Sahiyar: બુફે ભોજન સમારંભો હવે અન્ન બગાડવાનો કારસો બની ગયા છે

- લાઇવ કાઉન્ટર પર લાઇનો લાગે અને અન્ય કાઉન્ટર્સ પર ચકલું ય ફરકતું ન હોય તો તેના માટે કોણ જવાબદાર?
- હવે તો પંગત પાડી માગે એટલું જ પીરસવાનો ધારો રાખો તો અન્નનો બગાડ અટકે
દુનિયામાં જેટલું પરિવર્તન થાય છે એટલી જ સમસ્યાઓ યથાવત પણ રહે છે. ભોજન સમારંભોના મામલે આ વાત સાચી પડી રહી છે. એક જમાનામાં નાતનો વરો થતો અને પીરસણીયા આગ્રહ કરી કરીને મહેમાનોને ભાવતાં ભોજનો પીરસતા. પણ નાતના વરામાં અન્નનો મોટો બગાડ થાય છે એમ કહી નવી પેઢીએ બુફે ભોજન સમારંભોનો ચાલ શરૂ કર્યો. એક જમાનામાં ગણતરીના મહેમાનો અને ગણતરીની વાનગીઓ પીરસાતી હતી ત્યાં સુધી મહેમાનો જોઇએ એટલું ભોજન જાતે પોતાની પ્લેટમાં લઇ અન્નનો બગાડ ન થાય તેની શરત રાખતા હતા. પણ આજના જમાનામાં બુફે ભોજનનું કદ અને સ્ટેટસ એ હદે બદલાઇ ગયા છે કે હવે તો બુફે ભોજન સમારંભો અન્નનો બગાડ કરવાના કારસા બની ગયા છે.
લાઇવ કાઉન્ટર પર મહેમાનોનો તડાકો પડે છે જ્યારે અન્ય પરંપરાગત વ્યંજનોના કાઉન્ટર પર ચકલુંય ફરકતું નથી
હવે બુફે ભોજન સમારંભોમાં મનમાં આવે એટલી આઇટમો પીરસવાનો આગ્રહ રાખવામાં આવે છે. તેમાં પણ અનેક પ્રકારના સ્ટ્રીટ ફૂડ અને જાત જાતના કાઉન્ટર પર જાતજાતની આઇટમો પીરસવાનો આગ્રહ રાખવામાં આવે છે. આજે કોઇપણ સામાન્ય ભોજન સમારંભમાં અનેક પ્રકારના વ્યંજનો પીરસવામાં આવે છે. પરિણામે બને છે એવું કે મહેમાન માત્ર મોટા ભાગની આઇટમ ચાખે તેમોં જ તેનું પેટ ભરાઇ જાય તેમ હોય છે. આ ઉપરાંત લાઇવ કાઉન્ટર નામનું એક નવું દૂષણ પાછું બુફે ભોજન સમારંભોમાં દાખલ થયું છે. સામાન્ય રીતે ઢોકળાં-ડોસા અથવા પાણીપુરી-સેવપુરી-ભેળપુરીના લાઇવ કાઉન્ટર્સ રાખવામાં આવે છે. બને છે એવું કે આવી ગરમાગરમ બનતી વસ્તુઓ ખાવા માટે મહેમાનો તુટી પડે છે. પરિણામે લાઇવ કાઉન્ટર પર મહેમાનોનો તડાકો પડે છે જ્યારે અન્ય પરંપરાગત વ્યંજનોના કાઉન્ટર પર ચકલુંય ફરકતું નથી. પરિણામે બને છે એવું કે આવા પરંપરાગત વ્યંજનોનો બુફે ભોજન સમારંભોમાં મોટા પ્રમાણમાં બગાડ થાય છે.
મોટાભાગના મહેમાનો પોતાની ડીશમાં વ્યંજનોનો ડુંગર ખડકી તો નાંખે છે પણ તેને ખાવાની તેમની તાકાત હોતી નથી
મહેમાનોની પણ માનસિકતા સમય બદલાતાં બદલાઇ છે. એક જમાનામાં બુફે એટલે હાથમાં ડીશ લઇ મોજથી ગમે એ વાનગી લઇ મોજથી તેની લહેજત માણતાં માણતાં યજમાનો કે મિત્રો સાથે ગોઠડી માંડવાની મજા. પણ આજે તો મહેમાનો રહી જવાની લાયમાં કે કાઉન્ટર પર વાનગી ખલાસ થઇ જવાની લાયમાં પોતાની પ્લેટોમાં વિવિધ વાનગીઓનો ડુંગર ખડકે છે. બને છે એવું કે મોટાભાગના મહેમાનો પોતાની ડીશમાં વ્યંજનોનો ડુંગર ખડકી તો નાંખે છે પણ તેને ખાવાની તેમની તાકાત હોતી નથી. પરિણામે મોટાભાગે આવા વાનગીના ડુંગર છેવટે તો કચરાટોપલીમાં જ પધરાવવામાં આવે છે. લોકો દેખાદેખીમાં જે આઇટમમાં ભાન ન પડતું હોય તે પણ પ્લેટમાં લઇ લે છે પણ જ્યારે તે ન ભાવે ત્યારે પ્લેટ સાથે તે વાનગી પણ કચરામાં જાય છે. આમ, આંધળે બહેરું કૂટવાના અનેક પ્રસંગો બને તેમાં અન્નનો બગાડ મોટાપાયે થાય છે.
