Sahiyar : પહેલાં પગભર થાવ પછી 'વર' અને 'ઘર'

- રસોડું,બાળકો અને સાસરિયાંની સેવાચાકરીને જ જિંદગીનું ધ્યેય માનવાને બદલે આજની યુવતી શિક્ષણ અને કારકિર્દીના ઘડતર વડે સ્વાવલંબી બનવા વધુ તત્પર બનીને 'લગ્ન'ની જંજાળ આઘી ઠેલી રહી છે.
લગ્ન એટલે શું? સ્ત્રી-પુરુષને ચોરીના ચાર ફેરા ફરી આજીવન સાથે રહેવાનું આપવામાં આવતું એક સામાજીક લાઈસન્સ કે આત્મીયતા, વિશ્વસનીયતા અને પ્રેમ સાથેના સહજીવનના શ્રીગણેશ. સામાન્ય રીતે લગ્ન સંબંધ બાંધતી વખતે જ્ઞાાતિ,જાતિ,ધર્મ,સામાજીક પ્રતિષ્ઠા,સમૃદ્ધિ વગેરે દુન્યવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. પણ લગ્નજીવનના જે ચાર મુખ્ય પાયા છે - પ્રેમ,સમર્પણભાવ, આત્મીયતા અને વિશ્વસનીયતાની તદ્ન ઉપેક્ષા કરવામાં આવે છે. આજે વાસ્તવમાં લગ્ન એક પરંપરા,આર્થિક વ્યવસ્થા અને સંતાનની ઝંખના પૂરી કરવાનું એક માધ્યમ ગણાય છે. અને આ જ કારણસર આધુનિક યુગમાં લગ્ન સંસ્થા પોલી બની રહી છે. સામાજીક દ્રષ્ટિએ હજુ પણ લગ્નસંસ્થા અનિવાર્ય છે. પણ હવે તેમાં પહેલાં જેટલી પવિત્રતા રહી નથી. આ અંગે મહિલાઓના બદલાયેલા અભિગમ વિશે કરવામાં આવેલા સર્વેક્ષણના તારણો જાણવા રસપ્રદ બની રહેશે.
ભારતીય સ્ત્રીની સૌથી મોટી વિડંબણા એ છે કે તેના જીવનનું કેન્દ્રબિંદુ લગ્ન હોય છે. શહેરમાં રહેતી આધુનિકા હોય કે ગામડામાં રહેતી ગોરી હોય લગ્નની આસપાસ જ તેના જીવનની તમામ ઘટના વણાયેલી હોય છે. જોકે હવે મહિલાઓના જીવનના અગ્રક્રમો બદલાઈ રહ્યા છે. એક સમયે ૧૬ થી ૨૦ વર્ષની વચ્ચે પરણી જનારી યુવતીઓ હવે શિક્ષણને પ્રાધાન્ય આપે છે. આજની ૪૫ ટકા જેટલી યુવતીઓ માટે સારું શિક્ષણ લેવું વધુ મહત્ત્વનું છે. મુંબઈમાં રહેતી ૭૨ ટકા જેટલી શિક્ષિત યુવતીઓ પગભર થયા બાદ લગ્ન કરતાં પૂર્વે પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે લખનઉની ૪૩ ટકા યુવતીઓ લગ્ન કરતાં પૂર્વે કારકિર્દી ઘડવાની મહેચ્છા ધરાવે છે. જોકે જીવનના અગ્રક્રમો તો યુવતીના ઉછેર,સંસ્કાર જેવી વિવિધ બાબતો ઉપર આધાર રાખે છે. પણ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે આધુનિક યુવતી લગ્ન કરવાની ઉતાવળ કરવામાં માનતી નથી. ૫૮ ટકા યુવતીઓ ૨૨ થી ૨૫ વર્ષની ઉંમરે લગ્ન કરવામાં માને છે. જોકે ગુવાહાટીમાં તો દર પાંચમાંથી એક યુવતી ૨૬ થી ૩૦ વર્ષની વયને લગ્ન કરવાની ઉત્તમ વય માને છે.
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે ગૃહિણીઓએ પણ લગ્ન પૂર્વે કારકિર્દી ઘડવાની વાતને જરૂરી ગણી છે. હજુ આજે પણ આપણા સમાજમાં,ખાસ કરીને મહિલાઓ માટે લગ્ન કરવા અનિવાર્ય ગણાય છે. ૭૬ ટકા મહિલાઓ લગ્નને જરૂરી માને છે. જ્યારે ૫૫ ટકા જેટલી ત્યક્તાઓ કે પતિથી અલગ રહેતી મહિલાઓ લગ્નને જરૂરી માનતી નથી. જોકે ૧૬ ટકા જેટલી શીખ મહિલાઓ લગ્નને જરૂરી માનતી નથી તે અચરજભરી વાત છે.
