Shatdal : નિકોલો પોલો, મેફીયો પોલો, માર્કો પોલો : જેમણે પશ્ચિમને સૌથી પહેલાં ચીન વિષે માહિતી આપી

- જીનોવા અને વેનિસ વચ્ચે સંધિ થતાં, પોલો ત્રિમૂર્તિ મુક્ત થઈ. ફરી તેઓ વ્યાપાર યાત્રાએ નીકળ્યા. તે માત્ર વ્યાપાર યાત્રા ન હતી, અસામાન્ય સાહસ યાત્રા હતી
૩૭૩ : અટ્ટિલ્લા ધી હુણ ડાન્યુબ ઓળંગી, યુરોપમાં આક્રમણ લઈ ગયો, ચીનના પૂર્વ તાર્તારી (ઝીંગ્યાન)થી હૂણોનાં ધાડાં લઈ આગળ વધ્યો ત્યારે બોલ્યો હતો : ''હું જ્યાંથી પસાર થઈશ, ત્યાં ફરી ઘાસનું તણખલું પણ નહીં ઊગે.'' અટ્ટિલ્લા યુરોપ પર ત્રાટક્યો, રોમ પરાજિત થયું. રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. પશ્ચિમનો વિસ્તાર જર્મનીના ઑટો ધ ગ્રેટના હાથમાં રહ્યો. પૂર્વમાં કોન્સ્ટનટાઈન ૧ લાએે ૪૧૦માં કોન્સ્ટન્ટીનોયલ વસાવ્યું. આ નગર સિવાય યુરોપ પર અંધકાર ફરી વળ્યો. ૧૪૫૨માં જ્હોન ગટનબર્ગે પહેલું પ્રિંટિંગ પ્રેસ સ્થાપ્યું. ૧૪૫૩માં કોન્સ્ટન્ટીનોપલનું પતન થયું. તે સાથે એચ.જી. વેલ્સના શબ્દોમાં કહીએ તો ''યુરોપ બિગિન્સ ટુ થિંક એબાઉટ હર સેલ્ફ.
આવા અંધાર યુગમાં દાન્તે એલીધ્ર્રીએ સૌથી પહેલું મહાકાવ્ય ''લ'ડીવાન્યાકોમીડીયા' રચ્યું. દાન્તેનો જન્મ ૧૨૬૫માં થયો. 'લ'ડીવાઈન્યા રચાયું તે પહેલાં વેનિસના નિકોલો પોલો, મેફીયો પોલો, નિકોલોના ૬ વર્ષના પુત્ર માર્કોની સાથે પૂર્વની અજ્ઞાાત ભૂમિ જેને મકાકવિ ક્લોરિજ ''ઝાન્ક'' કહેતા હતા, ત્યાં જઈ વેપાર કરી સમૃદ્ધ થવા નિર્ણય કર્યો. તેઓની વ્યાપાર યાત્રા જેટલી રોમાંચક છે, તેટલી જ જીવન યાત્રા પણ રોમાંચક છે.
તેઓ ૨૪ વર્ષ પછી ૧૨૯૫માં વેનિસ પહોંચ્યા ત્યારે વિદેશી કપડાંમાં દાઢી, મૂંછ વધેલાં, મેલાઘેલાં કપડાં પહેરેલા પોપેલોઝને પહેલાં તો કુટુમ્બીજનો ઓળખી ન શક્યા. માંડ માંડ ઘરમાં પ્રવેશ આપ્યો. નાહી ધોઈ, નવાં કપડાં પહેરી બહાર આવ્યા. માર્કોએ કહ્યું : ''મીજબાની થઈ જાય. બધાં કુટુમ્બીઓને બોલાવો.'' બધાને થયું આ ખાખી બાવાઓ પૈસા આપશે ક્યાંથી ? ઠીક, આપણે પૈસા આપીશું. મીજબાની સમયે સૌ ટેબલ પર ગોઠવાયા. માર્કોએ જૂનો મેલો ડગલો લાવી, તેનું અસ્તર ફાડયું. અંદરથી હીરા, માણેક, નીલમ, મોતીનો ઢગલો થયો. સૌ આંચકો ખાઈ ગયા. આટલી સંપત્તિ તેઓએ કદી જોઈ જ ન હતી.