વિદ્વાનોને એમ લાગતું હશે કે બુફેમાં ગમાર લોકોને કારણે જ ભોજનનો વેડફાટ વધારે થતો હશે પણ જ્યાં એક એક પૈસાનો હિસાબ રાખવામાં આવે છે તે ફાઇવ સ્ટાર હોટલ્સ અને રિસોર્ટ્સમાં પણ બુફે ભોજન હવે અન્નના બગાડને કારણે અણગમતાં બનવા માંડયા છે. ઘણી હોટલ્સ અનેરિસોર્ટમાં હવે આ લા કાર્ટ સિસ્ટમ ફરી અમલમાં આવી રહી છે. બને છે એવું કે આ લા કાર્ટ એટલે કે મેનુમાં જોઇને જોઇતી વાનગી ઓર્ડર કરવાની રીતમાં મહેમાનને ખબર હોય છે કે તેઓ કઇ વાનગીનો ઓર્ડર આપે છે અને તે કેટલી માત્રામાં આવશે. પરિણામે ગ્રાહક ક મહેમાન આ લા કાર્ટ સિસ્ટમમાં જરૂરિયાત અનુસાર પોતે ખાઇ શકે એટલું જ ભોજન મંગાવતો હોઇ તેને કારણે અન્નનો બિનજરૂરી બગાડ નિવારી શકાય છે.
આખી દુનિયામાં સરેરાશ ૩૦ ટકા અન્નનો બગાડ ફૂડ સર્વિસ સેક્ટરમાં થતો હોવાનું જણાયું છે
જો કે, હવે ફાઇવસ્ટાર હોટલ્સમાં અન્નના બગાડને નિવારવા માટે જાગૃતિઆવી હોય તેમ લાગે છે. આખી દુનિયામાં સરેરાશ ૩૦ ટકા અન્નનો બગાડ ફૂડ સર્વિસ સેક્ટરમાં થતો હોવાનું જણાયું છે. રસપ્રદ બાબત એ છે કે ફાઇવસ્ટાર હોટલોમાં અન્નનો બગાડ નિવારવા માટે લાઇવ ફૂડ કાઉન્ટર પર વધારે ધ્યાન ફોક્સ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રાહક તેની પ્લેટમાં જે વાનગી લે તે પુરી ખાતો ન હોઇ તેને કારણે અન્નનો બગાડ થાય છે. પરિણામે સારી હોટલોમાં ગ્રાહકને નમ્રતાથી જોઇએ એટલું જ ખાવાનું લેવા માટે જણાવવામાં આવે છે.
ફાઇવસ્ટાર હોટલ્સમાં સમસ્યા એ હોય છે કે તેમાં એકવાર ખોરાક રંધાઇ જાય તે પછી તેનો નિકાલ કરવાનું શક્ય હોતું નથી. ફાઇવસ્ટાર હોટલમાં એકવાર ડીશ પિરસાઇને કલાકો સુધી ખુલ્લી પડી રહે તે પછી તેમાં રહેલો ખોરાક ખાવા લાયક ગણાતો નથી. જો કે હવે ઘણી હોટલોમાં આ પ્રકારના આહારનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે થવા માંડયો છે. દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં રોજ ૭૫૦થી ૮૦૦ કિલો ખોરાક કચરામાં જાય છે. આ હોટલ દ્વારા આ આહારનો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટમાં સ્વચ્છ ઉર્જા અને કુદરતી ખાતર પેદાં કરવા માટે થાય છે. આમ, ફાઇવસ્ટાર હોટલો આ મામલે જાગ્રત બની છે પણ સામાન્ય લગ્ન સમારંભોમાં આ પ્રકારની કોઇ જાગરૂકતા હજી જોવા મળતી નથી.

