Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Our lifestyle is responsible for metabolic changes, know how!

Sahiyar: મેટાબોલિક ફેરફાર માટે જવાબદાર છે આપણી લાઈફ સ્ટાઈલ, જાણો કેવી રીતે!

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મેટાબોલિક ફેરફાર માટે જવાબદાર છે આપણી લાઈફ સ્ટાઈલ, જાણો કેવી રીતે!
સોર્સ : GSTV

- મહેશ ભટ્ટ

App Store

અત્યારની  જીવનશૈલી એવી છે કે તમામ ક્ષેત્રોમાં કંઈક મેળવવા, ટકી  રહેવા અને જ્યાં  છે ત્યાંથી આગળ વધવા  માટે  માણસે સતત દોડતા રહેવું પડે છે! એ દોટ એવી છે કે દોડનારને એમ લાગે છે કે તે ઘણો બધો આગળ વધી રહ્યો છે,પરંતુ પાછળ ઘણું બધું છૂટતું જાય છે એની તેને સહેજ પણ ખબર પડતી નથી! એમાં પ્રથમ ક્રમે તેનું માનસિક અને  શારીરિક આરોગ્ય છે! સાવધ ન રહે તો આ દોટ જાણે અજાણ્યે તેને અનેક બીમારી તરફ ધકેલે છે! પણ દોડવાની સ્પર્ધા,આવશ્યક્તા,લાચારી અને ઝનૂન એવાં હોય છે કે નિરાંતે બેસીને આ વિશે વિચારવાની કે ચિંતા કરવાની નવરાશ તેની પાસે છે જ ક્યાં!

પરિણામે, છેલ્લાં અનેક વર્ષોથી  પ્રિવેન્ટિવ હેલ્થ(અટકાવી શકાય તેવા રોગ અટકાવીને આરોગ્ય જાળવવા તે)ના ક્ષેત્રે કંઈક જુદું જ થઈ રહ્યું છે. આરોગ્યની તપાસના આંકડાની માહિતી જોઈએ કે લોકો સાથે તેમના રૂટિન વિશે વાતચીત કરીએ ત્યારે એક કોમન હકીકત ધ્યાનમાં આવે છે અને તે એ કે પોતે પૂર્ણપણે તંદુરસ્ત છે એવું માનનારા અનેક લોકો, વ્યસ્ત પ્રોફેશનલ્સ, યુવાન પેરેન્ટસ અને પોતે ખૂબ સારો ખોરાક લે છે એવું  માનનારા લોકોમાં ખરેખર તો સૂક્ષ્મ મેટાબોલિક (ચયાપચય- ખોરાકને ઉર્જામાં રુપાંતરિત કરવાની જરુરી રાસાયણિક  પ્રક્રિયા) ફેરફારોનું  મિશ્રણ જોવા મળે છે. આવા ફેરફારો એક પેઢી અગાઉ આટલા વ્યાપક પ્રમાણમાં હોવાનું લગભગ સાંભળવા મળ્યું નથી.

હવે, જે વ્યાપક પ્રમાણમાં મેટાબોલિક ફેરફાર જોવા મળે છે એ સ્થિતિ એકાએક ઊભી થઈ હોય એવું નથી. ચોંકાવનારી હકીકત એ કે આપણી  લાઈફ સ્ટાઈલમાં જેમ જેમ ફેરફારો થતા ગયા તેમ તેમ ખબર ન પડે એ રીતે લોકોમાં મેટાબોલિક ફેરફાર થતા રહ્યા છે.

મેટાબોલિઝમ આનુવંશિક, શારીરિક, લાઈફ સ્ટાઈલ અને પર્યાવરણીય પરિબળોની એક જટિલ આંતરપ્રક્રિયા છે. એટલે સ્વાભાવિક છે કે આ પરિબળોમાં સહેજ પણ અયોગ્ય ફેરફાર થાય તો મેટાબોલિકના પ્રાકૃતિક સ્વરુપમાં ફેરફાર થવાના જે સરવાળે અનેક બીમારીઓને નોંતરે છે!

