Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : I want to enrich my life, the conch shell of today's educated daughter of new India

Sahiyar: મારે મારા જીવનને સમૃદ્ધ બનાવવવું છે,આજના નવા ભારતની ભણેલી દીકરીનો શંખનાદ

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મારે મારા જીવનને સમૃદ્ધ બનાવવવું છે,આજના નવા ભારતની ભણેલી  દીકરીનો શંખનાદ
સોર્સ : GSTV

રૂપરૂપના અંબારસમી ઉર્વશી મહેતા (નામ  કાલ્પનિક છે)   બેંગલુરુમાં  રોકેટ એન્જિનિયરિંગનો  અને  ખગોળશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. ભણવામાં તેજસ્વી અને ઉજળા સંસ્કાર ધરાવતી ઉર્વશીની  મહેચ્છા તો અંતરિક્ષ વિજ્ઞાાનના ક્ષેત્રે ઉજળી સફળતા મેળવવીને ભારતનું   અને   પોતાનાં માતાપિતાનું ગૌરવગાન કરવાની છે. એક  સ્પેસ સાયન્ટિસ્ટ બનીને અંતરિક્ષનાં રહસ્યો અને આશ્ચર્યોનો તાગ મેળવવાની છે. ઉર્વશીને લગ્ન કરીને પરંપરાગત જીવન જીવન નથી જીવવું કે પોતાની પ્રતિભાને વેરણછેરણ પણ  નથી થવા દેવી. 

App Store

બીજીબાજુ ઉર્વશી માટે તેનાં માતાપિતા ભાવિ પતિ શોધવામાં વ્યસ્ત છે.  અમુક  પરિવારના ઉચ્ચ શિક્ષણ પામેલા  ભણેલા અને પ્રતિષ્ઠિત  ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકો વિશે માહિતી અને ફોટોગ્રાફ્સ  પણ મેળવ્યાં છે.  દીકરી ભણીને ડિગ્રી મેળવી લે  એટલે સમયસર એકાદ સંસ્કારી પરિવારમાં તેનાં લગ્ન થઇ જાય તો જીવનનો સંતોષ મળે એવું માને   છે.


એક દિવસ ઉર્વશીનાં માતાપિતાએ પુત્રીને તેનાં લગ્ન વિશે વાત કરી. ઉર્વશીએ  ભારોભાર આદર સન્માન સાથે કહ્યું,  મમ્મી -પાપા, હમણાં નહીં.મારે   સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે. આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ કોઇ એક પરિવારની વહુ બનીને નથી જીવવું. હા, જે કોઇ સુશિક્ષિત અને સાચા અર્થમાં સંસ્કારી યુવક મારા સંસ્કાર, વિચાર, ભવિષ્ય, જીવનલક્ષી સ્વતંત્રતા વગેરે પાસાં સાથે સંમત હશે તેની સાથે જરૂર શાદી કરીશ. અને હા, લગ્ન કાંઇ મારા જીવનનો એક માત્ર હેતુ નથી. મારે મારું જીવન વિશાળ, સમૃદ્ધ, માનવતાવાદી બનાવવું  છે.  

મેનકા સાગર( નામ સાચું નથી) પણ મેડિકલ સાયન્સનો ઉચ્ચ કોર્સ કરી રહી છે. કુદરતી સૌંદર્યના  ધામ શિમલાની વતની મેનકા સાગર તેના ભવિષ્ય માટે ભારોભાર સ્પષ્ટ છે. મેનકાની ઇચ્છા છે તબીબીશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરીને અમુક ગંભીર રોગ વિશે સંશોધન કરીને માનવજાતની સેવા કરવી. ખાસ કરીને ભારત સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી કોવિડની મહામારીએ મેનકા સાગરને વિચારતી કરી દીધી છે.


