Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Entry is Banned for Foreign Nationals in these places of India

ભારતમાં એવા સ્થળો જ્યાં વિદેશી નાગરિકો માટે પ્રવેશ પર છે પ્રતિબંધ, અલગથી લેવી પડે છે પરવાનગી

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ભારતમાં એવા સ્થળો જ્યાં વિદેશી નાગરિકો માટે પ્રવેશ પર છે પ્રતિબંધ, અલગથી લેવી પડે છે પરવાનગી
સોર્સ : GSTV

આપણો દેશમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ વિવિધ સ્થળોને એક્સપ્લોર કરવા પહોંચે છે. મોટાભાગના આપણી વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કૃતિના પ્રશંસક છે. કોઈપણ દેશમાં મુસાફરી કરવા માટે જરૂરી બે સૌથી મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ વિઝા અને પાસપોર્ટ છે, તેમ છતાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ખાસ પરવાનગીની જરૂર પડે છે. તેવી જ રીતે ભારતમાં કેટલીક જગ્યાઓ વિદેશી પ્રવાસીઓને સીધી એન્ટ્રી નથી મળતી. તેની પાછળ સુરક્ષા અને રાજકીય કારણો જવાબદાર છે. આ વિસ્તારો ઘણીવાર આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક અથવા સંરક્ષિત આદિવાસી વિસ્તારોની અંદર સ્થિત હોય છે. આજે અમે તમને આવા ક કેટલાક સ્થળો વિશે જણાવીશું.

App Store

ઘણી જગ્યાએ સ્થાનિક સંસ્કૃતિ, સંસાધનો અને રહેવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાઓ વિદેશી નાગરિકો માટે પ્રતિબંધિત છે. અન્ય રાજ્યોના ભારતીય નાગરિકોને પણ પ્રવેશ માટે ખાસ પરવાનગીની જરૂર પડે છે. તો ચાલો તે સ્થળો વિશે જાણીએ.

ચકરાતા

જ્યારે પર્વતીય વિસ્તારોની વાત આવે છે, ત્યારે ઉત્તરાખંડ મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષે છે. દેહરાદૂન જિલ્લામાં સ્થિત ચકરાતા એક સુંદર હિલ સ્ટેશન છે. ગાઢ પાઈન જંગલોથી લઈને પર્વતો અને ધોધ સુધી આ સ્થળ કુદરતી સૌંદર્યનો ખજાનો છે. ચકરાતા એક છાવણી વિસ્તાર છે. ભારતીય નાગરિકો ખાસ પરવાનગી વિના અહીંની મુલાકાત લઈ શકે છે, પરંતુ તેઓએ પોતાનું મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડ સાથે રાખવું પડશે. જ્યારે વિદેશી નાગરિકોએ મુલાકાત લેવા માટે પરવાનગી લેવી પડશે. જો તેઓ આમ કરે તો પણ તેમને ત્યાં રહેવાની પરવાનગી નથી મળતી.

અરુણાચલ પ્રદેશ

ભારતનું ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પણ એક એવી જગ્યા છે જ્યાં વિદેશી નાગરિકોએ પરવાનગી લેવી પડે છે, જેને પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (PAP) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળને "ઉગતા સૂર્યની ભૂમિ" તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીયોએ પણ અહીં ઈનર લાઈન પરમિટ (ILP) લેવી પડે છે. આ માટે તમે ભારત સરકાર દ્વારા માન્ય ટૂર ઓપરેટરનો સંપર્ક કરી શકો છો, જેના માટે ચોક્કસ ડોક્યુમેન્ટની જરૂર હોય છે. અહીં પણ વિદેશી નાગરિકોને ચોક્કસ વિસ્તારોની મુલાકાત લેવાની પરવાનગી નથી મળતી.

લદ્દાખ

બરફથી ઢંકાયેલા પર્વતો, ઊંડી ખીણો, સાફ પાણીના તળાવો અને પ્રાચીન મઠો માટે જાણીતું લદ્દાખ દરેક પ્રકૃતિ પ્રેમીની બકેટ લિસ્ટમાં છે. દરેક વ્યક્તિ અહીં મુલાકાત લેવા ઈચ્છે છે. જો તમે ભારતીય હોવ તો પણ તમારે અહીંની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટ લેવી પડે છે, જ્યારે વિદેશી પ્રવાસીઓએ પ્રોટેક્ટેડ એરિયા પરમિટ લેવી પડે છે.

મિઝોરમ

ભારતનું મિઝોરમ રાજ્ય પણ એક સરહદી રાજ્ય છે અને તેથી વિદેશી નાગરિકોને અહીં મુલાકાત લેવા માટે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (PAP) ની જરૂર પડે છે. પરમિટ વિના પકડાયેલા લોકોને ભારે દંડ અને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ભારતીયોએ પણ ઈનર લાઇન પરમિટ લેવી જરૂરી છે. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાથી લઈને વસ્તી વિષયક સંતુલન જાળવવા, જમીન અને સંસાધનોનું રક્ષણ કરવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં કડક નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે.

સિક્કિમ

સિક્કિમમાં લીલીછમ ખીણો તમને આનંદની એક અનોખી ભાવનાથી ભરી દે છે. હિમાલયના અદ્ભુત લેન્ડસ્કેપ્સથી લઈને ક્રિસ્ટલ ક્લિયર તળાવો સુધી આ સ્થળ સ્વર્ગ જેવું છે. તે નેચર અને એડવેન્ચર લવર્સ માટે એક પરફેક્ટ સ્થળ છે. અન્ય રાજ્યોના ભારતીયોએ અહીંની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડે છે અને વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિટની જરૂર પડે છે, જેના માટે સરકારી ટ્રાવેલ એજન્સી દ્વારા અરજી કરી શકાય છે.

નાગાલેન્ડ

નાગાલેન્ડ ભારતના કેટલાક એવા સ્થળોમાંનું એક છે જે તેની કુદરતી સુંદરતા અને અનોખી સંસ્કૃતિ માટે જાણીતા છે. સરકારે વિદેશી પ્રવાસીઓ માટે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (PAP) ફરજિયાત બનાવી છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે અને અહીં પ્રવેશ પર 24 કલાકની અંદર ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર (FRO) અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. કેટલાક દેશોના નાગરિકોને ગૃહ મંત્રાલયની પરવાનગી લેવાની જરૂર પડે છે.

અહીં પણ પરમિટ જરૂરી છે

આ રાજ્યો ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ માટે પરમિટ જરૂરી છે. કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં બહારના લોકોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. વધુમાં, જમ્મુ અને કાશ્મીરના અમુક ભાગોને એક્સપ્લોર કરવા માટે પરમિટ જરૂરી છે. સિયાચીન ગ્લેશિયર અને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે પરવાનગી જરૂરી છે. આ બધા સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ અથવા રિસ્ટ્રિક્ટેડ એરિયા પરમિટ જરૂરી છે.