3,389 ફૂટની ઊંચાઈ અને અનેક રાજવંશોના શાસનનો સાક્ષી: જાણો કઈ બાબતો લોહગઢ કિલ્લાને બનાવે છે ખાસ

લોહગઢ કિલ્લામાં કેતન અગ્રવાલના કમનસીબ મૃત્યુની ઘટના પછી આ ઐતિહાસિક સ્થળ અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. દરેક વ્યક્તિ આ રહસ્યમય કિલ્લા વિશે જાણવા માંગે છે. જો તમે પણ ઇતિહાસમાં રસ ધરાવો છો અથવા એડવેન્ચર પ્રેમી છો, તો આવો જાણી લો મહારાષ્ટ્રની શાન ગણાતા લોહગઢ કિલ્લા (Lohagad Fort) સાથે જોડાયેલી કેટલીક હેરાન કરી દે તેવી વાતો.
વાદળો સાથે વાતો કરતો 'આયર્ન ફોર્ટ'
મહારાષ્ટ્રની સુંદર સહ્યાદ્રિ પર્વતમાળાની વચ્ચે વસેલો લોહગઢ કિલ્લો ભારતના ઐતિહાસિક ગૌરવનો એક જીવતો-જાગતો પુરાવો છે. સમુદ્ર સપાટીથી 3,389 ફૂટની ઊંચાઈ પર આવેલો આ કિલ્લો 'Iron Fort' (લોખંડી કિલ્લો) તરીકે પણ ઓળખાય છે. સદીઓ જૂનો તેનો ઇતિહાસ અને અદભુત સ્થાપત્ય કલા આજે પણ પ્રવાસીઓ અને ટ્રેકર્સને પોતાની તરફ ખેંચે છે.
ઘણા સામ્રાજ્યોનો સાક્ષી રહી ચૂક્યો છે આ કિલ્લો
લોહગઢ કિલ્લાનો ઇતિહાસ ઘણો ઊંડો છે અને તે અનેક રાજવંશો સાથે જોડાયેલો છે. આ કિલ્લો સૌપ્રથમ 10મી સદીમાં 'લોહતમિયા રાજવંશ' દ્વારા બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સમય-સમય પર આ કિલ્લા પર ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, યાદવ, બહમની, નિઝામ, મુઘલ અને મરાઠા શાસકોએ રાજ કર્યું.
શિવાજી મહારાજનો દોર: વર્ષ 1648માં મહાન છત્રપતિ શિવાજી મહારાજે આ કિલ્લાની વ્યૂહાત્મક મહત્વતાને સમજીને તેના પર કબજો મેળવ્યો હતો. જો કે, 1665ની 'પુરંદરની સંધિ' હેઠળ તેમણે આ કિલ્લો મુઘલોને સોંપવો પડ્યો હતો, પરંતુ 1670૧૬માં શિવાજી મહારાજે તેને ફરીથી જીતી લીધો અને પોતાના સફળ સુરત અભિયાનમાંથી લાવેલા ખજાનાને સુરક્ષિત રાખવા માટે આ કિલ્લાનો ઉપયોગ કર્યો હતો.
પેશવા કાળ: પાછળથી પેશવા કાળ દરમિયાન પ્રખ્યાત રાજનેતા નાના ફડણવીસે અહીં આશ્રય લીધો હતો. તેમણે કિલ્લામાં પાણીની એક મોટી ટાંકી અને બાવડી (વાવ) બંધાવી હતી, જે આજે પણ મોજૂદ છે.
જૈન ધર્મ સાથે પણ છે કનેક્શન
સપ્ટેમ્બર 2019માં પુણેના ટ્રેકર્સના એક જૂથે કિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલી એક ગુફામાંથી જૈન બ્રાહ્મી લિપિમાં લખાયેલો એક શિલાલેખ શોધી કાઢ્યો હતો. આ શિલાલેખ બીજી અથવા પહેલી સદી ઈસવીસન પૂર્વેનો છે, જે દર્શાવે છે કે આ ગુફા ક્યારેક જૈન ધર્મનું એક પવિત્ર સ્થાન હતી.
