Shatdal / 'આપણા પ્રધાનો-અમલદારો સાદગી-કરકસરનું તત્વ અપનાવીને ઉત્તમ પ્રકારનું શાસન આપી શકે છે...'

- ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન જેમના હસ્તે થયું તેવા રવિશંકર મહારાજ કહેતા કે, 'સેવા કરવા માટે સત્તાની શી જરૂર?'
- 1 મે - ગુજરાત સ્થાપના દિવસ
વા ત્રક નદીના કાંઠાનો એ રસ્તો દિવસે ભયંકર બિહામણો લાગતો હતો તો રાત કેટલી ભયાવહ લાગતી હશે તેની કલ્પના કરવી જ રહી. ત્રણ લૂંટારુ ટોળકીઓનો અહીં ખોફ હતો.એક અંધારી રાત્રે ચાળીસેક વર્ષનો માણસ સફેદ કપડાં અને ટોપી પહેરીને કપડવંજના ભરકડા ગામથી સરસવણી ગામે જવા માટે આ જ રસ્તે નીકળ્યો. જેમના નામ જ લોકોના મનમાં ડર લાવી દેવા પૂરતા હતા તેવા ત્રણ લૂંટારુ આ સફેદ કપડાં-ટોપી પહેરેલી વ્યક્તિ સામે આવી ગયા. એક બંદૂકધારી લૂંટારુ બોલ્યો કે, 'ખબરદાર! ત્યાં જ ઊભો રે નહીં તો ઠાર.. કોણ છે તું?' સફેદ કપડાં પહેરેલી વ્યક્તિએ સહેજપણ ડર્યા વિના સામે જવાબ આપ્યો કે, 'બહારવટિયો છું. થોડી વાત કરવા અને તમને બધાને મળી લેવા આવ્યો છું.'આ જવાબ સાંભળીને બીજા બહારવાટિયા પણ તેની સામે આવીને ઉભા રહી ગયા. એક બહારવાટિયાએ પૂછયું, 'કોની ટોળીનો બહારવાટિયો?' એ વ્યક્તિએ બીજી જ ક્ષણે જવાબ આપ્યો, 'ગાંધી મહાત્માની ટોળીનો. તમને હું સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. ગાંધીજીએ અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડયું છે. આપણાં દુઃખોનું મૂળ પરદેશી સરકાર છે, બહારવટું એમની સામે કરવાનું છે. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. સાચું બહાવટું કરવું હોય તો ચાલો મહાત્મા ગાંધી પાસે....' બહારવટિયાઓને 'સાચું બહારવટું' શીખવવા નીકળેલી આ વ્યક્તિ એટલે રવિશંકર મહારાજ. ૧ મે ૧૯૬૦ના તેમના જ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી. હિંદુ તિથિ પ્રમાણે તેઓ મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે તેઓ તા. ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મ્યા હતા. માત્ર છ ચોપડી જ ભણેલા મહારાજનું જીવન એક દંતકથા જેવું છે. રવિશંકર મહારાજ સેવાના ભેખધારી હતા. મહારાજ આજીવન અકિંચન હતા. તેમણે પોતાની પાસે પોતીકું ઘર પણ રહેવા દીધું નહોતું. ખેડા જિલ્લાના જ કઠલાલ ગામના મોહનલાલ પંડયાની સોબતે તેમનામાં રાષ્ટ્રીય ભાવનાનું ઘડતર કર્યું. ગાંધીજી વિશેની જાણકારી પણ તેમની પાસેથી જ મળી. ગાંધીજીએ રવિશંકર મહારાજને ખેડા જિલ્લાના બહારવટિયાની જિંદગી સુધારવાનું કામ સોંપ્યું હતું. રવિશંકર મહારાજે બહારવટિયાઓને સુધારવાનું જે કામ હાથે લીધું હતું તેના પર ઝવેરચંદ મેઘાણીએ 'માણસાઈના દીવા' લખ્યું અને પન્નાલાલ પટેલે તેમના જીવન પર 'જેણે જીવી જાણ્યું' નામે પુસ્તક લખ્યું. બબલભાઈ મહેતાએ પણ તેમના સાથેના અનુભવો પુસ્તક સ્વરૂપે લખ્યા છે.