મેનકા સાગર કહે  છે,  મારે તબીબીશાસ્ત્રના  ઉચ્ચ અભ્યાસ પછી લગ્ન કરવામાં જરાય ઉતાવળ નથી કરવી. હું  સુશિક્ષિત માનવી છું. મને મારા ઉચ્ચ શિક્ષણનું ભારોભાર ગૌરવ છે.   મારે મારી વિચારધારા, ઇચ્છા, હેતુ છે. લગ્ન કરીને ઠરીઠામ થઇ જવું એ તો આપણા સમાજની  બહુ જુનવાણી પરંપરા છે. મારે મારા જીવનને કાંઇ સંકુચિત નથી બનાવવું. જીવન તો  વિશાળ,  ઉદાર, ઉમદા, સુંદર, સુગંધી હોવું જોઇએ.  લગ્ન એટલે પતિ કે સાસરિયાની સેવા નહીં. હું કોઇ લગ્ન વિરોધી નથી. મને ખબર છે કે   લગ્ન જીવન તો પરમ પવિત્ર સંસ્કાર છે. સાહચર્ય છે. પતિ-પત્ની ૈએકબીજાંને સંપૂર્ણ આદર-સન્માન આપે તો જ લગ્નજીવન સુગંધી બને.  હા, મારા આ વિચાર સાથે જે કોઇ યુવક સંપૂર્ણપણે સહમત હોય તેની સાથે જરૂર લગ્ન કરીશ.

 આજે ભારતમાં ઉર્વશી મહેતા  અને મેનકા સાગર જેવાં ઘણાં ઉદાહરણ મળે છે. દેશમાં ઘણી  સુશિક્ષિત યુવતીઓ કાં તો સરકારી ઓફિસર છે. અથવા તો ખાનગી કંપનીમાં સન્માનનીય હોદ્દા પર ફરજ બજાવે છે. પોતાનું આધુનિક સુવિધાઓ સાથેનું સુંદર ઘર અને  વૈભવી મોટર છે. આર્થિક રીતે બહુ સદ્ધર છે. 

આજના નવા અને  સાયન્સ -- ટેકનોલોજીના ક્ષેત્રે ઝડપભેર આગળ વધી રહેલા ભારતની નવી પેઢીની યુવતીઓ તેમના ભવિષ્ય વિશે બહુ જ સ્પષ્ટ છે. લગ્ન વિરોધી નથી પણ પોતાના અસ્તિત્વના અને વ્યક્તિત્વના સંપૂર્ણ સન્માન સાથે જીવવા ઇચ્છે છે. 

સુરતની ભૈરવી શાહ(નામ સાચું નથી) ફેશન ડિઝાઇનર છે. આમ તો ભૈરવીના પિતા  તૈયાર વસ્ત્રોના બહુ મોટા -આધુનિક શો રૂમના માલિક  છે. હવે  જોકે ભૈરવી તેના પિતાના વ્યવસાયને   ફેશન ડિઝાઇનનું નવું અને આધુનિક સ્વરૂપ આપવા ઇચ્છે છે. 

ભૈરવી શાહને પણ લગ્ન કરવાની જરાય ઉતાવળ નથી. તે  કહે   છે,  મેં મારા ફેશન ડિઝાઇનિંગના અભ્યાસ માટે  ઘણી મહેનત કરી છે. એક  શિક્ષિત યુવતી તરીકે મારે મારા પોતાના વિચાર, વ્યક્તિત્વ, ઇચ્છાઓ છે. સ્વાભાવિક છે. હા, મારે પણ લગ્ન કરવાં છે પણ મારા મનના, વિચારોના,  નારી સન્માનને   સ્વીકારતા    માણીગર   સાથે. આપણા પરંપરાગત સમાજમાં બધી સ્વતંત્રતા અને છૂટછાટ ફક્ત પુરુષોને જ શા માટે ?  અને બધા નિયમો અને મર્યાદાઓ મહિલાઓ માટે જ કેમ ભાઇ ?  હું  આવા ભેદભાવને નથી માનતી કે નથી સ્વીકારતી. 

