Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Man suffers not from sin, but from being caught

Dharmlok: માણસને પાપનું નહિ, પકડાઈ જવાનું દુ:ખ છે

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: માણસને પાપનું નહિ, પકડાઈ જવાનું દુ:ખ છે
સોર્સ : GSTV

- જ્યાં સુધી ભેદ ખુલી ના જાય. પકડાઈ ના જાય ત્યાં સુધી માણસ પાપનો સ્વીકાર કરતો નથી. બલકે પાપ છુપાવવાની ભરપૂર કોશિશ કરે છે. તેને પાપ કરતી વખતે દુ:ખ નથી થતું પણ પકડાઈ જવાનું દુ:ખ જરૂર થાય છે

App Store

શ્રીમદ્ભાગવતમાં રાજા યયાતિની કથા છે. એકવાર શુકાચાર્યની પુત્રી દેવયાની અને રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સખીઓ સાથે ફરતાં ફરતાં એક સરોવર પાસે ભેગી થઈ ગઈ. બધી કન્યાઓ કિનારે વસ્ત્ર મૂકી જલક્રીડા કરવા લાગી. દૈવયોગે ભગવાન શંકર પાર્વતીજી સાથે નંદી પર બેસી ત્યાંથી પસાર થતા હતા. કન્યાઓએ દૂરથી તેમને જોયા. જોતાં જ લજ્જિત થઈ ગઈ. ઉતાવળમાં જે વસ્ત્રો હાથમાં આવ્યાં તે લઈ વૃક્ષની ઝાડી પાછળ સંતાઈ ગઈ. આ રઘવાટમાં શર્મિષ્ઠાએ ભૂલથી ગુરૂકન્યા દેવયાનીના વસ્ત્રો પહેરી લીધાં. એ જોઈ દેવયાની ક્રોધે ભરાઈ. બન્ને વચ્ચે ઉગ્ર, બોલાચાલી થઈ. દેવયાનીએ અસભ્ય વર્તન કરી  શર્મિષ્ઠાનું અપમાન કર્યું. શર્મિષ્ઠા રાજ કન્યા હતી. તેનાથી સહન ના થયું. તેણે દેવયાનીના વસ્ત્રો ઝૂંટવી લીધાં અને ઊંચકીને એક કૂવામાં ફેંકી દીધી. પછી ધૂંવાપૂવાં થતી સખીઓ સાથે ત્યાંથી નીકળી ગઈ.


