Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Played 'Danko' at Cannes Film Festival, but struggled for its release in India!

Chitralok : કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડ્યો, પણ ભારતમાં રિલીઝ માટે ફાંફા પડ્યા!

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડ્યો, પણ ભારતમાં રિલીઝ માટે ફાંફા પડ્યા!
સોર્સ : gstv

ઈ સામાન્ય માણસને પૂછો કે, કાન ફિલ્મ ફેસ્ટિવલ એટલું શું...?તમને ખબર છે..? ત્યારે સામેથી જવાબ આવશે કે, હા.. ઐશ્વર્યા રાય દર વર્ષે ફ્રાન્સના કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જતી હોય છે તે જ ને..? અથવા તો તેમને ઉર્વશી રૌતેલાનું કાન ફિલ્મ ફેસ્ટિવલનું લૂક યાદ હશે. પરંતુ, કાન ફિલ્મ ફેસ્ટિવલ તેના રેડ કાર્પેટથી ઘણું વધારે છે. અહીં, અનેક ઈન્ટરનેશનલ ફિલ્મો દર્શાવવામાં આવે છે. એવી ફિલ્મો કે જેને જોઈને આર્ટના રસિયાઓને મજ્જા પડે. આ ફિલ્મોમાં મનોરંજનની સાથે સાથે સમાજને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે. અનુરાગ કશ્યપનો કાન દરમિયાન ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો. પત્રકારે પૂછયું કે, આ તમારો પહેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ છે? ત્યારે, 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'દેવ-ડી', બ્લેક ફ્રાઈડે', 'બોમ્બે વેલવેટ' જેવી ફિલ્મો બનાવનારા અનુરાગ કશ્યપે કહ્યું કે, હું તો ઘણા વર્ષોથી આવું છું. રેડ કાર્પેટ માટે નહીં પરંતુ, અહીં દર્શાવવામાં આવતી ફિલ્મો માટે આવું છું. એટલે જ, રેડ કાર્પેટની સાઈડમાંથી નીકળી જાઉં છું. તેમની વાત સાચી. આ ફેસ્ટિવલમાં અલગ લેવલની ફિલ્મો જોવા મળતી હોય છે.

App Store

આ વર્ષના એટલે કે, ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલની જ વાત લઈ લો. આ વર્ષે નેપાળે ઈતિહાસ રચ્યો. નેપાળી ફિલ્મમેકર અબીનાશ બિક્રમ શાહની ફિલ્મે 'અન સર્ટેન રિગાર્ડ' જ્યુરી પ્રાઇઝ જીત્યું. તેમની ફિલ્મ 'એલિફન્ટ્સ ઈન ધ ફોગ' કાનમાં એવોર્ડ જીતનારી પહેલી નેપાળી ફિલ્મ બની. નેપાળના તરાઈ મેદાનોમાં વસતા ટ્રાન્સજેન્ડર સમુદાયની ફિલ્મને બનાવવામાં નેપાળની સાથે સાથે ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ અને નોર્વેનું યોગદાન રહ્યું હતું. જ્યારે, એવોર્ડ જાહેર કરવામાં આવ્યો ત્યારે, નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે ફિલ્મના કલાકારો સ્ટેજ પર પહોંચ્યા. ત્યારે સમગ્ર નેપાળને લાગ્યું કે, 'અપના ટાઈમ આ ગયા'. એક નાનકડો દેશ, નવોદિત ફિલ્મ નિર્માતા અને એવો સમુદાય જેના વિશે ખૂબ ઓછી ફિલ્મો બની. આ જાદુ છે, કાન ફિલ્મ ફેસ્ટિવલનો. નેપાળની જેમ ભારત માટે પણ આવી ક્ષણ આવી હતી. અને તે પણ પહેલા જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં. વર્ષ હતું, ૧૯૪૬. દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદે બનાવેલી 'નીચા નગર' કાન ફિલ્મ ફેસ્ટિવલનું સર્વોચ્ચ સન્માન મેળવનારી પહેલી અને અત્યાર સુધીની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મને 'ગ્રાન્ડ પ્રિક્સ ડુ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડુ ફિલ્મ'નો ખિતાબ મળ્યો હતો. આ ફિલ્મની સૌથી ચોંકવનારી વાત એ કે, ઈન્ટરનેશનલ કક્ષાએ આટલી મોટી સિદ્ધિ મેળવનારી ફિલ્મ ભારતના થિયેટરોમાં ક્યારેય રિલીઝ જ ન થઈ.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિસરાયેલી ચેતન આનંદની સિદ્ધિ -

કાન ફિલ્મ ફેસ્ટિવલની વાત કરવામાં આવે ત્યારે, કોઈને સત્યજીત રે, મીરા નાયર કે પાયલ કાપડિયા યાદ આવે. પરંતુ, દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદની કાન ફિલ્મ ફેસ્ટિવલની સિદ્ધિ વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. તેની પાછળ કારણ પણ છે.

