાની વ્યાપક આશંકા છે. વર્ષ ૨૦૨૨માં આ જ પ્રમાણે કોઈ કારણ વગર બજાર વધ્યા બાદ ઉંચા ભાવે સ્ટોકિસ્ટોએ માલ સ્ટોક કર્યા બાદ બજાર તૂટી જતાં મોટા નુકશાન થયા હતા. જેને લીધે હાલમાં પણ વર્ષ ૨૦૨૨નું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું વેપારીઓમાં ચર્ચાસ્પદ બન્યું છે.