થોડીવારે નહુષ રાજાનો પુત્ર યયાતિ જે શિકાર કરવા નીકળ્યો હતો. તેણે કૂવામાંથી બચાવો. બચાવો..ની બૂમ સાંભળી. યયાતિએ પોતાના ઉપવસ્ત્રને દોરડું બનાવી દેવયાનીને ખેંચીને બહાર કાઢી. ઝાકળથી ભીંજાયેલ કોમલ ફૂલ જેવી સુંદર દેવયાનીને જોતાં જ તે મોહિત થઈ ગયો. દેવયાનીએ તે કૂવામાં કેવી રીતે પડી તે આખી ઘટના જણાવી. આ દરમ્યાન તેણે યયાતિને મોહાંધ દશામાં જોયો. દેવયાનીએ લાગણીવશ થઈ દિલની વાત જણાવી. 'રાજન્, તમે મારો જીવ બચાવ્યો છે. હવે હું આ હાથ અન્ય પુરૂષને નહિ સોંપુ. મને લાગે છે નસીબજોગે આપણું મિલન થયું છે. હું તમને પતિ તરીકે સ્વીકારવા ઇચ્છું છું.' યયાતિને પણ સ્પષ્ટવાદી, સ્વરૂપવાન દેવયાની જીવનસંગિનીરૂપે યોગ્ય લાગી. બન્ને શુક્રાચાર્ય પાસે આવ્યા. લગ્નની ઇચ્છા જાહેર કરી. આશીર્વાદ લીધા. પછી દેવયાનીએ શર્મિષ્ઠાએ કરેલા પ્રાણઘાતક હુમલાની વાત કરી.  શુક્રાચાર્ય ક્રોધે ભરાયા. તરત તે રાજા વૃષપર્વાને મળ્યા. 'રાજન, તમારી શર્મિષ્ઠાએ મારી પુત્રીના પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો છે. આ કૃત્ય દંડને લાયક છે. રાજાએ માફી માગી. શર્મિષ્ઠાએ બે હાથ જોડી પગે પડીને માફી માગી. 'ગુરૂજી, ઉતાવળમાં મારાથી ભૂલ થઈ ગઈ. મારાથી અપમાન સહન ના થયું એટલે મને ક્રોધ આવી ગયો. તમે જે હુકમ કરશો તેનું પાલન કરવા હું તૈયાર છું. મારા લીધે મારા પિતા કે મારા રાજકુટુંબને નુકસાન ના પહોંચે એવું હું ઇચ્છું છું.' શુક્રાચાર્યએ ન્યાય કરવાનું દેવયાની ઉપર છોડયું. દેવયાની એ કહ્યું,' રાજન્, શર્મિષ્ઠાએ મારા પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો છે તે ઘાતિની છે. હું તેને માફ ના કરી શકું. જ્યારે યાયાતિ સાથે મારા લગ્ન થાય ત્યારે શર્મિષ્ઠા તેની સહસ્ત્રસખીઓ દાસી બનીને મારી સાથે આવે. અને અમારી સેવા કરે ! 'શર્મિષ્ઠા રાજ પુત્રી હતી. તેને ગુરૂ શુક્રાચાર્યના શાપની ચિંતા હતી. તેણે કુટુંબના ભલા માટે દાસીપણું સ્વીકારી લીધું. શુક્રાચાર્ય જ્ઞાાની હતા. ભવિષ્યનો વિચાર કરી શકતા હતા. તેમણે પુત્રીની વિદાય વખતે યયાતિને ચેતવીને વચન લીધું. 'યયાતિ, શર્મિષ્ઠા પાપનું પ્રાપશ્ચિત કરવા દાસી બનીને તમારી સેવા કરવા આવે છે. પણ યાદ રાખજો, એ રાજકુમારી છે. તમારે કદી તેને સ્પર્શ કરવો નહિ. કોઈપણ જાતની સેવા લેવા તેને શયનખંડમાં બોલાવવી નહિ. 'યયાતિએ બધાની વચ્ચે વચન આપ્યું. લગ્ન પછી દેવયાનીએ એક પુત્રને જન્મ આપ્યો. સુવાવડ પછી તે આરામ કરી રહી હતી. ઘણા દિવસો વીતી ગયા.

એક સોહામણી સાંજે શર્મિષ્ઠાને યયાતિ સાથે મળવાનું થયું. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. દિલકશ ઋતુ હતી. બગીચો ફૂલોની માદક સુગંધથી તરબતર હતો. ચોતરફ મુગ્ધ વાતાવરણ હતું. શર્મિષ્ઠાએ યયાતિને જોઈ કામવશ કહ્યું,' રાજકુમાર, હું દેવયાનીની સેવિકા છું અને દેવયાની તમારે અધીન છે. મતલબ કે તમે દેવયાની અને મને સેવન કરવાના અધિકારી છો. કુમાર, તમને રૂબરૂ જોઈને અત્યારે હું કામજવરથી પીડાઈ રહી છું. (ભજસ્વ મામ) મારૃં સેવન કરો.'

યયાતિ સામે ઉભેલી શર્મિષ્ઠાનું અનવદ્ય સૌંદર્ય જોઈ કામાતુર થયો. (કામાન્ધ મનસાં વિચારક્ષમતા કુત:) વાસનામાં અંધ બનેલા માણસમાં વિચારવાની શક્તિ ક્યાં રહે છે ? યયાતિ શુક્રાચાર્યને આપેલું વચન ભૂલી ગયો. બન્નેએ પરસ્પર ઇચ્છાનુસાર સહવાસ કર્યો. તેમણે દુરાચરણ કર્યું. નિંદાસ્પદ કૃત્ય કર્યું. પાપ કર્યું. અનાચાર કર્યો.

