Recipe / સલાડ કે શાક જ નહીં, નાસ્તામાં ટ્રાય કરો ગાજરના પરોઠા; આ રહી બનાવવાની રીત

સોર્સ : GSTV
જ્યારે પણ આપણે ગાજરનું નામ સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલા ગાજરનો હલવો અથવા સલાડ યાદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાજરમાંથી બનાવેલ ખારા અને મસાલેદાર પરોઠા તમારા સવારના નાસ્તાનો આનંદ બમણો કરી શકે છે? જો તમે દરરોજ એક જ જેવા પરોઠા ખાઈને કંટાળી ગયા છો, તો તમે આ વખતે ગાજરના પરોઠા અજમાવી શકો છો.
ગાજરના પરોઠા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તેમાં વિટામિન A અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સૌથી સારી વાત એ છે કે, બાળકોને પણ તે ખૂબ પસંદ આવશે. આજે અમે તમને તેની રેસીપી જણાવીશું.
સામગ્રી
કણક માટે
- ઘઉંનો લોટ: 2 કપ
- મીઠું: એક ચપટી
- તેલ/ઘી: 1 ચમચી
- પાણી: જરૂર મુજબ
સ્ટફિંગ માટે
- ગાજર: 3-4 મધ્યમ કદના (લાલ ગાજર શ્રેષ્ઠ રહેશે)
- લીલા મરચા: 2 (બારીક સમારેલા)
- આદુ: 1 નાનો ટુકડા (છીણેલું)
- કોથમરી: 1/2 કપ (બારીક સમારેલા)
- અજમો: 1/2 ચમચી (હાથથીવાટેલો)
- લાલ મરચું પાવડર: 1/2 ચમચી
- ગરમ મસાલો: 1/2 ચમચી
- આમચુર પાવડર અથવા ચાટ મસાલો: 1 ચમચી
- મીઠું: સ્વાદ મુજબ
- ઘી/તેલ: પરાઠા શેકવા માટે
બનાવવાની રીત
- સૌપ્રથમ, એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં એક ચપટી મીઠું અને એક ચમચી તેલ ઉમેરો.
- હવે, થોડું થોડું પાણી ઉમેરો અને નરમ કણક તૈયાર કરો. કણકને ઢાંકી દો અને 15-20 મિનિટ માટે રહેવા દો.
- આ પછી ગાજરને સારી રીતે ધોઈ લો પછી છોલી અને છીણી લો.
- હવે છીણેલા ગાજરમાં થોડું મીઠું ઉમેરો અને 5 મિનિટ માટે રહેવા દો.
- 5 મિનિટ પછી ગાજરને તમારી હથેળીઓ વચ્ચે દબાવીને બધુ પાણી નિચોવી લો. (આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પરોઠા વણતી વખતે ફાટી જશે).
- હવે ગાજરમાં લીલા મરચા, આદુ, કોથમરી, અજમો, લાલ મરચું, ગરમ મસાલો અને આમચુર પાવડર ઉમેરો.
- આ મિશ્રણને ચાખ્યા પછી મીઠું ઉમેરો, કારણ કે ગાજરમાં પહેલાથી જ મીઠું ઉમેર્યું છે.
- હવે પરોઠું બનાવવા માટે કણકમાંથી એક લુઓ લઈને તેણે વણી લો.
- આ પછી તેમાં ગાજરનું સ્ટફિંગ મૂકો અને તેને બધી બાજુઓથી બંધ કરી દો.
- હવે પરોઠું વણી લો, આ દરમિયાન વધારે પડતું દબાણ ન આપો, નહીં તો સ્ટફિંગ બહાર નીકળી જશે.
- હવે આ પરોઠાને તવા પર મધ્યમ આંચ પર તેલ લગાવીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
- તૈયાર છે ગાજરના પરોઠા. તેને તમારી પસંદગીની ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