આજે ૮૧ ટકા જેટલી શિક્ષિત નારી કબૂલે છે કે લગ્ન કરવાથી સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પણ તે પોતાના પતિને માત્ર રખેવાળ કે જીવનની જરૂરિયાત પૂરી કરનારી વ્યક્તિ તરીકે નહિ પરંતુ જીવનસાથીના રૂપમાં જોવા ઈચ્છે છે. આજની ૬૯ ટકા યુવતીઓ માતા-પિતા દ્વારા ગોઠવવામાં આવતાં લગ્ન (એરેન્જ મેરેજ) વધુ સફળ થાય છે એમ માને છે. જ્યારે ૧૪ ટકા પ્રેમલગ્નની તરફેણ કરે છે. જોકે નોંધનીય બાબત એ છે કે ૮૧ ટકા જેટલી યુવતીઓ એરેન્જ મેરેજ કર્યા છે અને ૧૮ ટકાએ લવમેરેજ કર્યા છે. જ્યારે લગ્નવિષયક જાહેરખબર અને ઈન્ટરનેટ દ્વારા માત્ર એક ટકા યુવતીઓએ લગ્ન કર્યા છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં વસતી માત્ર ૮ ટકા યુવતીઓએ પોતાની મરજી મુજબ લગ્ન કર્યા છે જ્યારે બીજી તરફ પૂર્વ ભારતમાં વસતી ૩૫ ટકા મહિલાઓએ પ્રેમલગ્ન કર્યા છે. વળી આમાંથી પ્રેમલગ્ન કરનારી મોટાભાગની યુવતીઓએ તો આડોશ-પાડોશમાં રહેનારા યુવકને જ પતિ તરીકે પસંદ કર્યો છે. જોકે અહીં નોંધનીય વાત એ છે કે દર ચારમાંથી ત્રણ મહિલા લગ્નજીવનમાં તણાવ વધી રહ્યો હોવાની વાત કબૂલે છે. તેમના મતે પ્રેમલગ્ન કર્યા બાદ જીવન એકદમ કંટાળાજનક,અનરોમેન્ટિક અને સમસ્યારૂપ બની જાય છે.
લગ્નજીવનની સફળતાનો આધાર જાતીયજીવન પર પણ રહેલો છે. ઉત્તેજનાસભર સેક્સલાઈફથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે તે વાત મોટાભાગની માનુનીઓ કબૂલે છે. પણ દર ત્રણમાંથી એક પરિણીતા પતિ દ્વારા જબરદસ્તી બાંધવામાં આવતાં શારીરિક સંબંધનો ભોગ બને છે. દિલ્હી અને કોચીમાં આનું પ્રમાણ ૫૬ અને ૫૧ ટકા જેટલું જોવા મળે છે જ્યારે આઈટી શહેર તરીકે ઓળખાતા બેંગ્લોરમાં મેરીટલ રેપનું પ્રમાણ છ ટકા જ છે. તે જ પ્રમાણે પ્રેમલગ્ન (૨૨ ટકા) કરતાં એરેન્જ મેરેજમાં (૩૫ ટકા) આનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરિણીત યુગલમાં સેક્સનો આરંભ મોટેભાગે પુરુષો જ કરે છે. પણ કુટુંબનિયોજન માટે કયો વિકલ્પ અપનાવવો તેનો નિર્ણય બંને સાથે મળીને કરે છે. ૨૧મી સદીના સૌથી આઘાતજનક સમાચાર એ છે કે હજી આજે પણ આપણે ત્યાં યુવતીઓના કૌમાર્યને પૂજવામાં આવે છે અને તેના કારણે અનેકોના જીવનમાં સમસ્યા સર્જાઈ છે.
એક ઘરમાં સાથે રહેતી બે વ્યક્તિ વચ્ચે મતભેદ થવા સહજ છે. ૭૦ ટકા જેટલા દંપતીઓએ અવારનવાર ઝઘડા થતાં હોવાનું જણાવ્યું હતું જ્યારે ૬ ટકાએ ક્યારેક જ ઝઘડતાં હોવાનું તો ૨૨ ટકાએ ક્યારેય ઝઘડો ન કર્યો હોવાનું કહ્યું હતું. બેંગ્લોરવાસી શિક્ષિત દંપતીઓમાંથી ૪૧ ટકા વચ્ચે ક્યારેય મતભેદ થયો જ નથી. જ્યારે કોચીની ૮૫ ટકા મહિલાઓએ પતિ સાથે વારંવાર ઝઘડો થતો હોવાનું કહ્યું હતું. જોકે દિલ્હી અને મુંબઈના ૫૭ ટકા અને ૫૪ ટકા યુગલો વિવાદ થયા બાદ ઝડપથી સમાધાન કરી લે છે. જ્યારે કોલકાતાની ૪૨ ટકા મહિલાઓ પતિ સાથે ઝઘડો કર્યા બાદ પતિ જ પોતાને મનાવે એવોે આગ્રહ રાખે છે.