મેટાબોલિક ફેરફાર માટે લાઈફ સ્ટાઈલ કઈ રીતે જવાબદાર છે એ જોઈએ તો સૌ પ્રથમ વર્કડેઝ લંબાતા ગયા,મુસાફરીનું પ્રમાણ અનિશ્ચિતપણે વધતું ગયું, ભોજનનો હેતુ તંદુરસ્તી જળવાય તેવું પોષણ મેળવવાનો નહીં પણ માત્ર પેટ ભરવાનો જ થઈ ગયો અને કરવાં જોઈતાં અતિ જરુરી કામકાજ માટેની યાદીમાં  માણસે સૌથી છેલ્લો ક્રમ ઊંઘને આપ્યો!

લાઈફ સ્ટાઈલના આ ફેરફારમાંનો એકપણ ફેરફાર પોતાની મેળે ચોંકાવનારો નથી. પણ આ બધા ફેરફાર સાથે મળીને ઘીમે ઘીમે શરીરનું સંતુલન ખોરવી નાખે છે. એથી, પોતે બીમાર છે એવું ક્યારેય અનુભવ્યું ન  હોય એવી વ્યક્તિને સમય જવા સાથે ફાંદ વધી ગયાનું, ધારણા કરતાં બ્લડ પ્રેશર વધુ હોવાનું કે બ્લડ સુગરનું પ્રમાણ હોવું જોઈએ તેનાથી સહેજ વધુ હોવાનું  જણાય છે.

મેટાબોલિક સિન્ડ્રોમની શરૂઆત આવા નાના ફેરફારોથી જ થાય છે.   મેટાબોલિક સિન્ડ્રોમ એ કોઈ રોગ નથી. પણ તે એવી સ્થિતિનું મિશ્રણ છે કે જેનાથી સ્ટ્રોક, હૃદય રોગ અને ટાઈપ-2 (ટુ) ડાયાબીટીસ  થવાનું જોખમ વધે છે. આ સિન્ડ્રોમ સમગ્ર વિશ્વમાં સામાન્ય બનતો જાય છે. લાઈફ સ્ટાઈલ, સ્થૂળતાનું વધતું પ્રમાણ, બ્લડ સુગર તથા બ્લડ પ્રેશરમાં વધારો, લિપિડ (ઓઈલી, ગ્રીસી અને મીણ જેવા કાર્બનિક પદાર્થ)ના   પ્રમાણમાં  વધધટ અને આહારમાં ફેરફાર જેવાં પરિબળોનું મિશ્રણ આ સિન્ડ્રોમનું  મુખ્ય કારણ છે.

આમાંનાં ત્રણ કે તેથી વધુ પરિબળો એક સાથે દેખાય તો સમજી લેવું કે શરીર તેની મેટાબોલિક સ્થિરતા જાળવવા ઝઝૂમી રહ્યું છે. કમનસીબી એ છે  કે આ  તબક્કે પણ લોકોને પોતાની સાથે કંઈક અજુગતુ થઈ રહ્યું છે એનો અણસસાર  ભાગ્યે જ આવે છે! અને પોતાને ડાયાબીટીસ કે હ્રદયરોગ થવાનું  જોખમ ગુપચુપ રીતે વધી રહ્યું હોવાની બાબતથી અજાણ રહીને જેમ જીવતા હોય એમ જીવ્યે જાય છે!

મેટાબોલિક સિન્ડ્રોમ વ્યાપક પ્રમાણમાં ફેલાતી સમસ્યા બની તેનું એક કારણ એ કે તેનાં તરત જણાય તેવાં ભાગ્યે જ કોઈ લક્ષણ છે. એનો કોઈ તીવ્ર દુ:ખાવો નથી હોતો કે એકાએક કોઈ લક્ષણો ઉપસી નથી આવતાં કે એવું કંઈ જ નથી થતું કે માણસ  તેની દોડધામ ઓછી કરવા જેટલો લાચાર થાય! હકીકતમાં તો ઘણા લોકો ભોજન પછી ક્યારેક  થાક લાગે કે ઊંઘ ન આવે એને આવું તો થાય એમ સ્વાભાવિકપણે માની લે છે.

