Relationship Tips : ડિવોર્સની અરજી કરતા પહેલા આ જરૂર વાંચો: તૂટતા લગ્નસંબંધોને બચાવવાની 'માસ્ટર કી'

આજકાલ જ્યાં જુઓ ત્યાં સંબંધો તૂટવાના સમાચાર જ સામે આવી રહ્યા છે. આવા વાતાવરણમાં પરિણીત લોકોના મનમાં પોતાનો સંબંધ તૂટી જવાનો ડર બેસી ગયો છે. આમ તો લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ કે મુશ્કેલીઓ આવવી સામાન્ય બાબત છે, પરંતુ જો સમય રહેતા તેના કારણો સમજી લેવામાં આવે, તો સંબંધને તૂટતો બચાવી શકાય છે. નિષ્ણાતોના મતે લગ્નજીવનમાં આવતી મોટાભાગની સમસ્યાઓ પાછળ કેટલાક સામાન્ય કારણો જવાબદાર હોય છે. ચાલો જાણીએ લગ્નજીવનમાં સમસ્યાઓના 6 સામાન્ય કારણો અને તેના ઉકેલ:
1. વાતચીતનો અભાવ
જ્યારે પતિ-પત્ની એકબીજા સાથે ખુલીને વાત નથી કરી શકતા, ત્યારે ગેરસમજો વધવા લાગે છે.
ઉકેલ: દરરોજ થોડો સમય એકબીજા સાથે શાંતિથી વાત કરો. સામેવાળી વ્યક્તિની વાત વચ્ચે અટકાવ્યા વગર પૂરી સાંભળો અને ગુસ્સામાં વાત કરવાનું ટાળો.
2. વિશ્વાસનો અભાવ
શંકા, જૂઠ કે વાતો છુપાવવાની આદત સંબંધને અંદરથી નબળો પાડે છે.
ઉકેલ: તમારા સંબંધમાં હંમેશા પ્રામાણિકતા રાખો. નાની-નાની વાતો છુપાવવાનું બંધ કરો અને સૌથી મહત્વની વાત, એકબીજાને પૂરતી 'પર્સનલ સ્પેસ' આપો.
3. પૈસા બાબતે તણાવ
ખર્ચ, બચત અને કમાણીને લઈને થતા ઝઘડા આજના સમયમાં ખૂબ જ સામાન્ય છે.
ઉકેલ: પતિ-પત્નીએ સાથે મળીને ઘરનું બજેટ બનાવવું જોઈએ. દરેક ખર્ચ પર ખુલીને ચર્ચા કરો અને નાણાકીય બાબતના મોટા નિર્ણયો હંમેશા સાથે મળીને લો.
4. એકબીજાને સમય ન આપવો
કામ અને જવાબદારીઓની દોડધામમાં ઘણીવાર સંબંધ પાછળ છૂટી જાય છે.
ઉકેલ: બને તેટલો એકબીજા સાથે 'ક્વોલિટી ટાઇમ' વિતાવો, નાની-નાની સરપ્રાઈઝ આપો. જ્યારે સાથે હોવ ત્યારે ફોનથી દૂર રહીને એકબીજાને પૂરો સમય આપો.
5. અપેક્ષાઓનું ભારણ (વધુ પડતી આશાઓ)
અવાસ્તવિક અને વધુ પડતી આશાઓ હંમેશા નિરાશાને જન્મ આપે છે.
ઉકેલ: સૌથી મહત્વનું એ છે કે તમે એકબીજાની મર્યાદાઓને સમજો. સામેવાળી વ્યક્તિ 'પરફેક્ટ' જ હોય તેવી આશા ન રાખો અને એકબીજાની નાની-નાની બાબતોમાં પ્રશંસા કરતા શીખો.
6. સન્માનનો અભાવ
વારંવારના મેણા-ટોણા, અપમાન અથવા એકબીજાની અવગણના સંબંધને તોડી નાખે છે.
ઉકેલ: પતિ-પત્નીએ હંમેશા એકબીજા સાથે સન્માનજનક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર સ્થળ હોય કે અંગત જીવન, હંમેશા આદર આપો. મતભેદ હોય તો પણ એકબીજાની ગરિમા જાળવી રાખો.