મહારાજ પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા. ગાંધીજીનો સ્વરાજનો સંદેશ ગુજરાતને ગામડે ગામડે પહોંચાડવા તેઓ પગપાળા ઘૂમતા રહ્યા. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી એમનાં ચીંધ્યાં કામ કર્યાં. ૧૯૨૧માં પોતાનું ઘર છોડી દીધું હતું. પોતાના ઘર અને મિલકત પરથી પોતાનો અધિકાર પણ ત્યજી દીધો હતો. તે પછી પોતાની જરૂરિયાતો પણ ઘટાડી નાંખી. અકિંચન બની ગયા. સમાજને ઓછામાં ઓછા ભારરૂપ થઈ વધુ ને વધુ ઘસાવું તે તેમનો જીવનમંત્ર બની ગયો હતો. ઘર અને કુટુંબની મમતાનો પણ ત્યાગ કર્યો હતો. તેઓ વર્ષમાં ૮૦થી ૯૦ મીટર ખાદી થાય તેટલું કાંતતા. તેમાંથી પોતાના માટે બે જોડ કપડાં થાય તેટલી ૧૩ મીટર ખાદી રાખી બાકીની ખાદી જરૂરિયાતવાળાને આપી દેતા. સવારે મળે તો દૂધ અને બે ટંક ભોજન સિવાય વચ્ચે કાંઈ લેતા નહોતા. મોઢામાં ભૂલથી ઇલાયચીનો દાણો પડી જાય તો ૨૪ કલાકના ઉપવાસ કરી નાખતા હતા. એ પછીના ૨૫ વર્ષ માત્ર એક ટંક ખાઈને લોકોની સેવા કરતા રહ્યા. ૪૦ વર્ષ સુધી એમણે પગમાં જોડાં પહેર્યાં નહોતા. સખત તાપમાં કાંટા-કાંકરાવાળી જમીન પર તેઓ ખુલ્લા પગે માઈલો સુધી ચાલતા. પગનાં તળિયાં તેમણે એવા તો મજબૂત બનાવી દીધાં હતાં કે, પગને કાંટો વાગે તો કાંટો ભાંગી જાય. ટાઢ, તાપ કે વરસાદની તેમને પરવા નહોતી. તેઓ કહેતા : 'દરેક ચીજ ઘસાવાથી ઊજળી થાય છે.'
આઝાદીની આસપાસના અરસામાં ડાકોરના રણછોડરાય મંદિરમાં દલિતોને પ્રવેશ ન હતો. તેની સામે મહારાજે ઉપવાસ કર્યા હતા. એવી જ રીતે અમદાવાદના રણછોડરાય મંદિરમાં પણ મહારાજે દલિતોની ટુકડી સાથે મંદિર પ્રવેશ કર્યો હતો. ૧૯૪૭થી ૧૯૫૨ સુધી મહારાજે મહેસાણા જિલ્લાને અને બનાસકાંઠા જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. એ પ્રદેશની ગરીબી અને વિશેષ કરીને પાણીની હાલાકી જોઈ એમનું દિલ દ્રવી ગયું. રાત-દિવસ ખૂબ પરિશ્રમ કરીને રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાઓમાં ૪૮ કૂવા અને ૫૧ બોરિંગ કરાવી એ પ્રદેશની પાણીની સમસ્યા કંઈક હળવી કરી. તેથી બનાસકાંઠાના લોકો મહારાજને 'બોરિંગવાળા મહારાજ' તરીકે ઓળખવા લાગ્યા !
