Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Are you a cynic? Know that there are 4 types of criticism!

Shatdal: શું તમે નિંદારસિક છો? જાણો, ટીકાના પણ 4 પ્રકાર છે!

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal: શું તમે નિંદારસિક છો? જાણો, ટીકાના પણ 4 પ્રકાર છે!
સોર્સ : GSTV

- એક જ દે ચિનગારી

App Store

- શશિન્

ટીકાના ચાર પ્રકાર છે. ૧.સત્યના અંશવાળી ટીકા ૨. અન્યાયી ટીકા ૩. ભ્રામક ટીકાઓ ૪. ઉશ્કેરાત્મક ટીકાઓ.

હકીકતમાં ટીકાખોર કરતાં ટીકાનો ભોગ બનનારે વધારે સંયમી થવાની જરૂર છે. કારણ કે ટીકાખોર ટીકાનો ભોગ બનનારના ઉશ્કેરાટનો લાભ લેવા આતુર હોય છે. તે તક શોધતો હોય છે.  આમેય દરેક માણસ વધતા-ઓછા અંશે ટીકા રસિક હોય છે. પોતાની ટીકા સહી ન શકનાર માણસ ટીકાખોર સ્વૈરવિહારીઓની જાનમાં વગર આમંત્રણે જોડાઈ જતો હોય છે. એટલે ટીકાનો ભોગ બનનારે જાતને પૂછવા જેવો પહેલો સવાલ એ છે કે જો હું બીજાની ટીકા કરવાનો અબાધિત અધિકાર ભોગવવા તત્પર હોઉં તો બીજો પણ એવો અધિકાર ભોગવે એમાં મને વાંધો લેવાનો અધિકાર ખરો ?

ટીકાનાં તીરને બુઠ્ઠાં બનાવી દેવા માટે ચારિત્ર્ય જોઈએ. ટીકા કે નિંદા એ 'કામબાણ' છે. નિંદામાં રહેલા તથ્યને તપાસવું એ 'શાણપણ છે, નિંદાથી ઉશ્કેરાઈ જવું એ ગાંડપણ છે. અને નિંદાને હસી કાઢી આત્મસુધારણા માટે અંદરથી જાગૃત થવું એ ડહાપણ છે.

તો શું ટીકા કે નિંદાને ચૂપચાપ સહન કરી બેસી રહેવું જોઈએ ? જી, ના પ્રથમ પગલું છે નિંદાનો જવાબ આપ્યા વગર નિંદાનું વિશ્લેષણ કરવું. શાંતપણે સ્વસ્થ રીતે નિંદામાં સત્યનો અંશ કેટલો છે, તે અંગે તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરવું અને એવું મૂલ્યાંકન કરતાં એમાં સચ્ચાઈનો અંશ હોય તો ખુલ્લા દિલે એકરાર કરવો. નિંદાનો ભોગ બનનારે નફ્ફટ બનવાની જરૂર નથી. રાજકારણીઓને એવી ટેવ પડી ગયેલી હોય છે. તેઓ ડાઘને 'આભૂષણ' ગણી તેની પરવા કરતા નથી.

કોઈ તમારા ચારિત્ર્યને હણવાની કોશિશ કરે ત્યારે એના ચારિત્ર્યને હણવાની વળતી કોશિશ કરવી એ એક પ્રકારની કાયરતા છે.

આત્મસંયમની બાબતમાં સાચું જ કહેવાયું છે કે આપણી અપૂર્ણ કે ટીકાગ્રસ્ત દશામાં આપણી શક્તિ ઘટી ગઈ હોય ત્યારે એક વિસાત વગરની વાતથી ગુસ્સે થવું અથવા ઉશ્કેરાઈ જવું એ કદાચ સ્વાભાવિક વાત છે, પણ આપણને જે ગુસ્સો ઉત્પન્ન થયો હોય એને વાણીમાં શા માટે ઉતારવો ?

