Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Quiet Luxury: The Secret Behind the 'Light' Colored Clothes of the Pregnant Rich!

ક્વાયેટ લક્ઝરી: ગર્ભશ્રીમંતોના 'હળવા' રંગના કપડાં પાછળનું રહસ્ય!

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ક્વાયેટ લક્ઝરી: ગર્ભશ્રીમંતોના 'હળવા' રંગના કપડાં પાછળનું રહસ્ય!
સોર્સ : GSTV

રંગો એક શબ્દ બોલ્યા વિના પણ ઘણું કહી જાય છે. કહેવાનો અર્થ એ છે કે 'હર રંગ કુછ કહતા હૈ...' જ્યારે રાતા રંગને હોટ ગણવામાં આવે છે, ત્યારે હળવાં અને આંખોને ટાઢક પહોંચાડતા રંગો સમૃદ્ધિના પ્રતિક ગણાય છે. મોટાભાગના શ્રીમંત લોકો ઘેરા કે બોલકણા રંગના વસ્ત્રો પહેરવાને બદલે બેજ, આઈવરી, ટોપ જેવા હળવા રંગના પરિધાન પસંદ કરે છે.

ટોચના ફેશન ડિઝાઈનરો અને લક્ઝરી ગુડ્સ લેબલ કહે છે કે અતિધનાઢ્ય લોકો ક્યારેય તેમની સંપત્તિનો દેખાડો નથી કરતા. તેઓ ચોક્કસ વર્તુળની બહાર ખાસ દેખાવાનું પણ પસંદ નથી કરતા. તેઓ સ્વયં શાંત, સરળ અને નમ્ર રહેવાનું પસંદ કરતા હોવાથી તેમને ઘેરા રંગો કરતા હળવા કલરના પોશાક વધુ ગમે છે. તેઓ સાદગીના સૌંદર્યમાં માને છે અને તેમના માટે ગુણવત્તા સર્વોપરી હોય છે. ગાઢ રંગો આંખ આંજી નાંખતા હોય છે, જ્યારે હળવા રંગો ધ્યાનાકર્ષક બની રહે છે. તે શાંત અને સૌમ્ય હોવાની છાપ છોડે છે.

ફેશન ડિઝાઈનરો કહે છે કે સોફ્ટ બ્રાઉન અને ક્રીમ જેવા હળવાં તેમજ સૌમ્ય રંગો જે તે વ્યક્તિના આત્મવિશ્વાસના પ્રતિક બની રહે છે. તેમની જીવનશૈલીને આંખો આંજી દેતી ચમકદમકની જરૂર નથી હોતી. જોતાવેંત શાંતિ મળે એવા કલર જે તે વ્યક્તિની સૌમ્ય અને સમજદાર વિચારસરણી દર્શાવે છે. આવું વ્યક્તિત્વ વગર કહ્યે પોતાની શક્તિ અને પ્રાવિણ્ય દેખાડી દે છે.

અહીં આપણી એક ઉક્તિ બિલકુલ બંધ બેસે છે, 'ખાલી ચણો વાગે ઘણો'. કહેવાનો અર્થ એ છે કે જેમની પાસે ઝાઝું ન હોય તે બહુ બડાઈ હાંકે, પરંતુ જેમની તિજોરીઓ ભરેલી હોય તે ઠાવકા થઈને બેસી રહે. રંગોનું પણ એવું જ છે. આઈવરી, ટૌપે, એકરુ (બેજ, ગ્રેઈશ યેલો અને બ્રાઉન અંડરટોનનું મિશ્રણ), સ્ટોન, કેમલ, ઓટમીલ, ડસ્ટી રોઝ જેવા હળવા રંગો ઠરેલ લાગે છે. તે તટસ્થતાના પ્રતિક બની રહે છે.

કદાચ આ કારણે જ દેશ-વિદેશના શ્રીમંતો અને સેલિબ્રિટીઓ મોટાભાગે સૌમ્ય કલરના વસ્ત્રોમાં જોવા મળે છે. ડેવિડ બેકહેમની જ વાત કરીએ તો વર્ષ 2024 વિમ્બલડન ટેનિસ ચેમ્પિયનશીપ દરમિયાન તેમણે ક્લાસિક બેજ કલરનું સુટ પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે 'ટાઈમ 100 સમિટ' વખતે ડચેસ ઓફ સસેક્સ મેઘને પણ એવા જ રંગનો સૂટ પહેરીને પોતાની સૌમ્યતા દર્શાવી હતી.

ઘરઆંગણાની વાત કરીએ તો મુંબઈના બીકેસીમાં યોજાયેલા 'વેવ્સ 2025'માં દીપિકા પાદુકોણે બેજ કલરની એમ્બ્રોઈડરી કરેલું કેમલ કલરનું કુરતા સૂટ પહેરીને નોખી છાપ છોડી હતી. જ્યારે વિરાટ કોહલી બેજ રંગના કો-ઓર્ડ સેટમાં અને અનુષ્કા શર્મા દૂધ જેવા ધોળા કો-ઓર્ડ સેટમાં પરસ્પર ભેટી પડતાં દેખાયા હતા.

ટૂંકમાં, હળવાં અને સૌમ્ય રંગો આજે વૈભવના પ્રતિક બની ગયાં છે. ગર્ભશ્રીમંતો, એટલે કે પેઢી દર પેઢીથી વૈભવમાં આળોટતાં અને મોઢામાં સોના-ચાંદીની ચમચી લઈને અવતરેલા લોકો પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન નથી કરતાં, બલ્કે હળવા રંગના વસ્ત્રો પહેરીને પોતાનું સૌમ્ય અને ઠરેલ વ્યક્તિત્વ દર્શાવે છે.

App Store