અદભુત છે કિલ્લાની સ્થાપત્ય કલા
આ કિલ્લાની બનાવટ અને સૈન્ય ડિઝાઇન બેજોડ છે. કિલ્લામાં ચાર ભવ્ય પ્રવેશદ્વાર છે - ગણેશ દરવાજો, નારાયણ દરવાજો, હનુમાન દરવાજો અને મહા દરવાજો. આ તમામ આજે પણ ઘણા ખરા સુરક્ષિત છે અને તેના પર કરવામાં આવેલી શાનદાર કોતરણી જૂના સમયની ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કુશળતા દર્શાવે છે.
કિલ્લાનો સૌથી રોમાંચક ભાગ 'વિંચુ કાટા' (Vinchu Kada) છે, જેનો અર્થ થાય છે 'વીંછીની પૂંછડી'. આ કુદરતી રીતે બનેલો એક લાંબો અને સાંકડો ખડક છે જે કિલ્લાના મુખ્ય ભાગમાંથી બહારની તરફ નીકળેલો છે અને બિલકુલ વીંછીના ડંખ જેવો દેખાય છે. અહીંથી સહ્યાદ્રિની પહાડીઓનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે.
ટ્રેકિંગ માટે બહુ ચાલવાની જરૂર નથી
લોહગઢની ચઢાઈ રોમાંચક હોવાની સાથે-સાથે ઘણી સરળ પણ છે.
આનો સૌથી સરળ રસ્તો મલાવલી રેલ્વે સ્ટેશનથી શરૂ થાય છે, જે આશરે 10 કિલોમીટર દૂર છે. 2 થી 3 કલાકના આ ટ્રેકિંગ દરમિયાન રસ્તામાં પ્રાચીન 'ભાજા ગુફાઓ' પણ આવે છે.
જો તમે વધારે ચાલવા ન માંગતા હોવ, તો લોહગઢવાડી ગામથી કિલ્લાના બેઝ (તળિયા) સુધી પાકો રસ્તો પણ જાય છે, જે આખું વર્ષ ચાલુ રહે છે.
મુલાકાત લેવાનો સૌથી યોગ્ય સમય કયો?
ઓક્ટોબરથી માર્ચ: આ કિલ્લાની મુલાકાત માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન હવામાન ઠંડું અને ખુશનુમા હોય છે, અને ચોમાસા પછી આખી ખીણ લીલીછમ થઈ જાય છે.
જૂનથી સપ્ટેમ્બર: ચોમાસાની ઋતુમાં અહીં ઝરણાં વહેવા લાગે છે અને હરિયાળી જોવા જેવી હોય છે. જો કે, રસ્તાઓ થોડા લપસણા હોઈ શકે છે, તેથી ટ્રેકર્સે સાવચેતી રાખવી જોઈએ.
એપ્રિલથી મે: આ સમયે અહીં ખૂબ જ ગરમી અને બફારો હોય છે. જો તમે ઉનાળામાં જઈ રહ્યા હોવ, તો બપોરના તડકાથી બચવા માટે વહેલી સવારે અથવા મોડી સાંજે જવું વધુ સારું રહેશે.
નોંધ: વહેલી સવારે અથવા મોડી બપોરે કિલ્લા પર જવાથી તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના અદભુત નજારાનો આનંદ માણી શકો છો અને ભીડથી પણ બચી શકો છો.
લોહગઢ કેવી રીતે પહોંચવું?
મુંબઈ અને પુણેથી લોહગઢ પહોંચવું ખૂબ જ સરળ છે:
રોડ માર્ગ દ્વારા: તે મુંબઈથી આશરે ૧૦૦ કિમી અને પુણેથી ૬૦ કિમી દૂર છે. તમે મુંબઈ-પુણે એક્સપ્રેસવે દ્વારા લોનાવાલા થઈને બેઝ વિલેજ 'મલાવલી' પહોંચી શકો છો. લોનાવાલાથી ઓટો-રિક્ષા અને પ્રાઈવેટ ટેક્સી સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગ દ્વારા: સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન 'મલાવલી' છે, જે કિલ્લાથી માત્ર ૫ કિમી દૂર છે. જ્યારે 'લોનાવાલા રેલ્વે સ્ટેશન' અહીંથી ૧૦ કિમી દૂર છે. તમે લોનાવાલાથી મલાવલી માટે લોકલ ટ્રેન પકડી શકો છો. મલાવલીથી કિલ્લા સુધીનો ૫ કિમીનો રસ્તો ખૂબ જ સુંદર છે.
હવાઈ માર્ગ દ્વારા: પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌથી નજીકના એરપોર્ટ છે.