પોલોઝ ૨ વર્ષ વેનિસમાં રહ્યા. વેનિસને જીનોઆ સાથે યુદ્ધ થયું. વેનિસ પરાજિત થયું. માર્કો કેદમાં પડયા. ત્યાં તેઓએ રૂસ્ટિશ્યાનો ઓફ પીસા પાસે જેલમાં પોતાનાં સંસ્મરણો લખાવ્યાં હતા.
જીનોવા અને વેનિસ વચ્ચે સંધિ થતાં, પોલો ત્રિમૂર્તિ મુક્ત થઈ. ફરી તેઓ વ્યાપાર યાત્રાએ નીકળ્યા. તે માત્ર વ્યાપાર યાત્રા ન હતી, અસામાન્ય સાહસ યાત્રા હતી.
આ પૂર્વે પોલો ભાઈઓ નિકોલોના છ વર્ષના જ પુત્ર માર્કોને લઈ ''ઝાન્ડુ'' જવા કોન્સ્ટન્ટીનોપલથી નીકળ્યા. ક્રીમીયા થઈ બુખારા પહોંચ્યાં ત્યાં માર્ગ ભૂલી ગયા....વિચારો મધ્ય એશિયામાં અર્ધરણમાં માર્ગ ભૂલી જતાં શી મૂંઝવણ થઈ હશે તેમને. સદ્ભાગ્યે ગ્રેટ ખાનના કેટલાંક અધિકારીઓ ખાન (કુબ્લાઊખાન)નાં સામ્રાજ્યના પશ્ચિમના વિસ્તારમાંથી પાછા ફરતા હતા તેઓ મળ્યા. તેઓને બૈજિંગ લઈ જવા કહ્યું. આ ત્રણે પોલોઝ કુબ્લાઉખાનના દરબારમાં પહોંચ્યા.
કુબ્લાઉખાન મહાન વિજેતા ચંધીસખાનના પુત્ર, મંગુખાનના પુત્ર હતા. (યાદ રહે કે ચંધીસખાન અને મંગુખાન મુસ્લિમ ન હતા. ખાન એટલે સરદાર તે શબ્દ મોંગોલ ભાષાનો છે. ચંધીસ શામા ધર્મનો અનુયાયી હતો. તે ધર્મ કુદરતી તત્વો સૂર્ય-ચંદ્ર, પવન, વરસાદ વગેરેની આરાધના કરવા કહેતો હતો અને તે આરાધના કોઈ ઊંચા ટેકરા કે પર્વત ઉપર પહોંચી આકાશ તરફ હાથ ઊંચા કરી કરવામાં આવતી હતી.)
કુબ્લાઉખાન બહુ ભલો હતો. તેણે યુરોપીયનોને જોયા જ ન હતા. તેમને જોઈ તે ખુશ થયો. તેમને પૂરતી સુવિધા કરી આપી, પરંતુ પછી કહ્યું તમારા ધર્મગુરૂ પોપને મારો પત્ર આપજો. જેમાં મેં ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો શીખવાડવા ૧૦ પાદરીઓ મોકલવા વિનંતી કરી છે.
