Sahiyar: ઝપ્પીનીશક્તિ : લાગણીની અભિવ્યક્તિ પણ બાળકનું વ્યક્તિત્વ નિખારી શકે

વ્યક્તિના જીવનમાં બાળપણ સૌથી રચનાત્મક તબક્કો હોય છે.આ પ્રારંભિક વર્ષોમાં બાળકના અનુભવ તેના વ્યક્તિત્વ,ભાવનાત્મક સુખાકારી અને ભાવિ ક્ષમતા માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. એક તરફ પ્રકૃતિ વિરુદ્ધ પાલનની ચર્ચા શૈક્ષણિક જિજ્ઞાાસા ઉત્તેજિત કરતી રહી છે ત્યારે અમેરિકી સામાયિકમાં પ્રકાશિત એક નવો અભ્યાસ સમગ્ર વાદમાં રસપ્રદ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે માતાના આલિંગનના આવર્તન અને હૂંફની બાળકના વ્યક્તિત્વ અને ભાવિ સફળતા પર લાંબા ગાળાની અસર પડે છે, આ વાત સમાન જોડિયા બાળકોને પણ લાગુ પડે છે.
યુ.કે.માં કરાયેલા અભ્યાસમાં બે હજારથી વધુ જોડિયા બાળકોની ચકાસણી કરાઈ હતી. આવા સંશોધનમાં સમાન જોડિયા બાળકોનું નિરીક્ષણ ખાસ મૂલ્યવાન હોય છે કારણ કે તેમના ડીએનએ સો ટકા સમાન હોય છે અને બંને સમાન વાતાવરણમાં ઉછર્યા હોય છે. જોડિયા બાળકોમાં બધુ સમાન હોય છે અને તેથી માત્ર કેટલી લાગણી તેમને મળી તેનો જ અભ્યાસ કરવાનો રહે છે. સંશોધકોને જાણ થઈ કે પાંચ અને દસ વર્ષ વચ્ચેના જે બાળકને તેની માતા તરફથી વધુ આલિંગન અને પ્રેમાળ ધ્યાન મળ્યા હતા તે મોટા થતા વધુ દયાળુ, કર્તવ્યનિષ્ઠ અને પ્રેમાળ બન્યા હતા.
ખુલ્લાપણું, કર્તવ્યપરાયણતા અને પ્રેમાળ વર્તન મનોચિકિત્સકો જેને બિગ ફાઈવ વ્યક્તિત્વ નિશાની કહે છે તેના મુખ્ય ઘટક છે. તે મજબૂત સંબંધો, બહેતર શૈક્ષણિક અને કારકિર્દી પરફોર્મન્સ તેમજ ભાવનાત્મક સુખાકારીના ઉચ્ચ સ્તર સહિત જીવનના સકારાત્મક પરિણામો સાથે નજીકથી જોડાયેલા છે. ખાસ તો પ્રારંભિક બાળવયે લાગણીશીલ અને દરકાર રાખવાથી સંતુલિત અને ભાવનાત્મક મજબૂત પુખ્ત વ્યક્તિના બીજ રોપી શકાય છે.
આ શોધને મહત્વ બનાવનારી બાબત છે કે સમાન જોડિયા બાળકો પરની અસર માપી શકાય છે. તેમની જેનેટિક બનાવટ અને પર્યાવરણ સમાન હોવાથી માતાની લાગણીમાં થોડો ફેરફાર પણ વ્યક્તિત્વમાં તફાવત રચવા માટે પર્યાપ્ત બને છે. આ લક્ષણો દર્શાવે છે કે માતાપિતાના પ્રેમનો કેવો શક્તિશાળી અને લાંબા ગાળાનો પ્રભાવ પડે છે. એક આલિંગન જેવું સાદુ અને સરળ વર્તન ભલે નજીવુ લાગે, પણ સમય જતા તે સુરક્ષા, વિશ્વાસ અને ભાવનાત્મક ટેકાનો સંકેત આપે છે. આ સંકેતો બાળકને મૂલ્યવાન હોવાની અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી આત્મસાત કરવામાં સહાય કરે છે જેનાથી તેનો પોતાના પ્રત્યેનો અભિગમ તેમજ સમાજ પ્રત્યે તેમનું વર્તન ઘડાય છે.
આલિંગન જેવી લાગણીની સાદી અભિવ્યક્તિ બાળકના મગજ, ભાવના અને વ્યક્તિત્વના વિકાસને અસર કરીને તેના ભાવિના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આલિંગનથી તાણ ઘટાડતા અને સુખાકરીની લાગણી જન્માવતા હોર્મોન ઓક્સીટોસિનનો સ્રાવ થાય છે જેનાથી ખાસ કરીને લાગણી નિયમન, શિક્ષણ અને સ્મરણ સંબંધિત ક્ષેત્રોમાં મગજનો વિકાસને બળ મળે છે.
નિયમિતપણે શારીરિક સ્નેહ મેળવનાર બાળકોમાં મજબૂત સંજ્ઞાાનાત્મક ક્ષમતા અને ભાવનાત્મક અનુકૂલનતા વર્તાય છે. સામાજિક અને ભાવનાત્મક સ્તરે આલિંગન વાલી અને બાળકના જોડાણને મજબૂત બનાવે છે, પરસ્પર વિશ્વાસ અને સંપર્કની ભાવના તેમજ સુરક્ષાની લાગણી જગાડે છે જેથી બાળકોને પડકારોનો સામનો કરવામાં સહાયતા મળે છે. ઉપરાંત બાળકોને સામાજિક પ્રતિક્રિયામાં લાગણીના સ્પર્શનું મૂલ્ય સમજાય છે જેનાથી તેઓ વધુ સારી રીતે સામાજિક સંબંધો વિકસાવી શકે છે.
રસપ્રદ બાબત છે કે વાલીઓના સ્નેહથી વ્યક્તિત્વની તમામ નિશાની પર સમાન અસર નહોતી થઈ. બહિર્મુખી અને તણાવ પ્રત્યે તેમના અભિગમ જેવા લક્ષણોમાં ઓછો પ્રભાવ દેખાયો હતો. એનાથી સાબિત થાય છે કે વાલીઓના સ્નેહ અને પ્રેમથી વ્યક્તિત્વના મહત્વના પાસા પ્રભાવિત જરૂર થાય છે, પણ અમુક ઘટકો જીન્સમાં વધુ ઊંડે સુધી ધરબાયેલા હોય છે.
તેમ છતાં વ્યાપક નિષ્કર્ષ સ્પષ્ટ છે, વાલીપણુ જવાબદાર છે અને પ્રેમની અભિવ્યક્તિના નાના સંકેતો, ખાસ કરીને આલિંગન માત્ર દેખાડાના કાર્યો નથી પણ તે બાળકના ભાવનાત્મક અને મનોવૈજ્ઞાાનિક ભાવિમાં રોકાણ છે.
આજના સમયમાં જ્યારે વાલીઓ બાળકના શૈક્ષણિક અને અભ્યાસેત્તર સિદ્ધિઓ બાબતે ચિંતિત હોય છે ત્યારે આ અભ્યાસ ખરેખર મહત્વનું શું છે તેનો અહેસાસ કરાવે છે. ભાવનાત્મક જોડાણ અને પ્રેમની સાદી સરળ અભિવ્યક્તિઓ જીવન પર્યંતની સફળતાનો પાયો રચી શકે.
આથી હવે જ્યારે તમે બાળકને ભેટો ત્યારે યાદ રાખો, એ માત્ર હૂંફની ઘડી નથી, પણ તેમના ભાવિના નિર્માણની આધારશીલા છે.

