Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Purushottam month is the 'leap year' of the Hindu calendar, know what the story is in the Padma Purana!

Ravi Purti: પુરૂષોત્તમ માસ એટલે હિંદુ પંચાંગનું 'લીપ-યર', જાણો પદ્મપુરાણમાં શું છે તેની કથા!

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
Ravi Purti: પુરૂષોત્તમ માસ એટલે હિંદુ પંચાંગનું 'લીપ-યર', જાણો પદ્મપુરાણમાં શું છે તેની કથા!
સોર્સ : GSTV

- સનાતન તંત્ર 

App Store

- બ્રહ્મચારી પરખ ઓમ

પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ નિમિત્તે ઘણાં દિવસોથી એક સુંદર અને અત્યંત માર્મિક પૌરાણિક કથા પર મનન ચાલી રહ્યું છે. મૂળે આ કથા પદ્મપુરાણમાં વર્ણવવામાં આવી છે. કથા સંદર્ભે વધુ ગોષ્ઠિ માંડતા પહેલાં પરસોત્તમ મહિના વિશે આજની પેઢીને સમજાય એ ભાષામાં થોડી વાત કરી લઈએ.

જેવી રીતે અંગ્રેજી કેલેન્ડરમાં 'લીપ યર' અથવા 'લીપ ડે'નો કૉન્સેપ્ટ છે, એવી જ રીતે હિંદુ પંચાંગમાં આદિકાળથી પરસોત્તમ માસ અથવા અધિક માસનો કાન્સેપ્ટ છે. દર ચાર વર્ષે લીપ વર્ષનું આગમન થાય, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારાનો ઉમેરાઈ જાય, જેને ૨૯મી ફેબ્રુઆરી તરીકે જોવામાં આવે છે. બસ, એવી જ રીતે હિંદુ પંચાંગમાં લગભગ દર ત્રણ વર્ષે એક સમયગાળો એવો આવે, જ્યારે એક આખેઆખો મહિનો ઉમેરાઈ જાય અને બની જાય અધિક માસ! અર્થ એટલો કે એવા સમયે હિંદુ પંચાંગ બારને બદલે તેર મહિનાનું થઈ જાય. વર્ષ ૨૦૨૬માં ૧૭મી મેથી અધિક માસની શરૂઆત થઈ ચૂકી છે.

પદ્મપુરાણમાં કહેવાયેલી કથા અનુસાર, શિવશર્મા નામે એક વિદ્વાન બ્રાહ્મણ હતો. હા, શિવશર્મા એક આખું નામ છે અને વચ્ચે કોઈ જ સ્પેસ નથી, કારણ કે એ સમયમાં 'શર્મા' કે પછી અન્ય એવી કોઈ અટક રાખવાનું ચલણ શરૂ નહોતું થયું. શિવશર્માને પાંચ પુત્રો. એમાંનો પાંચમો અને સૌથી નાનો દીકરો દુરાચારી બન્યો. માતા-પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો. જયશર્મા એનું નામ.

જયશર્માને તાત્કાલિક તો એની ભૂલો પ્રત્યે સભાનતા ન આવી. યુવાનીના મદમાં એ પણ એવા ભ્રમમાં જ રહ્યો કે મા-પિતા ખોટા અને પોતે સાચો! બસ, પછી તો અહંકારના અતિરેકને લીધે એણે પણ નિર્ણય કર્યો કે હવે ગુજરાન ચલાવવા માટે અથવા રહેઠાણ માટે એ પોતાના ઘરે પાછો નહીં જાય. દેવસંયોગે, ભ્રમણ કરતાં કરતાં એ તીર્થરાજ પ્રયાગ આવી પહોંચ્યો. ત્યાંના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ ઘડીભર એ ત્યાં બેઠો અને પોતાની જાત પર ચિંતન કરવા લાગ્યો. જેમ તેમ કરીને થોડા દિવસો વીતાવ્યાં, પરંતુ એકલતા તેને કોરી ખાવા લાગી.

અંતે, જયશર્માએ નક્કી કર્યુ કે કોઈક ઋષિના આશ્રમમાં જઈને ત્યાં કામકાજ કરવું જોઈએ, જેથી ભોજન પણ મળી રહે અને ગુજરાન ચલાવવા માટે ફાંફા ન મારવા પડે. તેણે પ્રયાગથી આગળ ચાલવાનું શરૂ કર્યુ અને થોડા દિવસોમાં તે એક નિર્જન વનમાં પહોંચી ગયો. ત્યાં વિચરણ કરતા તેને ઋષિ હરિમિત્રનો આશ્રમ દેખાયો. અમુક લોકો ત્યાં એકઠા થયેલા હતાં. કૂતુહલવશ, જયશર્મા પણ ત્યાં ગયો અને ભીડનો હિસ્સો બની ગયો.

બન્યું એવું કે એ સમયે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોવાને લીધે ત્યાં ઋષિ હરિમિત્ર ભગવાનની કથા સંભળાવી રહ્યા હતા. પુરુષોત્તમ માસનું વિધાન એવું છે કે આ એક મહિનાના સમયગાળા દરમિયાન એકપણ શુભ કાર્યો ન થઈ શકે. વિવાહ સમારોહથી શરૂ કરીને ગૃહપ્રવેશ કે પછી અન્ય દરેક મંગલકાર્યો આ સમયે ન થઈ શકે. આથી, પહેલેથી આ એક મહિનો ઈશ્વરભક્તિને સમર્પિત માનવામાં આવે છે, જ્યાં મોટેભાગે શ્રીહરિ વિષ્ણુની ઉપાસનાનું અપાર મહત્ત્વ વર્ણવ્યું છે.

ઋષિ હરિમિત્રના આશ્રમમાં કથાનું શ્રવણ તો ઘણાં દિવસો સુધી ચાલવાનું હતું. જયશર્મા ત્યાં જ રોકાઈ ગયો અને દરરોજ ભગવાનની લીલાઓ સંબંધિત અવનવી કથાઓ સાંભળવા માંડયો. ધીરે ધીરે તેને ભક્તિમાં રુચિ જાગી. એક દિવસ ઋષિ હરિમિત્ર પાસે જઈને તેણે ભગવાનને પ્રસન્ન કરવા માટેના વ્રત, જપ-તપ, સાધના કરવાના વિધિ-વિધાન માગ્યા. ઋષિ હરિમિત્રે પ્રસન્ન થઈને જયશર્માને વિધિ આપી.

સાધનામા રત થઈને જયશર્માએ રાત-દિવસ ભગવાનની ભક્તિ શરૂ કરી દીધી. અંતે, કથા મુજબ દેવી મા લક્ષ્મી પ્રસન્ન થયા અને જયશર્માને વરદાન માગવા કહ્યું. જેના જવાબમાં જયશર્માએ એ અમોઘ વરદાન માગ્યું, જેના થકી તેને ભગવાન વિષ્ણુની પરમભક્તિ પ્રાપ્ત થઈ શકે.

કથાનું તાત્પર્ય એ કે મા લક્ષ્મીને આહ્વાન આપવા માટે એમની સાધના કરવાને બદલે જ્યારે ભગવાન વિષ્ણુને પૂર્ણ શ્રદ્ધા સાથે હૃદયમાં સ્થાન આપવાની ઈચ્છા પ્રગટ થાય, ત્યારે ભોગ અને મોક્ષ અર્થાત્ મા લક્ષ્મી અને શ્રીહરિ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. પુરુષોત્તમ માસ વિશે વધુ ઊંડાણપૂર્વકની ચર્ચા આવતાં અંકે.