Shatdal / કળીમાંથી પુષ્પ

- આવનારી પેઢી માફ નહીં કરે તેવું, એક ન સમજી શકાય તેવું ધર્મ અને જીવનનું આપણે નિજી ભાષ્ય રચી રહ્યા છીએ
આ પણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં વ્યાપક રીતે અધર્મનો પ્રભાવ છે અને ધર્મની વધુમાં વધુ વાતો થઈ રહી છે ! આજે ધર્મનું પુનર્મૂલ્યાંકન થવું જોઈએ એમ કહેવા કરતાં એવું વિચારવું રહ્યું કે ધર્મના મૂળ તત્વની ચાલો સહિયારી ખોજ કરીએ. આજે આપણે ધર્મને જીવનથી છૂટો પાડી દીધો છે. 'ધર્મમય જીવન' કે 'જીવનમય ધર્મ' એ વાત મૂળમાં રહી છે. પણ મૂળ વિસારે પડી ગયું છે. અથવા એ દિશા તરફ ન જઈએ તે માટે કેટલાકો સતત પ્રયત્ન કરી રહ્યા છે. એવા 'કેટલાકો' કોણ છે તે હવે કહેવું પડે તેમ નથી. સામાન્ય માણસોને ધર્મને નામે ઉશ્કેરતા રહીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લેતા પાર વિનાના કહેવાતા 'ધાર્મિકો'ની એક મસમોટી ફોજ આજે તૈયાર થઈ ગઈ છે. ધર્મતત્વ અને જીવનતત્વ અવિયોજ્ય રૂપે જોડાયેલાં છે એ વાતને બદલે એ બંનેને અલગરૂપે જોવાવું શરૂ થઈ ગયું છે. કહો કે 'ધર્મ' અને 'જીવન' બંને સંજ્ઞાઓએ એનો મૂળ અર્થ તજી દઈને પોતપોતાની રીતે એના સ્વૈર અર્થ કાઢવા શરૂ કરી દીધા છે. યથેચ્છ જીવન જીવો, યથેચ્છ રીતે 'ધર્મ' શબ્દનું અર્થઘટન કરો. બે વિરૂદ્ધ દિશામાં આજે તીવ્રપણે ગતિ કરી રહ્યાં છે. એનાં વિપરીત પરિણામો આજે અનેક ક્ષેત્રોમાં તો જોઈ રહ્યા છીએ જ, પણ આવનારી પેઢી માફ નહીં કરે તેવું, એક ન સમજી શકાય તેવું ધર્મ અને જીવનનું આપણે નિજી ભાષ્ય રચી રહ્યા છીએ. આપણને જ ભસ્મ કરી રહે તેવું ભાષ્ય !
આશ્ચર્ય તો એ છે કે આવું-તેવું બીજા ભૂભાગમાં તો જોવા મળે છે પણ ભારતમાં ય તેવું કૂદકેભૂસકે વધતું જોવાય છે. આનાં કારણો પાર વિનાનાં છે. પણ એની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. ખરું તો ભારત સમગ્ર વિશ્વનું તત્વગુરૂ હતું, ધર્મગુરૂ હતું, સંસ્કાર ગુરૂ હતું, સકારાત્મક જીવન લીલાઓનું પ્રણેતા હતું, માનવીને ઈશ્વર સુધી લઈ જઈ શકાય છે તેનું પથદર્શન કરાવનારું હતું, માનવચેતના અને ઈશ્વરચેતનાને લગોલગ રાખીને બહિર-આંતર આલોકને ઝળહળ કરી મુકે તેવું આ ભૂમિ પર રહી આપણા પૂર્વજો એવા ઋષિ-મુનિઓએ એ બધું હજારો વર્ષ પૂર્વે પ્રતિફલિત કરી બતાવ્યું હતું. ધર્મબોધ ત્યારે શરીરનું ઘરેણું નહોતો, તો જીવનબોધ ત્યારે માત્ર પ્રજનન માટે પણ નહોતો. ધર્મ-જીવન એક દ્રવ થઈને વિલસતાં હતાં. ત્યારે માત્ર શરીરની વાત નહોતી, તો માત્ર અધ્યાત્મના ઊંચા શૃંગ કેવલ કે સમાધિ પણ નહોતાં. જે બધું સંચરતું હતું તે દેહની, શરીરની નદી રૂપે સંચરતું હતું. માત્ર શરીર નહિ, શરીર સાથે જોડાયેલી એક એક વૃત્તિ-પ્રવૃત્તિની પરિષ્કૃતિનો ત્યાં હિસાબ રખાયો છે. એ બધું એકાધિક નદીરૂપે, જુદી જુદી જગાએથી પ્રવહતું હતું અને એવું પ્રવરણ આખરે જ્યાં સમાઈ જાય છે એનું નામ સાગર છે અર્થાત્ સમાધિ પરમ-વરમ સ્થિતિ પણ એ સ્થિતિ એ પહોંચવા માટે માણસે