Health Tips / શિયાળામાં પૂરતું પાણી નથી પી શકતા? તો આ 5 રીતે તમારી જાતને રાખો હાઈડ્રેટેડ

શિયાળો નજીક આવતાની સાથે લોકો ઘણીવાર પોતાને ગરમ રાખવા માટે ચા અને કોફી પર આધાર રાખે છે અને પાણીનું સેવન ઓછું કરે છે. આ આદત ડિહાઈડ્રેશન તરફ દોરી શકે છે, કારણ કે તમે ઠંડા હવામાનને કારણે પહેલાથી જ ઓછું પાણી પીતા હોવ છો અને કેફીન પણ શરીરને ડિહાઈડ્રેટ કરે છે. શિયાળામાં પણ શરીરને હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો શરીર યોગ્ય રીતે ડિટોક્સ નથી થઈ શકતું, જેનાથી અંગો પર વધારાનું દબાણ પડે છે. પાણીની ઉણપથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે હાથ, પગ અને ચહેરો નિસ્તેજ દેખાય છે. જો તમે પૂરતું પાણી નથી પી શકતા, તો શિયાળામાં હાઈડ્રેટેડ રહેવા માટે અન્ય રીતો અપનાવો.
તમારી સામે પાણીની બોટલ હોય છે, છતાં તમે કલાકો સુધી પીવાનું ભૂલી જાઓ છો. શિયાળા દરમિયાન ઘણા લોકો માટે આ એક સામાન્ય સમસ્યા છે. શિયાળામાં ડિહાઈડ્રેશન ફક્ત તમારા ચહેરાની ચમક જ ઓછી નથી કરતું, પરંતુ ઓછી ઉર્જા, થાક અને માથાના દુખાવ જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. શિયાળાની ઋતુમાં તમે જ્યુસ કે કોલ્ડ ડ્રિંક્સ પણ નથી પી શકતા, તેથી કેટલાક પૌષ્ટિક ખોરાક સાથે હાઈડ્રેશન કેવી રીતે જાળવી રાખવું તે જાણો.
સવારની શરૂઆત પાણીથી કરો
તમે દિવસ દરમિયાન પાણી પીવાનું ભૂલી શકો છો, પરંતુ તમારી સવારની શરૂઆત પાણીથી કરો. જો તમે રાતભર પાણી ન પીતા હોવ, તો તમારું શરીર ડિહાઈડ્રેટેડ થઈ જાય છે. સવારે પાણીને સારી રીતે ઉકાળો અને જ્યારે પાણી ગરમ હોય ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો અને પીઓ. સવારે મલાસનમાં બેસીને ધીમે ધીમે પાણી પીઓ.
મોસમી ફળો ખાઓ
ફળોમાં પણ પાણીનું પ્રમાણ વધુ હોય છે, તેથી તમારા ડાયટમાં રસદાર મોસમી ફળોનો સમાવેશ કરો, જેમ કે નારંગી, દાડમ, દ્રાક્ષ, કિવી અને સ્ટ્રોબેરી. આ ફળો તમને અસંખ્ય વિટામિન, મિનરલ અને એન્ટી-ઓકિસડન્ટો પ્રદાન કરે છે.
ટી બ્રેકને હાઈડ્રેશન ટાઈમમાં ફેરવો
જો તમને દિવસ દરમિયાન ચા કે કોફી પીવાની આદત હોય, તો આ સમયને હાઈડ્રેશન ટાઈમમાં ફેરવો. આ દિવસોમાં ઘણી હર્બલ ચા ઉપલબ્ધ છે, જેને તમે પી શકો છો, જેમ કે તુલસી-આદુવાળી ચા, કેમોમાઈલ ચા અને ફુદીનાની ચા. આ તમને ગરમ અને હાઈડ્રેટેડ રાખશે.
સૂપ પીઓ
તમે તમારા રોજિંદા દિનચર્યાના ભાગ રૂપે વિવિધ સૂપ બનાવી અને પી શકો છો. આ શિયાળાની ઋતુ દરમિયાન આરામદાયક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે અને એક ઉત્તમ કમ્ફર્ટ ફૂડ છે. મિક્સ વેજ સૂપથી લઈને મશરૂમ અને ટામેટાના સૂપ સુધી તે સ્વાદિષ્ટ અને પોષક તત્વોનો પાવરહાઉસ બંને છે. આ રીતે, તમે સરળતાથી તમારા શરીરને હાઈડ્રેટ રાખી શકો છો.
રીમાઈન્ડર સેટ કરો
જો તમે શિયાળા દરમિયાન પાણીનું સેવન ઓછું કરોછો, તો રીમાઈન્ડર સેટ કરી શકાય છે. સવારે ઉઠવા માટે એલાર્મ સેટ કરવાની જેમ રીમાઈન્ડર સેટ કરીને તમે તમારી દૈનિક પાણીની જરૂરિયાતો લગભગ પૂરી કરી શકો છો. આવી સ્થિતિમાં જો એક રીમાઈન્ડર મિસ થઈ જાય છે, તો બીજા રીમાઈન્ડર પર પાણી પીઓ.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

