Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : How appropriate is the opposition to compassionate death?

Shatdal : કરુણા મૃત્યુનો વિરોધ કેટલો યોગ્ય?

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : કરુણા મૃત્યુનો વિરોધ કેટલો યોગ્ય?
સોર્સ : GSTV

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

App Store

- ન્યૂયોર્કના આ પગલાથી અમેરિકામાં યુથેનેશિયા કાયદેસર હોય એવા રાજ્યોની સંખ્યા તેરની થઇ

ટોચના ગુજરાતી શાયર મરીઝનો એક શેર છે- મોત વખતની આ અય્યાશી, નથી ગમતી મને મરીઝ, કે હું પથારી પર રહું ને ઘર આખું જાગ્યા કરે... અસાધ્ય ગણાતી બીમારી હોય, સતત પીડાતો રિબાતો દર્દી હોય, સ્વજનો કશું કરી ન શકતાં હોય, દર્દીની હાલત જોઇને સ્વજનો સતત નિસાસા નાખતાં હોય એવા કિસ્સામાં કરુણા મૃત્યુની પરવાનગી આપવામા આવે તો એમાં ખોટું શું છે ? દુનિયાના ઘણા દેશોમાં યુથેનેશિયા કે મર્સી કીલીંગ કાયદેસર છે. કેનેડા, કેટલાક ઓસ્ટ્રેલિયન સ્ટેટ્સ, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, સ્પેન, કોલંબિયા અને ન્યૂઝીલેન્ડમાં મર્સી કીલીંગ કાયદેસર છે. ભારતમાં બંધારણની ૨૧મી કલમ હેઠળ જે ફન્ડામેન્ટલ રાઇટ્સ (મૂળભૂત અધિકારો) નાગરિકોને આપવામાં આવ્યા છે એમાં કરુણા મૃત્યુનો પણ સમાવેશ છે. ઘણા લોકોને એની જાણ નથી. સુપ્રીમ કોર્ટે અરુણા શાનબાગ જેવા કેસમાં આ અંગે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરેલી. એ મુજબ તબીબી સહાયથી આવા દર્દીને મૃત્યુદાન કરી શકાય છે.

અરુણા શાનબાગનો કિસ્સો જેને યાદ ન હોય એમને માટે અહીં એક ઝલક આપી છે. મુંબઇની સૌથી જૂની અને સૌથી વિશાળ (આશરે ત્રણ હજાર ખાટલા ધરાવતી) એવી જે જે હોસ્પિટલમાં અરુણા નર્સ હતી. મિલનસાર હસમુખો સ્વભાવ અને સેવાને સમર્પિત હોવાથી એ ખૂબ લોકપ્રિય નર્સ હતી. એક શરાબી વોર્ડબોયે એના પર બળાત્કારનો પ્રયાસ કર્યો. પોતાના બચાવમાં એણે પ્રતિકાર કર્યો. દરમિયાન, આઘાતથી એ બેહોશ થઇ ગઇ. ત્યારબાદ એ કોમામાં સરકી પડી. જે જે હોસ્પિટલના સ્ટાફે એની સુશ્રુષા કરી. લગભગ પચીસ વર્ષ સુધી એને કોમાની સ્થિતિમાં હોસ્પિટલમાં જ રાખવાની વ્યવસ્થા કરી. આઘાતજનક વાત એ હતી કે પેલો વોર્ડબોય છ વર્ષની જેલ ભોગવીને છૂટી ગયો અને ઘણું કરીને દિલ્હીની એક હોસ્પિટલમાં નોકરીએ લાગી ગયો. અરુણા કદી હોશમાં આવી નહીં. એને કરુણા મૃત્યુ આપવાની સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી હતી. અરુણાના કિસ્સા પરથી જડચેતન નામની એક ગુજરાતી નવલકથા પણ લખાઇ જે બેસ્ટ સેલર નીવડી હતી.