અનેક પરિસ્થિતિઓમાંથી પોતાને પામતાં પામતાં આગળ વધવાનું હોય છે. વેદ-ઉપનિષદ-ગીતા એજ કહેતાં આવ્યાં છે. પણ આપણે એનાં મૂળ સુધી જવાનું ટાળીને ધર્મનો વહેપાર કરી રહેલા પાસે પહોંચી ગયા છીએ. અન્યથા જીવન-જગતની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગતિવિધિઓનો ત્યાં સંકેત છે. શરીર અને તેને યથાર્થરૂપે પામી સાચવી મન વાટે ત્યાં આગળ પહોંચવાની ચાવીઓ છે. ત્યાં અસદ્નો નિષેધ છે, ક્લેશકરનો નકાર છે, અન્યને કશું પીડાકારી ન બને તે માટેની જિકર છે. સઘળું પાછું સંસાર વચ્ચે જ થઈ શકે તેવું પણ પ્રતિપાદન રહ્યું છે. કશાનો અતિરેક નહીં. શરીર શુદ્ધિ ચિત્ત-મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ અને છેવટે આત્મસિદ્ધિ એવાં સોપાનો આપણા ઋષિ-મુનિઓએ દર્શાવ્યાં છે. ભારતીય તત્વપરંપરા આ વાતને જ અનુમોદિત કરતી રહી છે. કબીરે પણ તારો ઈશ્વર તારામાં બેઠેલો છે - એમ કહી તું જાગી શકે તો જાગ- એવું સમુચિત રીતે કહેલું. પ્રશ્ન આમ 'જાગી' જવાનો છે. તનથી, મનથી ઊભય રીતે ઋષિઓએ વ્યાપક રૂપે જીવનનો સ્વીકાર કરીને જાગવાની વાત કરી છે. એક રૂપક વડે ઋષિઓ કહે છે કે શરીર પણ એક નગર છે. એ નગરમાં કેમ રહેવું, કેવી રીતે શ્વાસ ભરવા, કયા પ્રકારની હરફર રાખવી, કઈ રીતે જીવનને વ્યવસ્થિત રીતે ત્યાં ગોઠવવું એ જે બરાબર જાણી લે છે ને પછી પોતાની ભીતરને તે પામી રહે છે. તેના માટે પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ નગરી-નગરની ઝાકમઝોળથી અંજાઈ જઈ જે પોતાને જ અસ્વસ્થ કરી મુકે તેવાઓ પછી એ નગરમાં જ અટવાઈ જાય છે ! બહાર નીકળવાનું દ્વાર તેણે જાતે જ બંધ કરી દીધું હોય છે ! આપણાં સંસ્કૃત સુભાષિતોમાં પણ અવાર નવાર કહેવાતું આવ્યું છે કે ધૈર્ય જેનો પિતા છે, ક્ષમા જેની માતા છે, શાંતિ જેની પત્ની છે, સત્ય જેનો પુત્ર છે, દયા જેની બહેન છે, સંયમ જેનો ભાઈ છે, ભૂમિ જેની શય્યાં છે, દિશાઓ જેનું વસ્ત્ર છે અને જ્ઞાનામૃત જેનું ભોજન છે એ માણસને પછી ડર કે ચિંતા શાનાં હોય ? એને યોગી જ કહેવો પડે. પતંજલિનો અષ્ટાંગ યોગ આ સંદર્ભે વધુ સ્પષ્ટ દિશા સંપડાવી રહે છે. યોગનાં તેમણે ગણાવેલાં આઠ અંગો- યમ-નિયમ-આસાન-પ્રાણાયમ અને પ્રત્યાહાર આ બાહ્ય યોગના અંગો છે. ક્રમશઃ એમાંથી પસાર થતાં થતાં શેષ રહેલાં ત્રણ અંગ-ધારણા, ધ્યાન તેમજ સમાધિ છે ત્યાં છેલ્લે પહોંચવાનું છે. આ ત્રણે અંતરંગના અંગો છે. આરંભના પાંચ અંગો એક અર્થમાં શરીર-મનને તૈયાર કરનારાં છે. એક પ્રકારની એ તાલીમ છે, સ્વને નિયંત્રિત કરવાના પ્રયત્નો રૂપ તે છે. પછીનાં ત્રણ અંગ ચિત્તને જ નહીં, આપણા સમગ્ર Being ને, અસ્તિત્વને, ભીતરના પ્રકાશ ભણી વાળે છે. એવો માણસ અંતર્મુખી થઈ રહે છે. કહો કે અહીં અંદર અને બહારનું એક ટયૂનિંગ રચાય છે. જે માણસને કળીમાંથી સંપુર્ણ પુષ્પરૂપે વિકસાવી રહે છે. વિધિ-વિધાનમાં મુશ્કેરાટ બંધાઈ ગયેલો આજનો 'ધર્મ' આપણા ઋષિઓ કથિત સમગ્ર જીવનવિધાન તરફ ક્યારે વળશે ?