 અને હા, આજની એકવીસમી સદીમાં તો ભારતની ઉચ્ચ શિક્ષણ પામેલી  દીકરીઓ બિઝનેસ, રમતગમત,  એરલાઇન્સ, ઉચ્ચ સરકારી હોદ્દાઓ,  સાયન્સ અને ટેકનોલોજી, મેડિકલ સાયન્સથી લઇને ભારતીય લશ્કર એમ   તમામ ક્ષેત્રોમાં ઝળહળતી   સફળતા મેળવી રહી છે. ભારતની દીકરીઓએ તો  હજી હમણાં જ  વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પોતાની પ્રતિભા અને પ્રચંડ ઇચ્છાશક્તિ દર્શાવી છે. 

 ન માની શકાય તેવી બાબત તો એ છે કે અમારા પરિવારમાં કોઇ શુભ પ્રસંગ કે તહેવાર -- ઉત્સવની ઉજવણી હોય એટલે અમારાં બધાં સગાં --વ્હાલાં ઘરે આવે. મારાં મમ્મી -પાપાને પૂછે, ભૈરવીનાં લગ્ન ક્યારે કરો છો ? ભૈરવીને   એરેન્જ મેરેજ( માતાપિતા દ્વારા થતો લગ્ન સંબંધ) કરવાં છે કે પછી તેના કોઇ  બોય ફ્રેન્ડ સાથે ? અરે ભાઇ, મારાં લગ્ન વિશે મારાં મા -બાપને જેટલી ચિંતા નથી  તેના કરતાં વધુ ચિંતા તો આ બધાં સગાંને છે. 

વળી,  મારે લગ્ન કરવાં કે  નહીં,  કઇ ઉંમરે કરવાં,  લગ્ન કરવાં તો કયા પરિવારમાં અને મારો ભાવિ પતિ  કેવો હોવો જોઇએ   વગેરે બાબતો તો મારા જીવનની અંગત બાબતો છે. આ બાબતોમાં મારાં મા-બાપ સિવાય અન્ય કોઇને પણ દરમિયાનગિરિ કરવાનો કોઇ જ હક્ક નથી. 

 દિલ્હીની ચીનાબનો કિસ્સો જરા જુદો છે. એક પ્રતિષ્ઠિત બેંકમાં    મેનેજર તરીકે ફરજ બજાવતી ચીનાબનાં માતા પિતા દીકરીને સારા, પ્રતિષ્ઠિત , સંસ્કારી ઘરમાં પરણાવવા ઉતાવળાં થયાં છે. કારણ એ છે કે ચીનાબના વૃદ્ધ પિતાની તબિયત સારી નથી રહેતી. એટલે તેની માતા એમ કહે છે કે બેટા, કદાચ પણ તારા પપ્પાને કાંઇ અજુગતું થઇ ગયું તો પછી હું એકલી થઇ જઇશ. તારાં લગ્ન કઇ રીતે કરી શકીશ ? તું   તારા પાપાજીની હાજરીમાં જ લગ્ન કરી લે તો બધું શુભ થઇ જશે. 

માાતાની  આવી લાગણીશીલ  વાતોથી ચીનાબ બિચારી જબરી મુંઝાઇ છે.  ચીનાબે  તેની આ મુંઝવણ  તેની બેંકની ખાસ  ફ્રેન્ડને કહી. પેલી બહેનપણીએ કહ્યું, લગ્ન તો થવાનાં હશે ત્યારે થશે. તું આપણી બેંકની પરીક્ષા આપ. આમ પણ તું બહુ  હોંશિયાર છો.  પરીક્ષામાં સફળ થઇ જઇશ તો વધુ સારી -- વધુ મોટી પોસ્ટ મળશે. તારી કેરિયર બહુ મજેદાર અને સન્માનનીય બની જશે. પછી જો શું થાય છે.  હિેતેચ્છુ બહેનપણીની સલાહથી ચીનાબે ખરેખર બેંકની પરીક્ષા આપી. આખા ઝોનમાં ફર્સ્ટ આવી. દીકરીની આવી ઉજળી  સફળતાથી  તેના બીમાર પિતા  અને માતા બંને  રાજીના રેડ થઇ ગયાં.  ચીનાબને થોડા જ સમયમાં સિનિયર મેનેજરનું પ્રમોશન પણ  મળ્યું. અને હા, તેની ફ્રેન્ડના કહેવા મુજબ  ચીનાબ સાથે લગ્ન કરવા ઘણા યુવાનો તૈયાર થઇ ગયા. 