અહીં જે વાત કરવી છે એ બીજી છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યની ગવર્નર કેથી હોકુલે ડિસેંબરના ત્રીજા સપ્તાહમાં સ્ટેટ એસેમ્બલીમાં એક્ટિવ યુથેનેશિયા (એટલે કે ડોક્ટર દ્વારા મૃત્યુદાન કરવામાં આવે એને) કાયદેસર કરતો ઠરાવ પસાર કર્યો. વિધાનસભાએ એ ઠરાવને મંજૂરી આપતાં ન્યૂયોર્કમાં એક્ટિવ યુથેનેશિયા કાયદેસર થયું. ન્યૂયોર્કના આ પગલાથી અમેરિકામાં યુથેનેશિયા કાયદેસર હોય એવા રાજ્યોની સંખ્યા તેરની થઇ. અત્યાર અગાઉ વોશિંગ્ટન, ડી સી, ઓરેગોન, કેલિફોર્નિયા, ડેલાવર, વર્મોન્ટ, કોલોરાડો, હવાઇ, માઇન્યૂ, મોન્ટાના, ન્યૂ જર્સી અને ન્યૂ મેક્સિકોમાં યુથેનેશિયા કાયદેસર જાહેર થઇ ચૂક્યું હતું. ૨૦૨૫ના ડિસેંબરમાં ન્યૂયોર્કે એને કાયદેસર કર્યું.

મર્સી કીલીંગનું પગલું માનવતાવાદી છે એ હકીકત જગતમાં મોટા ભાગના લોકો સ્વીકારે છે. પરંતુ યોગાનુયોગ એવો હતો કે પચીસમી ડિસેંબર એટલે ભગવાન ઇસા મસીહનો જન્મદિવસ કે નાતાલ જે કહો તે અર્થાત્ ૨૫ ડિસેંબર નજીક ન્યૂયોર્કમાં આ નિર્ણય લેવાયો એના પ્રતિકૂળ પડઘા પડયા. રોમન કેથોલિક જગદગુરુ નામદાર પોપ જે સ્થળે વસે છે એ વેટિકન સુધી આ નિર્ણયની ગંભીર નોંધ લેવાઇ. અમેરિકા સહિત થોડાક દેશોના ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગવર્નર કેથી હોકુલ અને એમના રાજકીય પક્ષની આકરી ટીકા કરી. જો કે એ વિરોધને ન્યૂયોર્કે ગણકાર્યો નથી.

ઇસાઇ ધર્મના અનુયાયીઓમાં કેટલાક દેશોમાં ગર્ભપાતને પણ માન્યતા નથી. આપણે ત્યાં કોઇ સગીર બાલિકા દુષ્કર્મનો ભોગ બનવાથી ગર્ભવતી થાય તો અદાલત એ બાલિકાને ગર્ભપાતની રજા આપે છે. જો કે એ માટે નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ્સનો અભિપ્રાય લેવામાં આવે છે ખરો. યૂરોપના ઘણા દેશોમાં આ મુદ્દે મતમતાંતર પ્રવર્તે છે. ઇસાઇ ધર્મગુરુઓ આ બાબતમાં જૂનવાણી કહી શકાય એવો દ્રઢ અભિપ્રાય ધરાવે છે. ગર્ભમાં પણ જીવ હોય છે અને આપણને કોઇનો જીવ લેવાનો અધિકાર નથી એવી તેમની માન્યતા છે. જો કે કરુણા મૃત્યુના મુદ્દે હવે ઘણા દેશો આગળ આવ્યા છે અને કરુણા મૃત્યુનો માનવીય અધિકાર સ્વીકારે છે. ક્રિસમસની પૂર્વસંધ્યાએ ન્યૂયોર્કે એ દિશામાં એક પોઝિટિવ નિર્ણય લીધો. ગવર્નર કેથી હોકુલ આ મુદ્દે મક્કમ છે. ન્યૂયોર્કમાં યુથેનેશિયા કાયદેસર થઇ ચૂક્યું છે.