વાણી એકવાર ઉચ્ચારવામાં આવી એટલે તેનું સ્મરણ થયા કરે છે. તે પાકેલા ગૂમડાની પેઠે વેદના કર્યા કરે છે. અથવા ઝેરીલા બાણની જેમ ડંખ્યા કરે છે. જો એકાદ બાળક રોતું હોય અથવા એકાદ મિત્ર સ્વચ્છંદપણે તમારી ટીકા કરતો હોય અથવા એકાદ નોકર આજ્ઞા ન પાળતો હોય તો સંભાળપૂર્વક બોલજો. જ્યારે ક્રોધ ચઢ્યો હોય તે સમયે બોલશો નહીં, કારણ કે તે સમયે અવશ્ય વધારે પડતું બોલી જવાશે. અશાંતિના સમયમાં તમને ન રુચે એવું અને પાછળથી પસ્તાવું પડે એવું તમે બોલી દેશો. એટલે નિંદા સાંભળ્યા બાદ તમે શાંત, સ્થિર અને સ્વસ્થ ન થાઓ ત્યાં સુધી બિલકુલ બોલશો નહીં.

કેટલાક ચિંતકોના મંતવ્યો આ સંદર્ભે ધ્યાનમાં લેવા જેવાં છે. બલ્વર કહે છે : ''અહો, લોકોની દુષ્ટતા તો જુઓ ! કામ કરનારની નિંદા કરવાનો માણસનો ક્રૂર સ્વભાવ તો જુઓ. બે નવરા માણસો કે જેમનું તેમણે કાંઈ બગાડયું ન હોય તેની તેઓ નિંદા કરે છે, ત્યારે જાણે દાવાનળ જેવો બીજો અગ્નિ જ સળગાવે છે, કે જે શાથી સળગ્યો તે કોઈ જાણતું નથી.''

બીચરના મતે ''જ્યારે જે હાજર ન હોય એવા માણસની વાત કરવામાં આવે ત્યારે કેટલાક તેને વિષે 'સુવર્ણમય' વચનો કહે છે, કેટલાક 'લોહમય' અને કેટલાક 'સીસા' જેવાં તો કેટલાક ધૂળ જેવાં વચનો બોલે છે, કારણ કે તેઓ સ્વાભાવિક રીતે જ દુર્ગુણ પ્રત્યે આકર્ષાય છે અને એમ માને છે કે તેમનામાં સૂક્ષ્મ અવલોકન શક્તિ છે. બીજાના દોષોની માળા બનાવી તેના મણકા ફેરવ્યા કરવા એ શેતાની કામ છે. તમે શેતાનના સ્વભાવનું બારીક નિરીક્ષણ કરશો તો તમે પણ તેના જેવા જ બની રહેશો.''

કબીરના શબ્દોમાં કહીએ તો 'નિંદક નિયરો રખિયે'-ની ભાવનામાં એ માનતા હતા. નિંદકની નિંદાથી આપણને આત્મસુધારણાની તક મળે છે. એક ચિંતકે આપેલી સલાહ મુજબ આપણે યાદ રાખવું જોઈએ કે 'કોઈ માણસની નિંદા સાંભળો તો તેનો અર્ધો ભાગ જ સાચો માનજો અને જો કોઈના વખાણ સાંભળો તો એમ માનજો કે તે માણસ તેથી પણ બમણા માનને પાત્ર છે.'

માણસમાં એટલી નૈતિક હિંમત હોવી જોઈએ કે પોતાનો શુદ્ધ દ્રષ્ટિકોણ રજૂ કરી ટીકાખોર કે નિંદકને તેનો પ્રતિભાવ આપે. ક્યારેક ટીકાની ભોગ બનેલી વ્યક્તિઓ આવી નિખાલસતાને કારણે શત્રુ મટી મિત્ર બની ગયાના દાખલા પણ જોવા મળે છે.

ઘણીવાર માણસો પોતાનાં સત્કાર્યોનાં વખાણ કરી બીજા લોકો તેવા સત્કર્મમાં પ્રવૃત્ત ન હોય તો તેની બીજાને નોંધ લેવડાવી પોતાના અહંને સંતુષ્ટ કરવાની કોશિશ કરતાં હોય છે.

