Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Our freedom heroes: Kashiram Joshi

Zagmag / આપણા સ્વાતંત્ર્ય નાયકો : કાશીરામ જોશી

Timeછેલ્લું અપડેટ : 24 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagmag / આપણા સ્વાતંત્ર્ય નાયકો : કાશીરામ જોશી

- એક નાનકડી ચિનગારીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. સામસામો ગોળીબાર થયો. પિસ્તોલમાંથી ગોળીઓ ખૂટતાં જીવ બચાવવા ક્રાંતિકારીઓ ગામમાં ઘૂસી ગયા.

App Store

અમેરિકા સ્થિત ગદર પાર્ટીના આ સૈનિક (જન્મ: ૧૮૮૧, મૃત્યુ: ૧૯૧૫) હરિયાણાના અંબાલા જિલ્લાના બડી મઢૌલી ગામના વતની હતા. વતનમાં ક્યાંય નોકરી-ધંધામાં સ્થિર થવા જેવું ન લાગતાં વાયા હોંગકોંગ થઈ અમેરિકા પહોંચી ગયેલા. ત્યાં દારૂના કારખાનામાં ઘણો સમય નોકરી કરી. પછી એક ટાપુ પર સોનાની ખાણનો કોન્ટ્રાક્ટ રાખ્યો. જેમાં ઘણા પૈસા કમાયા. એ વખતે અમેરિકાની ગદર પાર્ટીમાં જે ભારતીય ક્રાંતિકારીઓ જોડાયેલા હતા તેમાં કાશીરામ પણ હતા. પાર્ટી તરફથી ભારતમાં જઈ વિદ્રોહ ભડકાવવાની આજ્ઞાા થતાં પોતાની ધીકતી કમાણી છોડી તેઓ સ્વદેશ આવ્યા. થોડો સમય વતનના ગામમાં રહ્યા. પરંતુ વતનની માયા લાગે એ પહેલાં તેઓ 'લાહોરની નેશનલ બેંકમાં ત્રીસ હજાર રૂપિયા જમા છે એ લેતો આવું' એવું બહાનું કાઢીને ગૃહત્યાગ કરી ગયા. પછી ક્યારેય ગામમાં પાછા ફર્યા નહિ. 

પંજાબમાં જે દળમાં કાશીરામ કામ કરી રહ્યા હતા તેની પાસે હથિયાર બહુ ઓછાં હતાં. સભ્યો દ્વારા હથિયાર ખરીદવા માટે સરકારી ખજાનો લૂંટવાનું નક્કી થયું. બીજી નવેમ્બર, ૧૯૧૪ના રોજ પંદર ક્રાંતિકારીઓનું એક દળ ત્રણ એક્કા પર સવાર થઈને મોગાનો સરકારી ખજાનો લૂંટવા નીકળી પડયું. તેઓ મિશ્રીવાલા ગામ પાસે પહોંચ્યા કે ગામના જમાદારને શંકા પડતાં તેમને રોક્યા. ક્રાંતિકારીઓએ કહ્યું કે 'અમે સરકારી કર્મચારીઓ છીએ અને ફોજના કામે મોગા તરફ જઈ રહ્યા છીએ'  તો યે જમાદાર ન માન્યો. તેણે કહ્યું, 'સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આવીને તમારી તપાસ કરશે. પછી જ તમને અહીંથી જવા દેવામાં આવશે.' ક્રાંતિકારીઓમાંથી જગતસિંહથી આ સહન ન થયું. તેમણે પોતાની પિસ્તોલનો સ્વાદ જમાદારને ચખાડયો. આ નાનકડી ચિનગારીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. સામસામો ગોળીબાર થયો.

પિસ્તોલમાંથી ગોળીઓ ખૂટતાં જીવ બચાવવા ક્રાંતિકારીઓ ગામમાં ઘૂસી ગયા. પરંતુ ગામમાં તેમને પડયા પર પાટું પાડવા જેવું થયું. ગામલોકો તેમને ડાકુ જાણી બેઠા. લાઠીઓ લઈને ઊમટી પડયા. તેમનો મુકાબલો શક્ય ન બનતા ક્રાંતિકારીઓએ બીજા ગામ ભણી નાસવા માંડયું. ત્યાં સુધીમાં પોલીસ આવી પહોંચી. ફરી ગોળીબાર થયો. જેમાં ક્રાંતિકારી ચંદરસિંહ મરાયા. ધ્યાનસિંહ ઘાયલ થયા. છ જણા પકડાયા. પછીથી તમામની ધરપકડ કરી લેવામાં આવી, ફિરોજપુરની સેશન જજની અદાલતમાં કેસ ચલાવી તેમાંથી સાતને ફાંસીની સજા સંભળાવવામાં આવી. કાશીરામના લાહોર નેશનલ બેંકના ત્રીસ હજાર રૂપિયા જપ્ત કરી તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. ડાકુ માની બેઠેલા દેશવાસીઓ જ તેમના મોતનું નિમિત્ત બન્યા.

- જિતેન્દ્ર પટેલ