Business Plus: યુદ્ધ વિરામની જાહેરાતને પગલે બજદારમાં કરંટ! જ્વેલર્સ વર્તુળોમાં વેપારનો ધમધમાટ

- કોમોડિટી કરંટ
ગયા અઠવાડિયે યુદ્ધવિરામની ઘોષણા અને કમોસમી માવઠાને કારણે ખેડૂત- વ્યાપારી વર્ગમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળેલ છે. અમેરિકા- ઇરાન વચ્ચે સીઝફાયર કેટલું લાંબુ ટકે છે ? તે અનિશ્ચિતતાભર્યા માહોલમાં પણ નિકાસ ફરી ચાલુ થવાની ગણતરીએ બજારમાં ક્યાંક કરંટ રહ્યો હતો. ખાસ કરીને અખાત્રીજ નજીક હોવાથી સોના- ચાંદીમાં ઉઘડી રહેલી માંગને કારણે જ્વેલર્સ વર્તુળોમાં વેપારનો ધમધમાટ વધી રહ્યો છે. ધનતેરસ અને અખાત્રીજ બંને તહેવારોમાં મોટા વેપારનો આશાવદ વેપાર જગતમાં હોય છે. અખાત્રીજ માટે ગ્રાહકોએ બુકિંગની શરૂઆત કરી દીધી છે. સોના-ચાંદીની ઉંચી બજારોને કારણે ગત વર્ષની સરખામણીએ વેપાર ઓછા રહેશે તેવી ગણતરી છે. સોના- ચાંદીના બજારો સેન્ટ્રલ બેંકોની ખરીદી ઉપર હવે આધારિત થઈ ગયા છે. ઇરાન યુદ્ધ શરૂ થવા અગાઉ સોનાના ભાવો વૈશ્વિક સ્તરે લગભગ ૫૬૦૦ ડોલર પ્રતિ ઔંશની સૌથી ઉંચી સપાટીએ હતા ઉંચા ભાવોનો સૌથી મોટો ફાયદો ફ્રાંસ સરકારે ઉઠાવીને પોતાનું ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ બેંકમાં રાખેલું તમામ સોનું વેચીને લગભગ ૧૪.૭ અરબ ડોલરનો ફાયદો કર્યો છે. અમેરિકા તથા યુરોપિયન જર્મની, ફ્રાન્સ, ઇટલી જેવા દેશો પાસે સૌથી વધુ સોનું રિઝર્વ છે. મોટે ભાગે યુદ્ધ જેવા માહોલ સમયે સોના- ચાંદીની કિંમતી ધાતુઓની બજારમાં ભારે તેજી રહેતી હોય છે પરંતુ ઇરાન યુદ્ધ દરમિયાન ડૉલર મજબૂત રહેતા સોના-ચાંદી બજારને અપેક્ષિત સપોર્ટ રહ્યો નથી. જો કે, હાલમાં પણ લાંબા સમયની અવધિ માટે સોના-ચાંદી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ આજે પણ યથાવત્ છે. દેશમાં વર્તમાન સપ્તાહે સોનાના ૧૦ ગ્રામનો ભાવ ત્રણ સપ્તાહની ઉંચાઈએ રૂા. ૧.૫૩ લાખની અને ચાંદીના ભાવો ૨.૪૫ લાખની આસપાસ રહ્યા છે. ઉંચા ભાવે અખાત્રીજે કેવા વેપાર રહે તેની ઉપર નજર મંડાઈ છે.
દરમિયાન ગત સપ્તાહમાં રાજ્યમાં ઠેર ઠેર થયેલા માવઠા તેમજ વાવાઝોડાના કારણે રવિ પાકોમાં નુકસાની થતા ખેડૂત વર્તુળોમાં નારાજગી રહી હતી. યુદ્ધના કારણે નિકાસી કામકાજ લગભગ ઠપ્પ થયા છે ત્યારે લોકલ માંગને કારણે હાલમાં બજારોમાં થોડો ધમધમાટ ચાલી રહ્યો છે. ઊંઝા બજારમાં ભરબપોરે અચાનક વરસાદ ખાબકતાં રવિ પાકોમાં જીરૂ, વરીયાળી, રાયડો, ધાણા, અજમો, ઇસબગુલ, ઘઉં જેવા પાકો પલળી જતાં ગુણવત્તા બગડતા લાખોના નુકસાનની ભીતિ રહી છે. કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવ્યું છે કે, ઉંઝા બજારમાં આજકાલ દૈનિક એક બોરી ઉપરાંતનો માલ આવી રહ્યો છે. ડોમેસ્ટિક પાઇપ લાઇનો ખાલી હોવાથી બજારમાં ઉતરતો તમામ માલ વપરાઈ જાય છે. યુદ્ધ વિરામની જાહેરાતને પગલે નિકાસના કામકાજ ચાલુ થશે તેવી ગણતરીએ જીરા હાજરમાં ૧૦૦ રૂપિયા પ્રતિ મણે બજાર વધતા કરંટ રહ્યો હતો. જીરા વાયદામાં પ્રતિ કિલોએ રૂા ૧૧૫થી ૧૨૦ની આસપાસના બજાર છે નિકાસ બંધ હોવાથી સ્થાનિક સ્તરે જીરાના માલોનો ભરાવો થઈ રહ્યો છે. ખેડૂત વર્ગ પણ હાલમાં જીરાનું વેચાણ કરી માલોની રોકડી કરવામાં વ્યસ્ત છે. પ્રિમિયમ ક્વોલીટીના ભાવોમાં તેજી છે. ઊંઝા બજારમાં દૈનિક ૪૫થી ૫૦,૦૦૦ બોરીની આસપાસની જીરાની આવકો છે. જીરા સમાંતર ધાણામાં આ વર્ષે ઉત્પાદન ઓછું રહેતા હાલમાં સ્ટોકિસ્ટો, સ્થાનિક તથા વિદેશી વેપારો માટેની ઘરાકી રહેતા ભાવોમાં નોંધપાત્ર તેજી રહી છે. ધાણામાં મજબૂત ડિમાન્ડને કારણે વાયદામાં લગભગ ૬૭ ટકા અને હાજરમાં ૫૦ ટકા બજારો ઉંચી છે. ભવિષ્યમાં વિદેશથી ધાણાની આયાત મોટા પ્રમાણમાં થાય ત્યારે ધાણા બજાર નીચે આવે તેમ છે. વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ દરમ્યાન ધાણાની આવકો લગભગ ૧૨૦ લાખ બોરી આસપાસ હતા. જે વર્ષ ૨૦૨૪- ૨૫ દરમ્યાન ઘટીને ૧૧૦ લાખ બોરી અને આ વર્ષે ઘટીને ૯૫થી ૯૭ લાખ બોરી આસપાસ રહેતા ધાણા બજારમાં નોંધપાત્ર તેજીનો ચમકારો છે.

