Gift Ideas / મિત્રને લગ્નમાં શું ગિફ્ટ આપવી તે અંગે મૂંઝવણમાં છો? તો આ રહ્યા કેટલાક વિકલ્પો

જો વેડિંગ સિઝનમાં તમારા મિત્રના લગ્ન પણ થઈ રહ્યા છે, તો તમે કદાચ તૈયારીઓ શરૂ કરી દીધી હશે. આમાં કપડા અને અન્ય વસ્તુઓની ખરીદીનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ દિવસ ખાસ રહે. જોકે, ઘણા લોકો તેમના મિત્રને તેના લગ્નમાં શું ગિફ્ટ આપવી તે અંગે પણ મૂંઝવણમાં હોય છે. મોટાભાગના લોકો રોકડા રૂપિયા આપે છે. જોકે, તમે તમારા મિત્રને કંઈક અનોખી ગિફ્ટ આપી શકો છો.
જો તમે પણ તમારા ઓફિસના સહકર્મચારી અથવા કોઈ મિત્રને તેના લગ્નમાં શું ગિફ્ટ આપવી તે અંગે મૂંઝવણમાં છો, તો અહીં કેટલાક અનોખા અને બજેટ ફ્રેંડલી ગિફ્ટ આઈડિયા છે જે તમારા ખાસ મિત્ર માટે યોગ્ય રહેશે.
પર્સનલાઈઝ્ડ ગિફ્ટ બોક્સ
આજકાલ પર્સનલાઈઝ્ડ ગિફ્ટ ખૂબ જ લોકપ્રિય છે. તમે તમારા મિત્રની પસંદગીઓ અનુસાર કસ્ટમ બોક્સ બનાવી શકો છો, જેમાં તમારા મિત્ર અને તેના પાર્ટનરનું નામ, ફોટો અને લગ્નની તારીખ લખેલી હોય. તમે એક કસ્ટમ મેમરી જાર આપી શકો છો, જેમાં તેના નજીકના મિત્રો દ્વારા લખેલી નાની-નાની નોટ્સ હોય. આ સિવાય તમે તેણે સ્ક્રેપબુક પણ આપી શકો છો, જેમાં તમારા મિત્રની લવ સ્ટોરીની ઝલક હોય. આવી ગિફ્ટ ઈમોશનલ ટચ ઉમેરશે.
કપલ એક્સપિરિયન્સ વાઉચર
તમારા મિત્ર અને તેના પાર્ટનરને કપલ એક્સપિરિયન્સ વાઉચર પણ આપી શકો છો. ઉદાહરણ તરીકે, ફાઈવ-સ્ટાર રિસોર્ટમાં કપલ સ્પા અથવા ડિનર વાઉચર, લગ્ન પછીના તેમના ગેટવે માટે ટ્રાવેલ પ્લાન અને રોમેન્ટિક ડિનર અથવા વીકએન્ડ ગેટવે માટે પેકેજ એવી ગિફ્ટ હશે, જે તેમને ચોક્કસ ગમશે અને તેમના સંબંધને મજબૂત બનાવવામાં મદદ કરશે.
હોમ ડેકોર
નવા લગ્ન પછી કપલ ઘણીવાર તેમના ઘરને નવું રૂપ આપવાનું વિચારે છે. તમે તેમને હોમ ડેકોરની વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો જેમ કે તેમના બંને નામ સાથેની નેમ પ્લેટ, તેમના ફોટાવાળું વોલ આર્ટ અથવા એક સુંદરહોમ ડેકોરની વસ્તુ જે તેઓ તેમના ઘરમાં રાખી શકે.
ગોલ્ડ અથવા સિલ્વરની જ્વેલરી
તમારા બજેટના આધારે તમે તમારા મિત્ર અથવા તેના પાર્ટનર માટે ગોલ્ડ અથવા સિલ્વર જ્વેલરી ખરીદી શકો છો. તમે તમારા બજેટ મુજબ સિલ્વર રિંગ, ઇયરરિંગ્સ અથવા બ્રેસલેટ શોધી શકો છો. આ સિવાય અન્ય મિત્રો સાથે મળીને તમે ગોલ્ડ જ્વેલરી પણ ગિફ્ટ કરી શકો છો.
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ
તમે તમારા મિત્રને ઘરગથ્થુ વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો, જેમ કે માઈક્રોવેવ, મિક્સર ગ્રાઈન્ડર, ટોસ્ટર, એર ફ્રાયર, બ્લેન્ડર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ. બજારમાં તમને તમારા બજેટ મુજબ આવી વસ્તુઓ મળી જશે. બે કે તેથી વધુ લોકો સાથે મળીને પણ આવી વસ્તુ ગિફ્ટમાં આપી શકો છો.

