VIDEO: ભારતમાં બીજા લગ્નનો વધતો ક્રેઝ, પાર્ટનરમાં શોધી રહ્યા છે આ એક ખાસ ગુણ
ભારતમાં લગ્ન હવે માત્ર એક પરંપરા નથી, પરંતુ કરિયર અને માનસિક તૈયારી પછી લેવામાં આવતો એક મહત્ત્વનો નિર્ણય બની ગયો છે. તાજેતરના અહેવાલ મુજબ, લગ્નની સરેરાશ ઉંમર વધીને 29 વર્ષ થઈ ગઈ છે. આ સાથે જ, બીજી વખતના લગ્ન (રીમેરેજ) ને લઈને સામાજિક માન્યતાઓ તૂટી રહી છે અને લોકો જાતિ કરતા પરસ્પર સમજણને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.
લગ્નને લઈને હવે ભારતીયોની વિચારધારામાં મોટો બદલાવ આવ્યો છે. જે સમાજમાં લગ્નને સૌથી અનિવાર્ય માનવામાં આવતું હતું, ત્યાં હવે તેને કરિયર અને નોકરી પછીનું સ્થાન આપવામાં આવે છે. યુવક હોય કે યુવતી, દરેક વ્યક્તિ પહેલા પોતાનું કરિયર બનાવવા માંગે છે અને ત્યારબાદ જ લગ્ન વિશે વિચારે છે. એક મેટ્રિમોનિયલ પ્લેટફોર્મના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લગ્નની સરેરાશ ઉંમરમાં મોટો ફેરફાર થયો છે અને બીજી વખતના લગ્નને લઈને પણ લોકોનો દ્રષ્ટિકોણ હવે સામાન્ય બન્યો છે.
રિપોર્ટ અનુસાર, 10 વર્ષ પહેલા ભારતીય યુવાનો માટે લગ્નની સરેરાશ ઉંમર 27 વર્ષ હતી, જે હવે વધીને 29 વર્ષ થઈ ગઈ છે. આ પાછળના મુખ્ય કારણો કરિયર, આર્થિક મજબૂતી અને માનસિક તૈયારી છે.
29ની ઉંમરે શરૂ થઈ રહી છે પાર્ટનરની શોધ
અડધાથી વધુ સિંગલ્સ હવે 29 વર્ષની ઉંમરે પોતાના માટે પાર્ટનર શોધવાનું શરૂ કરે છે. પહેલાના સમયમાં બાળકો 18 વર્ષના થતા જ માતા-પિતા લગ્નની તૈયારીઓ શરૂ કરી દેતા હતા, પરંતુ હવે 29 વર્ષની ઉંમરે લગ્ન વિશે વિચારવું એ દર્શાવે છે કે લગ્ન હવે ઉતાવળિયો નિર્ણય નથી, પરંતુ સમજી-વિચારીને લેવામાં આવતું પગલું છે.
બીજી વખતના લગ્નમાં 43% નો વધારો
માત્ર લગ્નની ઉંમર જ નથી વધી, પણ બીજી વખતના લગ્નના કિસ્સાઓમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ:
બીજી વખતના લગ્નના કેસમાં 43 ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ 2016માં 11 ટકા લોકો બીજી વખતના લગ્ન માટે જીવનસાથી શોધતા હતા, જે 2025માં વધીને 16 ટકા થઈ ગયા છે.
બીજી વખતના લગ્નને લઈને તૂટી માન્યતાઓ
પહેલાના સમયમાં લગ્ન તૂટવા એ સમાજમાં મોટી વાત ગણાતી હતી અને ફરીથી લગ્ન કરવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે દર 6 સફળ લગ્નોમાંથી એક લગ્ન 'રીમેરેજ' હોય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, છૂટાછેડા લીધેલ પ્રોફાઇલમાં રસ દાખવનારાઓમાં 15 ટકા એવા લોકો છે જેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. આ દર્શાવે છે કે બીજી વખતના લગ્ન પ્રત્યેના સામાજિક કલંકો હવે ભૂંસાઈ રહ્યા છે.
લગ્નમાં 'કમ્પેટિબિલિટી' સૌથી જરૂરી
પહેલા લગ્નમાં જાતિને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું, પરંતુ હવે 90 ટકા લોકોનું માનવું છે કે યોગ્ય સ્વભાવ અને પરસ્પર સમજણ ધરાવતો પાર્ટનર મળવો એ ઉંમર કે કમાણી કરતા વધુ જરૂરી છે.
2016માં 91 ટકા લોકો જાતિને જરૂરી માનતા હતા, જે 2025 સુધીમાં ઘટીને 54 ટકા રહી ગયા છે.
મેટ્રો શહેરોમાં તો આ આંકડો ઘટીને 49 ટકા પર આવી ગયો છે.