પણ, આવે વખતે આરોગ્યની સાદી તપાસ કરાવાય તો સ્થિતિ વધુ વણસે એ પહેલાં તંદુરસ્તીને કંઈક નુકસાન થઈ રહ્યાની જાણ સમયસર થઈ શકે.

આવા નુકસાનને પરસેવે રેબઝેબ કરી નાખે એવા વ્યાયામ  (વર્કઆઉટ) કે ગૂંચવી નાખે એવા ડાયેટ પ્લાનથી ટાળી શકાશે એવું  ઘણી વખત લોકોને લાગે પણ તેમણે યાદ રાખવું જોઈએ કે શરીર આવા કોઈ નુસખાને નહીં પણ જીવનશૈલીની સ્થિર અને વાસ્તવવાદી  ટેવોને વધુ સારો પ્રતિસાદ  આપે છે!

રોજિંદી વોક, આરોગ્યવર્ધક ખોરાક, નિયમીત  ઊંઘ, પ્રોસેસ્ડ ફૂડ વધુ ન લેવું અને  એક સાથે લાંબો સમય બેસેલી સ્થિતિમાં ન રહેવું વગેરેની આરોગ્ય પર ઘણી વખત આપણા ધાર્યા કરતાં સારી અસર થતી  હોય છે. આવી ટેવો શરીરને મેટાબોલિઝમ ફરીથી  સેટ કરવાની (મૂળ સ્થિતિમાં લાવવાની)  તક શરીરને આપે છે.

મેટાબોલિક સિન્ડ્રોમનાં લક્ષણોની રાબેતા મુજબની તપાસના રિપોર્ટમાં કદાચ ખબર ન પડે પણ હેલ્થ ચેકઅપનાં  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારીત ઉપકરણો ખૂબ ઝીણવટભરી તપાસ કરી તદ્નન શરુઆતનાં તબક્કામાં હોય એવાં જોખમની જાણ પણ કરે છે. પરિણામે,સમસ્યાઓ શરુ થાય  એ  પહેલાં જ વ્યક્તિ તેને અટકાવવાના ઈલાજ કરી શકે છે. મેડિકલ ફીલ્ડમાં એઆઈ જેવી મોડર્ન ટેકનોલોજીનો આ એક મોટો લાભ છે.

સમય જતાં એ સ્પષ્ટ થતું જાય છે કે મેટાબોલિક સિન્ડ્રોમ એ માત્ર જીવવિજ્ઞાનનો જ મુદ્દો નથી પણ એ દર્શાવે છે કે આપણી લાઈફ સ્ટાઈલ કેવી છે અને કેટલું ફાસ્ટ જીવન જીવીએ છીએ. આપણામાંના અનેક લોકો તેમના સ્વાસ્થ્યના ભોગે પણ તેમની  જવાબદારીઓને  પૂરી  કરવા ઝઝૂમે  છે. આનાં જોખમ ધ્યાનમાં લીધા વગર જ આપણે સ્ટ્રેસ,અનિદ્રા અને હાનિકારક ખોરાકની પસંદગીને  રુટિન બનાવી દઇએ છીએ. પણ એ  સાથે જ મેટાબોલિક હેલ્થ  બગડવાની શરૂઆત થઈ જાય છે.

પ્રિવેન્ટિવ હેલ્થ મેટાબોલિક હેલ્થ બગડતી અટકાવવાની તક આપણને આપે છે. લોકોને થોભીને પોતાની લાઈફ સ્ટાઈલ તપાસવા તથા એમાંની ઉણપો વેળાસર દૂર કરવાનો ઉપાય એટલે પ્રિવેન્ટિવ  હેલ્થ. મેટાબોલિક  જોખમની જાણ યોગ્ય સમયે થાય તો ભવિષ્યમાં આવનારાં દુષ્પરિણામો આપણે ટાળી શકીએ. પ્રિવેન્ટિવ હેલ્થનો મૂળ હેતુ મેટાબોલિક સિન્ડ્રોમ વિશે જાગૃત થવાનો અને વધતા જતા પ્રમાણમાં આપણી પાસેથી અપેક્ષા  રાખતા આ વિર્શ્વમાં લાંબા સમય સુધી તંદુરસ્તી જળવાય એવા સરળ અને સાદા ઉપાયો કરવાનો છે.