સત્યજીત રેની ફિલ્મ 'પાથેર પાંચાલી'એ ૧૯૫૬માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ'નો એવોર્ડ જીત્યો હતો. તેમની 'અપરાજિતો'એ તેના પછીના વર્ષે વેનિસમાં 'ગોલ્ડન લાયન' જીત્યો. તેમની છેલ્લી ફિલ્મ 'આગંતુક'એ ૧૯૯૧માં આયોજિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ખૈંઁઇઈજીભૈં પુરસ્કાર જીત્યો હતો. ફ્રેન્ચ વિવેચકો તેમને 'લિવિંગ લેજન્ડ' માનતા હતા.

મીરા નાયરની વાત કરીએ તો મીરા નાયરની ફિલ્મ 'સલામ બોમ્બે!' (૧૯૮૮)એ 'કૅમેરા ડી' ઓર' જીત્યો હતો. આ ફિલ્મ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ. રિતેશ બત્રાની ફિલ્મ 'ધ લંચબોક્સ' (૨૦૧૩) એ ક્રિટિક્સ વીકમાં રેલ ડી'ઓર ઓડિયન્સ એવોર્ડ જીત્યો અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય આર્ટ ફિલ્મોમાંની એક બની. આ ફિલ્મ ઈરફાન ખાનને કારણે ભારતમાં ચાલી પણ ખરી.

પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' (૨૦૨૪) એ ફેસ્ટિવલનો બીજો મોટો પુરસ્કાર ગ્રાન્ડ પ્રિક્સ જીત્યો. આ સાથે તે લગભગ ૩૦ વર્ષમાં મુખ્ય પામ ડી 'ઓર  સ્પર્ધામાં સામેલ થનારી પહેલી ભારતીય ફિલ્મ બની. આ પહેલાં આ સિદ્ધિ મેળવનારી છેલ્લી ફિલ્મ ૧૯૯૪માં શાજી એન. કરુણની 'સ્વહમ્' હતી. આ બધી ફિલ્મોને એક ફાયદો રહ્યો કે, તે રિલીઝ થઈ. ભારતીય દર્શકોના માનસ પટલ છવાઈ. અને તે પણ ત્યારે જ્યારે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે લોકો જાણતા હતા. ચેતન આનંદને અહીં જ મોટો ફટકો પડયો. પહેલા જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન. તેમાં પણ ફિલ્મ ભારતના થિયેટરોમાં ક્યારેય રિલીઝ ના થઈ એટલે પડતા પર પાટુ જેવો ઘાટ.

પરંતુ, ફિલ્મની સિદ્ધિ અવિસ્મરણીય રહી હતી. 'નીચા નગર'એ મહારથીઓને હરાવ્યા હતા. કૂલ ૧૮ ફિલ્મો સામે મુકાબલો હતો. ઈટાલીથી રોબર્ટો રોસેલિનીની 'રોમ- ઓપન સિટી', બ્રિટનથી ડેવિડ લીનની 'બ્રીફ એન્કાઉન્ટર', અમેરિકાથી બિલી વાઈલ્ડરની 'ધ લોસ્ટ વીકેન્ડ' જેવી ફિલ્મો મેદાનમાં હતી. બિલી વાઈલ્ડરની 'ધ લોસ્ટ વીકેન્ડ' તે વર્ષે ઓસ્કારમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ જીતી હતી. આ બધાંને હરાવીને યાદગાર જીત મેળવી પણ તે કોઈને યાદ ન રહી.

ફિલ્મ નીચા નગરની કહાણી

છેલ્લા કેટલાક દિવસોથી કોકરોચ ચર્ચામાં છે. ૨૦૨૬માં કોઈ રાજકીય આંદોલન વાયરલ થયું હોય તો તે 'કોકરોચ જનતા પાર્ટી'નું છે. થોડા દિવસોની અંદર જ કરોડો ફોલોવર્સ સાથે સાબિત થયું કે, જ્યારે આત્મસન્માનની વાત આવે ત્યારે દેશના યુવાનો પીછેહઠ નથી કરતા. ૧૯૪૬માં બનેલી ફિલ્મ 'નીચા નગર'ના મૂળમાં આ જ કહાણી છે. સરકાર નામનો એક ધનવાન જમીનદાર હિમાલયના પહાડ પર આવેલા એક મહેલમાં રહે છે. તેના નવા પ્રોજેક્ટને કારણે નીચાણના વિસ્તારમાં રહેતા સ્થાનિકોની હાલત ખરાબ થાય છે. તે પોતાની હવેલીની ગટરનું ગંદું પાણી સીધું નીચેના ગામડાઓ તરફ વાળી દે છે. ત્યારબાદ, ગામમાં રોગચાળો ફાટી નીકળે છે. આંદોલન થાય છે. બલરાજ નામનો યુવક આ આંદોલનનું નેતૃત્વ કરે છે. સરકારની પુત્રી પણ આંદોલનમાં જોડાય છે અને બલરાજના પ્રેમમાં પડે છે. આમ, આ ફિલ્મમાં પણ કોકરોચની જ વાત કરવામાં આવી છે. તેના મૂળમાં ૧૯૦૨નું રશિયન નાટક રહેલું છે. 'ધ લોઅર ડેપ્થ્સ' નામના નાટકને લેખક ખ્વાજા અહેમદ અબ્બાસે ભારતીય રંગરૂપ આપ્યા હતા. આ ફિલ્મને ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશને પ્રોડયુસ કરી હતી.