૧૯૫૨માં મહારાજે ચીનનો પ્રવાસ કર્યો. ચીનના ખેડૂતોની દેશદાઝ અને વિપુલ ઉત્પાદન દ્વારા દેશને બેઠો કરવાની લગન અને ધગશથી તેઓ ખૂબ ફઅરભાવિત થયા. એવું કામ આપણા દેશમાં અહિંસક પદ્ધતિએ કઈ રીતે થઈ શકે, એ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. એ મૂંઝવણનો ઉકેલ વિનોબાજી દ્વારા શરૂ કરવામાં આવેલા ભૂદાન આંદોલનમાં
એમને થઈ. તા. ૧૪ ડિસેમ્બર ૧૯૫૨ના રોજ મહારાજ વિનોબાજીને ઉત્તર પ્રદેશના ચાંડિલ ગામે મળ્યા, ચર્ચા કરી. વિનોબાના અનુરોધથી મહારાજે ગુજરાતના ગામડે ગામડે ભૂદાનનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. જેમાં એકવાર એક વાર મહારાજના પ્રવચન પછી કવિ દુલા ભાયા કાગે પ૧ એકર જમીન, ૧૦ કૂવા, ૧૦ બળદ, ૧૦ ઘર, ૧૦ હળ, ૪૦ ગાડાં અને ૯૦ મણ અનાજ જરૂરિયાતવાળાઓને આપી દેવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
ગુજરાતમાં કે દેશમાં ક્યાંય પૂર આવ્યું હોય, દુષ્કાળ પડયો હોય, ધરતીકંપ થયો હોય, વાવાઝોડું આવ્યું હોય, કૉલેરા ફાટી નીકળ્યો હોય કે કોમી રમખાણ ફાટી નીકળ્યાં હોય, અને લોકોને આફતમાં આવી પડેલા જાણે કે મહારાજ તેમની વહારે પહોંચી જતા. મહારાજ એક અચ્છા તરવૈયા હતા. જાનને જોખમે ધસમસતા ઘોડાપૂરમાં ઝંપલાવી અનેક ડૂબતા કે તણાતા લોકોને એમણે બચાવ્યા હતા.તેઓ એક ટહેલ કરતાં કે દાનની સરવાણી વહેવા લાગતી. વર્ષોનાં એકધારાં ત્યાગ અને તપર્શ્ચર્યાને કારણે સામાન્ય જનસમાજ અને શ્રીમંતોમાં મહારાજ વિશે એક એવી છાપ બંધાઈ ગઈ હતી કે મહારાજને દાનમાં આપેલ એકેક પૈસાનો સદુપયોગ થશે. એ વેડફાશે નહિ. લોકોના આવા જીવતા-જાગતા વિશ્વાસને કારણે મહારાજને સાર્વજનિક કામો માટે કદી પૈસાની ખોટ પડતી નહોતી. દાનની અપીલ થતાની સાથે લોકો એમની દાનની ઝોળી છલકાવી દેતાત એટલું જ નહિ, દાન આપીને દાતાઓ ઉપકાર કર્યાની નહિ, કૃતજ્ઞાતાની લાગણી અનુભવતા ! એટલું જ નહીં, દાનમાં મળેલા એક-એક પૈસાનો હિસાબ રાખતા અને રકમ બચી જાય તે દાન આપનારને પરત કર્યા પછી જ રાહતનો શ્વાસ લેતા. આવા રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું, પણ તેમણે ટિકિટ લઈ ધારાસભામાં જવાની કદીયે ઇચ્છા વ્યક્ત કરી નહોતી. સેવા કરવા માટે સત્તાની જ જરૂર છે તેવું તેઓ કદીયે માનતા નહોતા. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ તેમણે આપેલા પ્રવચનના અંશ આજે પણ પ્રસ્તુત છે. તેમણે કહેલું કે, 'આપણે ત્યાં માનવ શક્તિ અને કુદરતી સંપદાનો યોગ્ય ઉપયોગ થશે તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ વધશે. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ વિશેષ ધ્યાન આપવું પડશે... ભૂમિ એ શોષણનું સાધન બનવી જોઈએ નહીં. એ તો પોષણનું સાધન છે... આપણા પ્રધાનો, આગેવાન, અમલદારો તેમજ મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદગી અને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું શાસન આપી શકે છે....પક્ષ કરતા પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય, રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે એના માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે... ગામના તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે તેમ રાષ્ટ્રના તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે....લોકશાસનની સાચી ચાવી લોક કેળવણી છે. વહીવટ ચલાવવામાં રાજ્યકત્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરાં પગલાં લેવા ન પડે તેવી રીત શોધવી જોઈએ....'
૯૦ વર્ષ સુધી જે ઋષિપુરુષ સેવારત રહ્યા એમને પગે ફ્રેક્ચર થવાથી અને આંખોનું તેજ જવાથી ૧૧ વર્ષ જાણે શરશય્યા પર સૂઈ રહેવું પડયું. ભલભલા જ્ઞાાનીને પણ હતાશ ને નિરાશ કરી મૂકે એવી એ સ્થિતિ હતી; પરંતુ એનેય એમણે પ્રભુની પ્રસાદી માની ચિત્તની સમતા કે પ્રસન્નતા ખોઈ નહિ અને સો વર્ષનું પૂરું આયુષ્ય ભોગવ્યું....

