Dharmlok : સહુના પ્રિય દેવ ગજાનન: ગણેશજીના સ્વરૂપમાં છુપાયેલા જીવન જીવવાના અમૂલ્ય પાઠ

સમગ્રપણે સ્થુલ શરીરવાળા, હાથીના જેવા મુખવાળા સુંદર મોટા ઉદરવાળા, જેમના મસ્તકમાંથી ઝરતા મદની સુગંધથી ભમરાઓ લુબ્ધ થઈ આનંદ કરે છે. એવા ગંડસ્થળ વાળા તથા જેમણે દાંતના પ્રહારો કરીને ચીરી નાખેલીં શત્રુઓનાં લોહીથી સિંદૂરની શોભા કરી છે. એવા સિધ્ધ ઇચ્છિત પદાર્થોના દાતા. પાર્વતીના પુત્ર ગણપતિને હું વંદન કરૃં છું. તમો ઉત્તમ ફળ ખાનારા તથા સહુના શોકને નાશ કરનારા છો.
શ્વેત અંગોવાળા, શ્વેત વસ્ત્રોવાળા, ક્ષીર સમુદ્રમાં સિહાસન ઉપર બિરાજેલા, ઉત્તમ દેવો તથા મનુષ્યોથી શ્વેત પુષ્પ, શ્વેત ચંદના, અને રત્નોનાં દીપકો વડે પૂજાયેલા બે હાથમાં પયકુંશ તથા બીજા હાથમાં મોદક તથા અભયનું વરદાન આપે એવા મુકુટ ઉપર ચંદ્રને ધારણ કરતા. ત્રણ નેત્રો વાળા શોભાથી યુક્ત એવા ઇશ્વર ગણપતિનું શાંતિ તથા સુખ માટે ધ્યાન ધરીએ છીએ. અમારી બુધ્ધિને શુભ પ્રેરણા આપો.
तनोदन्तिप्रयोययात् ।
ગણેશજી નાના- મોટા સૌના પ્રિય દેવ છે. અને તેથી જ તે સર્વત્ર પૂજાય છે. ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર જ્યાં અનેક ધર્મ સંપ્રદાય કે પંથોને અનુસરનારા લોકો વસે છે. ત્યાં પણ તે પહોંચી ગયા છે. આપણા રોજીંદા જીવનમાં એટલા બધા વણાઈ ગયા છે કે લોકો પોતાના પુત્ર-પૌત્રનાં ગણેશ, ગજાનન, કપિલ, વિનાયક, ભાલચંદ્ર વગેરે નામ પાડે છે. કોઈપણ કાર્ય શરૂ કરવાના અર્થમાં 'શ્રી ગણેશ કરવા' એ વાક્ય પ્રયોગ પણ પ્રચલિત છે. કોઈ પણ લખાણમાં શરૂઆતમાં કે વિદ્યારંભમાં 'શ્રીગણેશાય નમ: લખવામાં આવે છે.
आदौ पूज्यो विनायक ।। એ ઉક્તિ ગણેશજીની અગ્રપૂજાની પ્રથાને સમર્થન આપે છે જ્યારે कलौ चण्डी विनायको । એ ઉક્તિ કળિયુગમાં તેમની પૂજા-સ્મરણ વગેરેના મહત્વને જણાવી આપણને તેમ કરવાનો આદેશ આપે છે.
સ્વરૂપ અને બોધપાઠ : ગણેશ કે ગણપતિ નામ ગણેશજીનાં સ્વરૂપ અને મહિમાને પ્રગટ કરનારૃં છે. ગણપતિને હાથીનું મુખ છે એ તો સર્વવિદિત છે. મુખમાં જિહવા. દાંત, નાક, કાન અને આંખ આ અવયવોનો સમાવેશ થાય છે. હાથીના મુખમાં આવેલા આ બધા અંગોની વિશેષતાના આધારે ગણેશજીની મહત્તા સિદ્ધ થાય છે.
ગણેશજીએ હાથી અને મનુષ્યની ઉપાધિનું પોતાના રૂપમાં સંયોજન કરી એ બંનેને ગૌરવાન્વિત કરી એમનો મહિમા સ્થાપિત કર્યો છે. હાથીની જીભની વિશેષતા એ છે કે દાંતોના મૂળથી કંઠ તરફ એટલે કે અન્ય પ્રાણીઓની જીભથી ઉલટી રીતે વિશેષ પ્રવૃત્ત જણાય છે. બર્હિમુખ જિહવા સર્વ આપત્તિઓનું કારણ હોય છે. ગણેશજીની જીભ એથી વિપરીત અર્થાત અંતર્મુખ હોવાથી તે નિર્વિઘ્નતાની વિધાયક છે. આથી ગણપતિ વિઘ્ન વિનાયક કે વિઘ્ન વિનાશક કહેવાય છે. સૂંઢ એ ગણપતિનું નાક પણ છે. નાક એ પ્રતિષ્ઠાનું દ્યોતક છે. પોતાના લાંબા નાક દ્વારા ગણપતિ મનુષ્યને પોતાની લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે. અને પ્રતિષ્ઠા વધારે એવા કાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા પણ આપે છે.
લાંબા અને પહોળાં કાન ગણેશજીની સારગ્રહણની અને નિંદા વગેરેથી પ્રભાવિત ન થવાની ક્ષમતાના દ્યોતક છે. ગણપતિ આપણને પણ એ રીતે જીવન જીવવાનો બોધ આપે છે.
કુદરતે હાથીની આંખો એવી બનાવી છે કે તેને નાની વસ્તુ પણ સ્પષ્ટ દેખાય છે. પોતાની ઝીણી ઝીણી આંખો દ્વારા ગણપતિ આપણને વાસ્તવદર્શી દ્રષ્ટિ કેળવવાનો અન્યનાં સારા ગુણોની નોંધ લેવાનો બોધ આપે છે. વળી, આંખોના આકાર કે દેખાવ કરતાં તેની કાર્યક્ષમતા વધુ મહત્ત્વની છે. નાનામાં નાની વ્યક્તિની મહાનતા જોઈ તેનો સ્વીકાર કરી તેને આદર આપવો જોઈએ એવું પણ ગણપતિની નાની-નાની આંખો આપણને જણાવે છે. આ પ્રકારે મસ્તકમાં સ્થિત જુદા જુદા અવયવો દ્વારા ગણપતિ અનેક વિશેષતાઓ ધરાવે છે. આ અનેક રીતે આપણને મહાન બનવાની પ્રેરણા આપે છે. એમ ગજાનનના નામથી જણાય છે.
પ્રથમ પાર્વતીનાં પુત્રને તો
પૂજીયે રે લોલ,
શુધ્ધ-બુધ્ધ વાણી તુજ પાસે
માંગીએ રે લોલ.'
- ડો.ઉમાકાંત.જે.જોષી