આ સહવાસથી શર્મિષ્ઠાએ પુત્રને જન્મ આપ્યો. જ્યારે દેવયાનીને આ વાતની ખબર પડી ત્યારે તેને શંકા પડી. તેણે સીધે સીધું પૂછયું. શર્મિષ્ઠા ગભરાઈ ગઈ. જો યયાતિ સાથેનો અનૈતિક સંબંધ જાહેર થઈ જશે તો વધુ એક દોષ લાગશે. તેણે પાપ છુપાવવાની પેરવી કરી.' દેવયાની, એક વિદ્વાન ઋષિ અહીં આવ્યા હતા. તેમણે મને જોઈ ધર્માનુસાર કામની યાચના કરી. (સત્યં બ્રવીમિ તે ) હું સાચું કહું છું. હું ધર્મ વિરુધ્ધ આચરણ કરતી નથી. આ સંતાન તેમનું છે. 'વાત દબાઈ ગઈ. સમય પસાર થતો ગયો. દેવયાનીને બે અને શર્મિષ્ઠાને કુલ ત્રણ પુત્રો થયા. એકવાર દેવયાનીએ સુંદર બાળકોને જોઈને તેમને જ પૂછયું- 'બાળકો તમે કોણ છો ? તમારા માતા-પિતા ક્યાં છે ? બાળકો તો નિદોર્ષ હોય છે. તેમણે આંગળી ચીંધીને યયાતિ અને શર્મિષ્ઠાને પોતાના માતા- પિતા કહી બતાવ્યા. આ સાંભળતાં જ દેવયાનીનું હૈયું વીંધાઈ ગયું. તે યયાતિને છોડીને પિતા પાસે જતી રહી. શુક્રાચાર્યને વચનભંગ કરનાર યયાતિ પર એટલો ગુસ્સો આવ્યો કે તેને વૃધ્ધ થઈ જવાનો શાપ આપ્યો. યયાતિનું યૌવન છીનવાઈ ગયું. તે ઘરડો થઈ ગયો. (જો કે આગળની કથા મુજબ યયાતિનો એક પુત્ર તેની વૃધ્ધાવસ્થા લઈને પોતાનું યૌવન આપે છે)

જ્યાં સુધી ભેદ ખુલી ના જાય. પકડાઈ ના જાય ત્યાં સુધી માણસ પાપનો સ્વીકાર કરતો નથી. બલકે પાપ છુપાવવાની ભરપૂર કોશિશ કરે છે. તેને પાપ કરતી વખતે દુ:ખ નથી થતું પણ પકડાઈ જવાનું દુ:ખ જરૂર થાય છે. દુરાચારી માણસ ખોટું કરવા મળેલી તકને નસીબ સમજવાની ભૂલ કરે છે. તે એમ માને છે કે ઇશ્વરે તેના પર કૃપા કરીને એકાંતમાં ઇચ્છાપૂર્તિ કરવાની તક આપી છે. પરિણામની જાણ હોવા છતાં પાપ કરવું એ સૂકી ડાળી પર માળો બાંધવા જેવું વિનાશક કાર્ય છે. કારણકે પાપ જાહેર થતાં જ આબરૂની મખમલી કાર્પેટ કંતાન જેવી ચીંદરડી થઈ જાય છે. માણસ ગમે તેટલી મેલો હોય તેનો ફોટો ચોખ્ખો જ આવે છે. આજે સૌને પોતાના સુંદર ફોટાના પ્રદર્શનમાં રસ છે. પોતાના મેલાપણાની જરાય ચિંતા નથી. જરૂર છે આત્મ નિરીક્ષણ કરવાની. પાપનું કારણ પકડવાની ફરી પાપ ના થાય તે માટે ચિંતન કરી જાગૃત થવાની. માણસનું ખમીર તેની ભીતરી પ્રામાણિકતા અને બહારના ઋજુ વર્તન પરથી મપાય છે.       

- સુરેન્દ્ર શાહ