Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Fear is felt when you think about trouble.

Shatdal : ભય મુશ્કેલીનો વિચાર કરો ત્યારે લાગે છે, સામનો કરો ત્યારે નહીં

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : ભય મુશ્કેલીનો વિચાર કરો ત્યારે લાગે છે, સામનો કરો ત્યારે નહીં
સોર્સ : gstv

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

App Store

ન કારાત્મક વિચારસરણી એટલે માત્ર નકારાત્મક વિચારો જ નહીં પરંતુ વિચારોની ઘણી બધી આદતો ('કોન્ગિટિવ ડિસ્ટોર્શન્સ') જે વિચારોમાં નકારાત્મકતાને જન્મ આપે છે. સિલેક્ટિવ બ્લાઇન્ડનેસ અને કેટેસ્ટ્રોફાઇઝિંગની વાત આપણે કરી, હવે બીજી આદતો તપાસીએ.

તમને ખ્યાલ છે આપણી આજુબાજુ એવા ઘણા માણસો છે જેને ભવિષ્યની નકારાત્મક ઘટનાઓ વિશે પાક્કી ખબર હોય છે ?! તેઓ પોતાનું અને અન્ય વ્યક્તિઓનું નકારાત્મક ભવિષ્ય ભાખતા રહે છે - 'હું નિષ્ફળ જઈશ', એ લોકો મારી અવગણના કરશે', 'નક્કી કંઈ ખરાબ બનવાનું છે' વગેરે. તમે પ ૂછો કે ભવિષ્યમાં આ બાબતો બનશે એવું તમે ક્યા આધારે માનો છો, તો તમને કોઈ લોજિકલ સ્પષ્ટતા નહીં મળે ! આ વ્યક્તિઓને પોતાની સાથે ભવિષ્યમાં શું બનશે તે વિચારતા રહેવાની આદત હોય છે અને તે પણ મોટાભાગે નકારાત્મક ! સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓના વિચારોમાં આશા કરતા નિરાશાનું પ્રમાણ અનેકગણું વધારે હોય છે, સરવાળે તેમની વિચારસરણી નકારાત્મક બનતી જતી હોય છે. આવી વ્યક્તિઓએ હંમેશા એ વાત યાદ રાખતા શીખવું જોઈએ કે જ્યાં દર્દ કે દુ:ખ અનિવાર્ય હોય ત્યાં પણ પીડા અનુભવવી એ વૈકલ્પિક હોય છે, આપણા માઈન્ડ-સેટ કે વિચારસરણી પર આધારિત હોય છે. કરવાનું માત્ર એટલું જ છે કે જ્યારે તમારું મન ભવિષ્ય ભાખે ત્યારે તમારે પ્રયત્નપૂર્વક એ વિચારવાની આદત પાડવાની છે કે આ વાસ્તવિકતા છે કે નહીં એ ખબર નથી પરંતુ જે હશે એનો હું સામનો કરીશ. કોઈ બાબત અંગે અનિશ્ચિતતા હોવી તેનો મતલબ એ નથી કે તમે ખતરામાં છો, તમે માત્ર અજાણ પણ હોઈ શકો છો અને જાણકારી આવે પછી એનો પ્રતિભાવ આપી શકો છો, સામનો કરી શકો છો. વાસ્તવમાં આપણે કોઈ બાબતના વિચારોથી જેટલા ગભરાતા હોઈએ છીએ તેટલા એ બાબતનો હકીકતમાં સામનો કરતી વખતે ગભરાતા નથી હોતા !

ઘણા લોકોને બીજી વ્યક્તિઓના વિચારો કળવાની ટેવ હોય છે અને પોતે એ બાબતમાં નિપુણ છે તેવી મજબૂત માન્યતા પણ તે ધરાવતા હોય છે. આ લોકોની વિચારસરણી અને વ્યવહાર એવા હોય છે કે જાણે સામેવાળો શું વિચારતો હશે એની તેમને આગોતરી ખબર હોય. આવી 'માઈન્ડ-રીડિંગ'ની આદત વિચારસરણીમાં નકારાત્મક વિચારોનો વધારો કરે છે. એક મનોચિકિત્સક તરીકે મેં જોયું છે કે મોટાભાગના લોકો પોતાના વિચારોને સ્પષ્ટતાથી જાણતા નથી હોતા પરંતુ અન્ય લોકો શું વિચારે છે એ દાવાપૂર્વક કહી શકતા હોય છે ! કોઈ ઓળખીતી વ્યક્તિ તમારી સામેથી પસાર થાય અને તમને સ્મિત ના આપે તો તમે આસાનીથી એવું વિચારશો કે 'હું એને પસંદ નથી', 'એ બહુ અભિમાની છે' પરંતુ એવું નહીં વિચારો કે 'એ આજે કોઈ સમસ્યામાં હશે કે કોઈ કારણસર એનો મૂડ નહીં હોય' ! એવું મારા કન્સલ્ટિંગ રૂમમાં અનેકવાર બન્યું છે કે લોકો જે ધારણા કે અનુમાન બાંધીને બેઠા હોય છે તેના કરતા હકીકત ઘણી જુદી નીકળી હોય ! જ્યારે પણ કોઈ વ્યક્તિ અંગેનું જજમેન્ટ કે ધારણા મગજમાં બંધાય ત્યારે માત્ર એક જ ચેક-પોઈન્ટ ઉમેરવાનો હોય છે અને તે છે - 'હું ખોટો પણ હોઈ શકું છું.' શક્યતાની આટલી નાની સ્વીકૃતિ પણ વિચારોમાં નકારાત્મકતા અટકાવી શકે છે.