ધંધો હોય કે ઉદ્યોગ, અંગત જીવન હોય કે સામાજિક જીવન, ઉદાત્ત અને ઝિંદાદિલ ટીકાકારો સામાજિક સ્વાસ્થ્ય સુધારે છે. માણસને નથી આવડતું ઝિંદાદિલ દુશ્મન બનતાં કે નથી આવડતું નમકહલાલ મિત્ર બનતા. મૈત્રીને ટીકા કે નિંદાથી મુક્ત રાખવી એ મૈત્રીને ચિરંજીવી રાખવાની અનિવાર્ય શરત છે.

વિદ્વાનોએ જુદા જુદા રસો પર આફરીન થઈને તેમની પર શ્રેષ્ઠત્વનો સિક્કો મારી દીધો છે. જેમકે શૃંગાર રસ, કરુણરસ, હાસ્યરસ, અદ્ભૂત રસ વગેરે....

પણ બધાંને ટપી જાય એવો શ્રેષ્ઠ રસ જે આમજનતાથી માંડીને પંડિતો સુધી પંકાયેલો હોય, રાજકારણીઓ હોય કે આબાલવૃદ્ધ સૌની રુચિને સમાન રીતે આકર્ષનારો જો કોઈ રસ હોય તો તે નિંદારસ છે. વિશ્વનો પ્રત્યેક નાગરિક જેનાથી પર રહી શકતો નથી, એવો વિશ્વવ્યાપી રસ હોય તો તે છે નિંદારસ.

માણસ માટે ખુશ રહેવાનાં કે થવાનાં અનેક ક્ષેત્રો છે, પણ એ સઘળાં પૈકી નિંદામાંથી માણસ જેવો અને જેટલો રસ મેળવવામાં તન્મય બને છે, તેવો અને તેટલો રસ એને અન્ય ક્ષેત્રોમાંથી મળ્યાનો સંતોષ કદાચ નહીં થતો હોય.

માણસ પ્રશંસા સાંભળવામાં ક્ષણનો વિલંબ કરી શકે પણ નિંદા સાંભળવામાં એક સેકન્ડનોય વિલંબ સહી શકતો નથી. નિંદાના મરીમસાલા વગર લોકોને એમ લાગ્યા કરે છે કે વાતચીતની વાનગી જામતી નથી. માણસાઈ નો દુષ્કાળ પડે કે ન પડે, પણ નિંદનો દુષ્કાળ ક્યારેય પડવાનો નથી એની ગેરન્ટી.

માણસ કોની નિંદા કરે છે ? અજાણ્યાની ? જી, ના. એની નિંદાની પરિધિમાં સમાનાર માણસ કાં તો 'જિગરી' સાથી હોય છે કાં તો શત્રુ. તો પછી નિંદાનો નિવાસ ક્યાં ? નિંદા પાત્ર વ્યક્તિમાં કે નિંદક દ્રષ્ટિમાં ? નિંદક દ્રષ્ટિ જ વ્યક્તિને નિંદાપાત્ર કરાવે છે. એટલે નિંદા નિંદક વ્યક્તિના પ્રદૂષિત દ્રષ્ટિકોણનું કુફળ કહેવાય છે.

આજના જગતને જો તમે બળ્યું-જળ્યું માનતા હો અને માણસ પ્રત્યે સહેજ પણ કરુણા હોય તો મહેરબાની કરીને તમે તેને નિંદાબાણથી વીંધીને વધુ સંતપ્ત ન કરશો.

શું તમે નિંદારસિક છો ? જાતને પૂછવા જેવા છ પ્રશ્નો :

૧. શું અન્ય લોકો વિષે હું ખોટી અફવા ફેલાવું છું ?

૨. શું અન્ય લોકો માટે હું સારી વાતો કરું છું ?

૩. શું હું અન્ય લોકોના દોષો જોવામાં જ રસ ધરાવું છું ? એમના સદ્ગુણોને નજરઅંદાજ કરું છું ?

૪. શું હું અન્યની ખાનગી બાબતોને ખાનગી રાખી શકું છું ?

૫. શું હું અન્ય લોકો વિષે જે વાતો કરું છું તે વિષે અપરાધ ભાવ અનુભવું છું.

૬. શું હું મારી વાતચીતને કોઈને-કહેશો નહીં, જેવા વાક્યથી શરૂ કરું છું ?