પંડિત રવિશંકરની પહેલી ફિલ્મ

દરેક મહાન કલાકારની એક નાની શરૂઆત હોય. તેમ આ ફિલ્મ તે સમયના અજાણ્યા પંડિત રવિશંકરની શરૂઆત હતી. ફિલ્મમાં પહેલી વખત મ્યુઝિક આપનારા પંડિત રવિશંકર સમય જતાં વૈશ્વિક આઈકોન બન્યા. તેમને જ્યોર્જ હેરિસન જેવા સાથી મળ્યા. તેઓ ત્રણ વખત ગ્રેમી એવોર્ડર્સ સાથે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના શિખર પર પહોંચ્યા.

ચેતન આનંદનો વસવસો

ચેતન આનંદે પાછળથી 'ટેક્સી ડ્રાઈવર' (૧૯૫૪), 'હકીકત' (૧૯૬૪), 'હીર રાંઝા' (૧૯૭૦), અને 'હંસ્તે ઝખ્મ' (૧૯૭૩) જેવી ફિલ્મો બનાવી. આમાંની એક પણ ફિલ્મ તેમને તે ઓળખ અપાવી શકી નહીં જે આ પહેલી ફિલ્મે સુનિશ્ચિત કરવી જોઈતી હતી.

કામિની કૌશલની પહેલી ફિલ્મ

એક એવી અભિનેત્રી કે જેણે દાયકાઓ સુધી ફિલ્મો કરી. તેમની નવી ફિલ્મોની વાત કરીએ તો 'કબીર સિંહ' અને 'લાલ સિંહ ચઢ્ઢા'. જૂની ફિલ્મોની વાત કરીએ તો દિલીપ કુમાર સાથે ૧૯૪૮માં 'શહીદ' જેવી ફિલ્મો. આ મહાન અભિનેત્રી માટે પણ 'નીચા નગર' એક શરૂઆત હતી. ફિલ્મ કે દુરદર્શન પર રિલીઝ થઈ

આ ફિલ્મ ભારતમાં ક્યારેય થિયેટરોમાં રિલીઝ થઈ જ નહીં. તેનું એકમાત્ર ઘરેલું સ્ક્રીનિંગ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જીતના ચાર વર્ષ બાદ ૧૯૫૦માં બોમ્બે સ્ટેટના એક થિયેટરમાં કરવામાં આવ્યું. દર્શકો તો હતાં જ નહીં. ડિસ્ટ્રિબ્યુટર્સ પણ તેનાથી દૂર રહ્યાં. તે માંડ ૧૯૮૦ના દાયકામાં દૂરદર્શન પર રિલીઝ થઈ.

ભૂલાઈ ગયેલો વારસો

વિચારો આ એક જ ફિલ્મનું કેટલું યોગદાન છે? ચેતન આનંદની પહેલી ફિલ્મ. પંડિત રવિશંકરની પહેલી ફિલ્મ. કામિની કૌશલની પહેલી ફિલ્મ. ઝોહરા સહેગલની સફરની શરૂઆતની સાથે ખ્વાજા અહેમદ અબ્બાસ દ્વારા લખાયેલી કહાણી. આ ફિલ્મે આઝાદી પહેલા ભારતને એક એવું સન્માન અપાવ્યું જે આજ સુધી કોઈ ફિલ્મ નથી અપાવી શકી. પરંતુ, આજે તેની શું હાલત છે? એવોર્ડ ધૂળ ખાય છે. તેની વ્યવસ્થિત પ્રિન્ટ પણ નથી. આજના એઆઈના જમાનામાં તેના રિસ્ટોરેશનની વાત તો સરળ હોવી જોઈએ. ખેર, હંમેશા યાદ રાખવું કે, આપણે ક્યા જઈ રહ્યા છીએ તે લક્ષ્ય મનમાં હંમેશા ક્લિયર હોવું જોઈએ. આપણે એ કદી ન ભૂલવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ..? આ ભૂલાઈ ગયેલા વારસાને જોઈને ફિલ્મ 'પ્યાસા' માટે સાહિર લુધિયાનવીએ લખેલી પંક્તિઓ યાદ આવે કે, 'જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ, કહાં હૈ, કહાં હૈ, કહાં હૈ...'