ઘણી વ્યક્તિઓને પોતાની જાતને કે અન્યને નેગેટિવ લેબલ્સ લગાવવાની ટેવ હોય છે. તે પોતાની કે અન્યની ભૂલોને આસાનીથી નામ-લેબલ આપી દેતા હોય છે અને એક ભૂલને જાણે આખી ઓળખમાં બદલી કાઢતા હોય છે. કોઈ એક બાબતમાં નિષ્ફળ જવાથી પોતાની જાતને નિષ્ફળ કે લુઝર માની બેસતા આ લોકો છે. કામ કરવાના કંટાળા કે થાકને 'આળસ'નું લેબલ ચિપકાવતા આ લોકો છે. વાસ્તવમાં 'હું નિષ્ફળ ગયો' અને 'હું નિષ્ફળ છું' આ બંને વિચારોમાં બહુ મોટો ભેદ છે. 'નિષ્ફળ જવું' એ શીખવાની વિચારસરણી છે અને 'નિષ્ફળ છું' એ નકારાત્મકતા ઊભી કરતી વિચારસરણી છે ! વાસ્તવમાં જે લોકો હકારાત્મક વિચારતા હોય છે તે પોતાની લાગણીઓને નામ આપવાને બદલે તેનું વર્ણન કરવાનું વલણ ધરાવતા હોય છે, દા.ત. 'હું દુ:ખી છું' એના બદલે 'હું દુ:ખ અનુભવી રહ્યો છું'- દુ:ખી પોતાની ઓળખ છે અને દુ:ખ અનુભવવું એ એક લાગણી માત્ર છે !

ઘણા લોકો પરફેકશન-સંપૂર્ણતાના આગ્રહી હોય છે. આ લોકોના જીવનમાં સંતોષ-શાંતિની સરખામણીએ સંપૂર્ણતા તરફની ઘેલછા વધુ હોય છે. વાસ્તવમાં આ સંપૂર્ણતાના આગ્રહ પાછળ અધુરપ, અસ્વીકૃતિનો ડર છુપાયેલો રહે છે અને તે સરવાળે તેમના વિચારોમાં નકારાત્મકતા અને સેલ્ફ-ડાઉટના બીજ રોપે છે. અન્યની સરખામણી આ વ્યક્તિઓની હતાશ થવાની શક્યતાઓ વધુ રહે છે જે સરવાળે તેમનામાં નકારાત્મકતા વધારે છે. ઘણીવાર સંપૂર્ણતાના આગ્રહ સાથે 'જોઈએ'ની માનસિકતા પણ સંકળાયેલી જોવા મળે છે - 'મારે મજબૂત હોવું જોઈએ,' 'લોકોએ યોગ્ય રીતે વર્તવું જોઈએ,' 'જીવન ન્યાયી હોવું જોઈએ વગેરે.

 વાસ્તવિકતા આપણા આ 'જોઈએ'નું પાલન નથી કરતી હોતી અને પરિણામે મનમાં તણાવ અને ફ્રસ્ટ્રેશન પેદા થાય છે જે સરવાળે વિચારોને નકારાત્મકતા તરફ લઈ જાય છે.

ઘણી વ્યક્તિઓને પોતે જવાબદાર ના હોય તેવી બાબતમાં પણ અપરાધભાવ કે ગિલ્ટ અનુભવાની વૈચારિક આદત હોય છે. આ વ્યક્તિઓ પણ ન જોઈતી જવાબદારીઓ અને તેની પીડાઓ પોતાના શિરે લઈને મનમાં નકારાત્મકતા પોષતા હોય છે.

નેગેટિવ થિંકિંગ સાથે સંકળાયેલા આ 'કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ'ને કેવી રીતે દૂર કરવા ?! ઉપાય સાવ સરળ છે પરંતુ તેને અમલમાં મૂકવો એ પ્રયત્ન અને સાતત્ય માંગી લે તેવી વાત છે. તમારા વિચારોની ડાયરી બનાવો, તમારા વિચારોની પેટર્નની નોંધ લો અને દિવસ દરમિયાન એ પેટર્નના વિચારો પેદા થાય ત્યારે એના પ્રત્યે જાગૃત રહો. યાદ રાખો વિચારોથી છુટકારો મેળવવા તેને દબાવવાની કે કાબૂમાં લેવાની જરૂરત નથી હોતી, માત્ર તેના પ્રત્યેની જાગૃતિ અને તેને હેતુપૂર્વક અવગણવાથી જ ધીરે ધીરે આ કામ થઈ જાય છે પરંતુ, કમનસીબે આપણી પાસે એટલી ધીરજ, સાતત્ય અને આત્મવિશ્વાસ નથી !!

પૂર્ણવિરામ

મન શાંત હોવું એ નસીબ કે પરિસ્થિતિઓની અનુકૂળતા હોવાની વાત નથી, એ રોજિંદી પ્રેક્ટિસનું પરિણામ છે...