આજના શિક્ષિત યુગલોમાં એકમેક પ્રત્યેના સમર્પણને ભાવને બદલે અહમ્નો ટકરાવ જોવા મળે છે. અને ઘણા કિસ્સામાં આ ટકરાવ એટલું મોટું સ્વરૂપ લઈ લે છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. ઉત્તર ભારતમાં થતા લગ્નવિચ્છેદમાં મુખ્યત્વે પતિનો મગરૂરીભર્યો સ્વભાવ કારણભૂત હોય છે. જ્યારે દક્ષિણ ભારતમાં આર્થિક મુદ્દાઓને લીધે લગ્નમાં ભંગાણ પડે છે. ગુવાહાટીમાં ૪૦ ટકા જેટલી મહિલાઓ બેવફાઈને કારણે પતિથી દૂર થઈ છે. આ ઉપરાંત નજીવા કારણસર ૬ ટકા જેટલા તથા શારીરિક કારણસર કે સંવાદના અભાવને લીધે ૪ ટકા જેટલા છૂટાછેડાના કિસ્સા જોવા મળે છે.
જોકે છૂટાછેડા લીધેલી મોટાભાગની મહિલાઓએ સાસરિયાઓ સાથે ન ફાવતાં પરસ્પરની સંમતિથી છૂટા પડયા હોવાનું કહ્યું હતું. જ્યારે ૫૩ ટકા જેટલી નોકરિયાત મહિલાઓએ આર્થિક કારણસર છૂટાછેડા લીધા હોવાનું જણાવ્યું હતું. સમાજશાસ્ત્રીઓના મતે આજે મહિલાઓ સબળા બની છે અને શોષિત રહેવાને બદલે છૂટાછેડા લઈ માનભેર જીવન જીવતી થઈ છે. લગભગ ૪૬ ટકા જેટલી મહિલાઓ દુ:ખી લગ્નજીવનથી છૂટકારો મેળવી પગભર થઈ જીવન જીવે છે. છતાં હજુ મહિલાઓ છૂટાછેડા લેવાની વાત કરતાં અચકાય છે. તે હકીકત સ્વીકારવી જ રહી. દક્ષિણ ભારતીય મહિલાઓ તો છૂટાછેડા લેવાનો વિચાર જ કરતી નથી.જ્યારે ગુવાહાટીની ૫૮ ટકા મહિલાઓએ કબૂલ્યું હતું કે,તેઓ છૂટાછેડા લેવાને બદલે દુ:ખી લગ્નને ટકાવી રાખવામાં માને છે. પરંતુ કોલકાતા અને અમદાવાદની મહિલાઓ જીવનને વેડફી નાંખવાને બદલે તેમાંથી મુક્તિ મેળવવાના વિકલ્પમાં જ માને છે. જોકે અહીં મહત્ત્વની વાત એ છે કે માતા બનેલી માનુનીઓ છેવટે સંતાનના હિત ખાતર લગ્ન લગ્નજીવનને નિભાવી લે છે. ૫૦ ટકા જેટલી મહિલાઓ લગ્નેતર સંબંધ ધરાવનારા પતિને માફ કરી કશું ન બન્યું હોય એણ જીવન જીવે છે. ૩૨ ટકા માનુની પતિની માફીને સ્વીકારી જીવનમાં આગળ વધે છે. જ્યારે ૧૫ ટકા પત્ની પતિ દ્વારા થયેલી છેતરપીંડીને કારણે છૂટાછેડા લે છે.
આજે મહિલાઓ પુરુષ સમોવડી બનીને ઘરની આર્થિક જવાબદારીનો ભાર ઉપાડતી થઈ છે. ૮૭ ટકા મહિલાઓ આર્થિક રીતે પગભર થવાને મહત્ત્વની બાબત ગણે છે. પણ વાસ્તવમાં ૬૦ ટકા જેટલી મહિલાઓ જ પોતાનો બેંક એકાઉન્ટ ધરાવે છે. અને ૩૦ ટકા જેટલી નોકરિયાત માનુનીઓ બેંકમાં ખાતું ધરાવતી નથી. કોલકાતાની અડધાથી વધુ મહિલાઓ બેંકમાં પતિ સાથે જોઈન્ટ એકાઉન્ટ ધરાવે છે. સંયુક્ત પરિવાર કરતાં વિભક્ત પરિવારમાં રહેતી મહિલાઓના ખાતા બેંકમાં વધારે હોય છે. જોકે ૫૯ ટકા માનુનીઓ સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે. સંયુક્ત પરિવારમાં બાળકોના ઉછેરની તથા સામાજીક વ્યવહાર જાળવવાની જવાબદારી વહેંચાઈ જાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં આ બાબતે જુદી જુદી વિચારધારા પ્રવર્તે છે. ૭૩ ટકા ઉત્તર ભારતીય મહિલઓ સંયુક્ત પરિવારને પસંદ કરે છે અને ૫૮ ટકા દક્ષિણ ભારતીય મહિલાઓ વિભક્ત પરિવારને પસંદ કરે છે.
છેલ્લે સૌથી મહત્ત્વની વાત એ છે કે ૭૩ ટકા મહિલાઓ પોતાના લગ્નજીવનથી સંતુષ્ટ છે અને આ વાત જ સુખી જીવનનો આશાદીપ પ્રજ્વલ્લિત રાખવા માટે પૂરતી છે.