ચીનાબે એક દિવસ તેના માતાપિતાને કહ્યું, હું લગ્ન જરૂરી કરીશ પણ મારી કારકિર્દીને અને જીવનને અર્થપૂર્ણ  અને સમૃદ્ધ  બનાવીને.   સાચી વાત છે. આજે ભારતમાં દીકરીઓ  બહુ  ભણે   છે. તેજસ્વી બને છે. જુદા જુદાં ક્ષેત્રોમાં  સોનેરી યોગદાન આપે  છે. ખાસ કરીને લશ્કરમાં  પણ પડકારરૂપ કામગીરી બજાવીને પોતાની નારી શક્તિનો ઉત્તમ સંદેશો આપે છે.  એક ખાસ  વાત. ભારત સહિત સમગ્ર  વિશ્વમાં  શાળા-કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓ  સાથે  અને નોકરી કરતી  યુવતીઓ સાથે   અન્યાય, અત્યાચાર થાય  છે. યુવતીઓ  સાથે લવ અફેરના નામે   હિંસક હુમલા થાય છે.  છૂટાછેડાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. આવી ઘટનાઓને કારણે યુવતીઓનાં  કુમળા માનસપટ પર   ઘેરા પ્રત્યાઘાત પડે  છે.   આવા સંવેદનશીલ  સંજોગોમાં    આજના   યુગની ભણેલી યુવતીઓ એવું વિચારે છે કે લગ્ન કર્યા બાદ મને મારા પતિ અને સાસરિયાં દ્વારા  સન્માન અને સ્વતંત્રતા ન મળવાનાં હોય, પતિમાંનો  પુરુષ તરીકેનો અહમ અને ઘમંડ સતત જીવતો હોય.    ડગલે ને પગલે મારે ઘરની વહુ અને પત્ની તરીકે સમાધાન કરવાંનાં હોય. મારે મારી પ્રામાણિક મહેનતની આવક   કે  કમાણી સાસુને કે પતિને આપી દેવાની હોય તો  પછી અમારે લગ્ન કરવાં જ  શા માટે . લગ્ન કરીને પછી પણ અમારું જીવન વેરણછેરણ થઇ જવાનું હોય તો પછી લગ્ન કરવાં જ નહીં એ વધુ ડહાપણભર્યું છે.  ભારતની  સનાતન   સંસ્કૃતિમાં તો લગ્ન પરમ પવિત્ર સંસ્કાર છે.  શિવ -પાર્વતી, લક્ષ્મી -વિષ્ણુનાં અખંડ , શુભ લગ્નનાં ઉજળાં   ઉદાહરણ અપાય છે. સાત શુભ પગલાંનું સખ્ય ગણાય છે.  જોકે  આજના કળિયુગમાં લગ્ન પ્રસંગની અને લગ્નજીવનની પવિત્રતાને લાંછન લાગે તેવી ઘટનાઓ બની રહી છે. લગ્ન પ્રસંગ અમીરી તમાશો બની રહ્યો છે. આવા અરૂચિકર વાતાવરણમાં ભારતની કોઇપણ દીકરી પોતાના જીવનને, પોતાની સંવેદનાને, લીલીછમ ઇચ્છાઓને, સૂર્યનાં તેજસ્વી કિરણો જેવી પ્રતિભાને અખંડ રાખે  તો તે તેનો માનવીય હક્ક છે.

- જગદીશચંદ્ર ભટ્ટ