પોલો ત્રિપુટી પાછી ફરી. તેઓ રોમ પહોંચ્યા. ત્યાં પોપ કલેમેન્ટ ૪નું નિધન થયું હતું. ગ્રેગરી ૧૦માં પોપ થયા. તેઓ પાછા ફર્યા સાથે બે પાદરીઓને લેતા ગયા. સીરીયાનાં એક્રેથી ઈરાનના હોર્મુઝ પહોંચ્યા ત્યાંથી સમુદ્ર માર્ગે જવાને બદલે આશકાબાદ થઈ બુખારા જવા નીકળ્યા. પરંતુ આ અર્ધરણ અને તોફાની ટોળીઓના ભયે પાદરીઓ પાછા ફર્યા. કુબ્લાઉખાનના દરબારમાં બૌદ્ધ સાધુઓ પહોંચ્યા ગ્રેટખાને શામા ધર્મના સ્થાને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ૧૨૯૧માં તેઓએ તિબેટને સંપૂર્ણ સ્વાયત્તા આપી ત્યાં દલાઈ લામા નિયુક્ત કર્યા.
પોલો ત્રિપુટી બૈંજિંગ પહોંચી હતી. ત્યારે માર્કો ૧૭/૧૮ વર્ષના મજબૂત યુવાન બન્યા હતા. તેને ગ્રેટખાને સરકારી તંત્રમાં લીધા. માર્કોએ મેન્ડેરિન ભાષા પણ જાણી લીધી હતી. માર્કોને કમીશનર તરીકે પૂર્વ તાર્તારી મોકલ્યા. આ માર્ગેથી તો તેઓ બૈજિંગ ગયા હતા. તે વિષે લખ્યું છે કે, અહીં વૃક્ષો નથી તેથી પક્ષીઓ નથી મોટાં જંગલી જનાવરો પણ નથી. સાપ છે, વિછુ છે.
માર્કોએ તેમ ૭છતાં પૂર્વ તાર્તારીમાં તેઓનું મિશન પૂરું કર્યું. તેઓને ઇમ્પીરીયલ કાઉન્સીલમાં લીધા. ત્યાંથી વળી કોચીન-ચીન મોકલ્યા.
સત્તર સત્તર વર્ષ સુધી વિદેશમાં રહી તેઓ થાક્યા હતા. વેનિસ સાંભરતું હતું. તેવામાં ગજબની ઘટના બની ઈરાન ત્યારે મોંગોલોના હાથમાં હતું. તેનો ગવર્નર કુબ્લાઉનો પિત્રાઈ ભાઈ આરાઘૂન હતો. તેની પત્ની મોંગોલ હતી. તે મૃત્યુ પામી. મૃત્યુ પામતાં પહેલાં તેણે આરાઘૂન પાસે વચન માગ્યું કે આપે મોંગોલ યુવતી સાથે જ લગ્ન કરવાં.
ગ્રેટ ખાને પોલો ભાઈઓ અને માર્કો સાથે મોંગોલ યુવતીને મોકલી. માર્ગમાં તેઓ સુમાત્રા, સિંહલ અને દક્ષિણ ભારત થઈ હોર્મુઝ પહોંચ્યાં. ત્યાંથી ઈસ્ફહાન જવા નીકળ્યાં ત્યાં ખબર મળ્યા કે આરાધૂનનું નિધન થયું છે. તેના સ્થાને તેનો નાનો ભાઈ ઘાઝાન સૂબો બન્યા છે. પેલી યુવતીને તેમણે ઘાઝાન સાથે પરણાવી.. ત્યાંથી ટ્રેબિઝોન્ડ થઈ કોન્સ્ટીનોપલ અને ત્યાંથી વેનિસ પહોંચ્યા.
અહીં આ મહાન મુસાફરોની સંપૂર્ણ કથની કહી શકાઈ નથી. પરંતુ જરા વિચારો તો ખરા કે મધ્ય એશિયાનાં અર્ધરણ અને પૂર્વ તાર્તારીનાં રણ કે જ્યાં વૃક્ષો જ દેખાતા ન હતા. ત્યાંથી ગોબીનાં રણમાંથી પસાર થઈ બૈજિંગ પહોંચવું નાની-માના ખેલ નથી. તેમાંયે ગ્રેટખાનના વિશ્વાસુ થવું. તે અસામાન્ય સિદ્ધિ છે. કોલંબસે તેઓની ભવ્ય પ્રશંસા કરી છે.
- દિનેશ દેસાઈ

