Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Film stars love paparazzi but hate them as soon as they become successful in the industry

Chitralok: ફિલ્મ સ્ટાર્સ પાપારાઝીને અછો અછો વાના કરે છે, પણ ઇન્ડસ્ટ્રીમાં સફળ થતાં જ તેમને ધુત્કારે છે

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok:  ફિલ્મ સ્ટાર્સ પાપારાઝીને અછો અછો વાના કરે છે, પણ ઇન્ડસ્ટ્રીમાં સફળ થતાં જ તેમને ધુત્કારે છે
સોર્સ : GSTV

સિનેમાજગતમાં પ્રચાર યાને પબ્લિસિટિ ન કરો તો તમારી ફિલ્મની કોઇ નોંધ પણ ન લે. પણ આ પ્રચારને કેટલાક ફિલ્મ ઉદ્યોગગૃહો તેમની સ્તુતિ કરવાની મશીનરીમાં ફેરવે એટલે તકરાર શરૂ થાય છે. કોઇ ચીજનો પ્રચાર કરવો એ એક વસ્તુ છે અને કોઇ ચીજના ગુણગાન ગાવા એ બીજી વસ્તુ છે. પ્રચાર કોઇનો વ્યવસાય હોઇ શકે છે પણ સ્તુતિ પર તો ફિલ્મ સ્ટાર્સના મળતિયાઓની જ મોનોપોલી હોય છે. જ્યારે આ ભેદ વિસારે પાડવામાં આવે ત્યારે પાપારાઝી અને ફિલ્મસ્ટાર્સ વચ્ચે જંગ ફાટી નીકળે છે. ફિલ્મ સ્ટાર્સને પાપારાઝી વિના અને પાપારાઝીઓને ફિલ્મ સ્ટાર્સ વિના ચાલે તેમ નથી. બંને તેમની પ્રગતિ માટે એકમેક પર નિર્ભર હોવા છતાં બંનેની સ્થિતિ બદલાય ત્યારે તેમના સંબંધોમાં પણ પરિવર્તન આવે છે. આજકાલની નવી નવેલી છોકરી પાપારાઝીઓ કહે તેમ તસવીરો પડાવે છે પણ જ્યારે આ છોકરી ફિલ્મસ્ટાર બની જાય ત્યારે તે પાપારાઝીઓને જોતાં જ તેની કારના કાચ ચઢાવી દે તેવું બને. તેમાં જ્યારે પાપારાઝી તેની અણગમતી તસવીર પાડે તો તેમની આખી કોમને ભાંડવામાં ફિલ્મસ્ટાર્સ કોઇ કચાશ રાખતાં નથી. 

App Store

આજકાલ પાપારાઝીઓને વખોડવામાં આવે છે તેમાં કોનો વાંક છે તે સમજવા જેવું છે. આ કલ્ચર ઇટાલીના ફિલ્મ ઉદ્યોગ તરફથી દુનિયાને મળેલી ભેટ છે. પાપારાઝી શબ્દ પણ ઇટાલિયન છે. મહાન ફિલ્મકાર ફ્રેડરિકો ફેલિનીનો એક તસવીરકાર મિત્ર હતો તેની અટક પાપારાઝો હતી. ફિલ્મસ્ટારની પાછળ પડી તે તેમની તસવીરો પાડતો રહેતો હોઇ ફેલિનીએ તેને પાપારાઝો કહી બોલાવતો અને પછી તો તેમની ૧૯૬૦માં આવેલી વિખ્યાત ફિલ્મ લા ડોલ્સ વિટામાં પાપારાઝોનું પાત્ર તેમણે અમર બનાવી દીધું.  પેજ થ્રી પત્રકાર માર્સેલો મેસ્ટ્રો રૂબિનીનું પાત્ર માર્સેલો મેસ્ટ્રોઆન્નીએ ભજવી તેને અમર બનાવી દીધું. તે સાથે જ તેના તસવીરકાર મિત્ર પાપારાઝો પણ એક નવા જ વ્યવસાયનો પાયો નાંખ્યો હતો. એક રસપ્રદ આડવાત એ છે કે તાજેતરમાં અવસાન પામેલી વિખ્યાત અભિનેત્રી બ્રિજિટી બાર્દો જ્યારે નવીસવી હિરોઇન તરીકે રોમમાં ફરતી ત્યારે તેની ચોતરફ પાપારાઝીઓ ભમરાંઓની જેમ મંડરાતા રહેતા હતા. એ હકીકતની પણ નોંધ લેવી પડે કે જ્યારે બ્રિજિટી બાર્દોએ આત્મહત્યાના પ્રયાસ બાદ હોસ્પિટલમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ જ પાપારાઝીઓએ તેની આ તસવીરો પણ પાડીને પ્રકાશિત કરી હતી. મુદ્દો એ છે કે પાપારાઝીઓનું કામ જ સેલિબ્રિટીઓના ફોટા પાડવાનું છે. જો સેલિબ્રિટીઓને તે ન ગમતું હોય તો તે ખોટા વ્યવસાયમાં આવી ગયેલાં ગણાય. 

ભારતમાં આ કલ્ચરની શરૂઆત સિત્તેરના દાયકાથી થઇ. એ સમયે ધર્મેન્દ્ર ,અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના ફિલ્મના સેટ પર પ્રવેશતા ત્યારે નમ્રતાપૂર્વક પોઝ આપી તસવીરકારોને ખુશ કરતા હતા. નેવુંના દાયકામાં પાપારાઝીઓની સંખ્યા વધી તેમ ફિલ્મ સ્ટાર્સે પણ તેમના મોં ઢાંકીને તેમને હતાશ કરવાની કળા શીખી લીધી હતી. સોશ્યલ મિડિયાના અને સ્માર્ટ ફોનના આગમન સાથે આ વાવર  હવે રોગચાળામાંં પરિવર્તિત થઇ ગયો છે અને આજે તો ચાહકો પણ ફિલ્મ સ્ટાર્સની સાથે તસવીરો પાડવા કે તેમની સાથે તસવીરો પડાવવા જાતજાતના જોખમો લેતાં થઇ ગયા છે. બીજી તરફ સોશ્યલ મિડિયા પર પોતાની તતૂડી સતત વાગતી રાખવી હોય તો ફિલ્મ સ્ટાર્સને પણ આ ઇન્સ્ટા પ્રસિદ્ધિ માટે પાપારાઝીઓ વિના ચાલે તેમ નથી. પાપારાઝીઓની સાથે સારું વર્તન કરી પોતાનું ધાર્યું કામ કરી લેવામાં કપૂર પરિવારને દાદ આપવી પડે. તેમાં પણ રણબીરકપૂર અને તેની કઝીન બહેન કરીના કપૂર પાપારાઝીઓને ખુશ રાખવાના મામલે સૌથી આગળ છે. તેમાં પણ કરીના કપૂરની પરિવારની સુરક્ષાની વાત આવે ત્યારે તેણે જે રીતે પાપારાઝીઓ સાથે કામ લીધું છે તે કાબિલે તારીફ છે. કરીના કપૂરખાનના પતિ સૈફ અલી ખાન પર ગયા જાન્યુઆરીમાં હુમલો થયા બાદ કરીનાને તેના સંતાનો તૈમુર અને જેહની સુરક્ષાની ચિંતા પેઠી. કરીનાએ તેના બાળકોની તસવીરો ન પાડવાની તસવીરકારોને વિનંતી કરી.જેના પરિણામે એક સમયે જેની નેની એટલે કે આયા પણ સેલિબ્રિટી બની ગઇ હતી તે તૈમુરની તસવીરો અચાનક મિડિયામાંથી ગાયબ થઇ ચૂકી છે. ટૂંકમાં કહીએ તો પાપારાઝીઓને હેન્ડલ કરતાં આવડે તો તેઓ કોઇ સમસ્યા નહીં પણ તમારા પ્રચારકો બની રહે છે. 

૨૦૨૫ના માર્ચ મહિનામાં રણબીર અને આલિયાએ પણ ફાઇવસ્ટાર હોટલમાં પત્રકાર પરિષદ યોજી તેમની પુત્રી રાહાની તસવીરો ન લેવાની તસવીરકારોને વિનંતી કરી હતી. તાજેતરમાં તેમણે બાન્દ્રામાં આવેલાં તેમના નવા નિવાસસ્થાન કૃષ્ણારાજની તસવીરો ન પાડવાની પણ તસવીરકારોને વિનંતી કરી હતી. રણબીર કપૂર અને આલિયા દિવાળીમાં ફોટોગ્રાફર્સને ભેટ મોકલવા માટે પણ જાણીતાં છે. બીજી તરફ પીઢ અભિનેત્રી જયા બચ્ચન તેમની વાત એક ઘા અને બે કટકાની ઢબે કહેવા માટે જાણીતાં છે. તેમને તો આ પાપારાઝી કલ્ચર સામે જ મોટો વાંધો છે. તેઓ તો ચોખ્ખું કહે છે, આ લોકો કોણ છે? તમે તેમને મિડિયા કહો છો? ડ્રેઇનપાઇપ પેન્ટ પહેરી હાથમાં મોબાઇલ ફોન લઇ સેલિબ્રિટીઓના ઘર સામે ધામા નાંખતા લોકોથી જયા બચ્ચન કંટાળેલાં છે તો તેઓ તેમના સાથી ફિલ્મસ્ટાર્સને પણ સંભળાવી દઇ શકે છે, જો તમારે આવા લોકોને તમારા ફોટા પાડવા માટે એરપોર્ટ  પર બોલાવવા પડતાં હોય તો તમે કઇ પ્રકારના સેલિબ્રિટીઓ છો, ભલા? 

એક નવી બાબત એ પણ ધ્યાનમાં લેવી પડે કે મૂળમાં પાપારાઝીઓ અફલાતૂન તસવીરકારો હતા. ઓક્ટોબર ૨૦૨૫માં લંડનમાં જેમ્સ હેમન ગેેલેરીમાં બ્રિજિટી બાર્દો એન્ડ ધ ઓરિજિનલ પાપારાઝી નામે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પાપારાઝીઓએ બ્રિજિટી બાર્દોની લીધેલી અફલાતૂન તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી. આજે  યુ ટયુબર્સની અને ઇન્ફલુએન્સર્સ અને પ્રાઇવેટ વ્લોગર્સની નવી જમાત માટે તેઓ ઉત્તમ તસવીરકારો છે એવું કહી શકાય તેમ નથી. તેઓ આ ફિલ્ડમાં ઘૂસી આવીને અમારું નામ ખરાબ કરી રહ્યા છે તેમ એક જાણીતાં પાપારાઝીએ જણાવ્યું હતું. ધક્કામુક્કી અને ધમાલ આ લોકો મચાવે છે અને નાહક બદનામ અમે થઇએ છીએ તેમ એક પાપારાઝીએ ખેદજનક સ્વરે જણાવ્યું હતું. સવાલ એ છે કે સોશ્યલ મિડિયામાં છવાવું હોય તો આ પાપારાઝીઓની નવી જમાત વિના ફિલ્મસ્ટાર્સને ચાલશે ખરૃં? હકીકત તો એ છે કે પાપારાઝીઓએ પણ તેમના આ નવા કઝીન્સની હાજરીથી ટેવાવું પડશે.