Fashion Tips / સ્માર્ટ અને સ્ટાઇલિશ લુક મેળવવા માટે ઉપયોગી થશે આ આઉટફિટ રૂલ્સ, તમે પણ ફોલો કરો

વર્કિંગ વિમેન્સ તરીકે જ્યારે સવારે ઉઠીને ઘણા બધા કામકાજ પછી તૈયાર થવાનો સમય આવે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, "આજે શું પહેરવું જોઈએ?" તમારો વોર્ડરોબ કપડાથી ભરેલો હોય છે, છતાં કંઈ પણ યોગ્ય નથી લાગતું. એક પછી એક આઉટફિટ ટ્રાય કરવામાં સમય લાગે છે, તમારો મૂડ પણ બગડી શકે છે અને તમે ઓફિસ માટે લેટ થઈ જાઓ છો. જો તમારી સાથે આવું થાય, તો કેટલાક આઉટફિટ રૂલ્સ અપનાવી શકો છો.
આ રૂલ્સ શું છે?
આ એક સ્માર્ટ ફેશન ફોર્મ્યુલા છે, જેના દ્વારા તમે મર્યાદિત કપડા સાથે પણ આખા અઠવાડિયા દરમિયાન અલગ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. તમારે નવા-નવા આઉટફિટ ખરીદવાની જરૂર નથી, ફક્ત કાળજીપૂર્વક વિચારો અને કપડાને મિક્સ કરો, યોગ્ય એક્સેસરીઝ ઉમેરો અને તમારી પર્સનાલિટીને આત્મવિશ્વાસ સાથે રજૂ કરો.
બેઝિક વોર્ડરોબ
આઉટફિટ રૂલ્સ સ્માર્ટ અને બેઝિક વોર્ડરોબથી શરૂ થાય છે. તો, તમારા વોર્ડરોબમાં એવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો જે દરેક પ્રસંગ માટે પહેરી શકાય, જેમ કે વ્હાઈટ શર્ટ, બ્લેક ટ્રાઉઝર, ફોર્મલ બ્લેઝર, ન્યુટ્રલ-કલર સ્કર્ટ, થોડા બેઝિક ટોપ્સ (પેસ્ટલ અથવા સોલિડ કલરમાં), ક્લાસિક ડેનિમ ડ્રેસ અને સ્ટેટમેન્ટ કુર્તી. આ રીતે ઓછા કપડા સાથે પણ તમે તમારી જાતને વધુ રીતે સ્ટાઇલ બનાવી શકો છો.
મિક્સ એન્ડ મેચ ગેમ
દરરોજ અલગ આઉટફિટ પહેરવો એ સમજદારી નથી. તેથી, તમારે થોડું ક્રિએટીવ બનવાની અને મિક્સ એન્ડ મેચ કરવાનું શીખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, સોમવારે વ્હાઈટ શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર અને બ્લેઝર પહેરો. મંગળવારે, સ્કર્ટ સાથે તે જ વ્હાઈટ શર્ટ અજમાવો. બુધવારે, સ્માર્ટ-કેઝ્યુઅલ લુક માટે બ્લેક ટ્રાઉઝર, સ્ટેટમેન્ટ કુર્તી અને ડેનિમ પહેરો. આ રીતે, તમે દરરોજ ઓફિસમાં એક ફ્રેશ અને ન્યુ લુક મેળવી શકો છો.
એક્સેસરીઝ
એક્સેસરીઝ કોઈપણ સ્ત્રી માટે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે અને તે તમારા લુકને સંપૂર્ણપણે બદલી શકે છે. દરરોજ એક નવી એક્સેસરીઝ તમારી મિક્સ એન્ડ મેચ ગેમને વધુ સારી બનાવશે. સોમવારે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અજમાવો. મંગળવારે તમારા લુકમાં સ્કાર્ફ ઉમેરો. બુધવારે બેલ્ટ અને ઘડિયાળથી તમારા લુકને સુંદર બનાવો. ગુરુવારે મિનીમલ જ્વેલરી પસંદ કરો અને શુક્રવારે બોલ્ડ બેગ અથવા શૂઝ કેરી કરો. એક્સેસરીઝ તમારા આઉટફિટ અને તમારી પર્સનાલિટીને વધારશે તેમજ આત્મવિશ્વાસ જગાડશે.
કલરની પસંદગી
ઓફિસ લુક માટે યોગ્ય કલર પસંદ કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે વધુ પડતા બ્રાઈટ અથવા વધુ પડતા ડિઝાઇન કરેલા આઉટફિટ ટાળવા જોઈએ. તમારા મોટાભાગના કપડાને ન્યુટ્રલ અથવા પેસ્ટલ શેડ્સમાં રાખવાનો પ્રયાસ કરો, જેમ કે ગ્રે, બેજ, વ્હાઈટ, નેવી બ્લુ અથવા પેસ્ટલ પિંક. તમે આ કલરમાં કપડાને સરળતાથી મિક્સ અને મેચ કરી શકો છો, દરેક વખતે એક અલગ કોમ્બિનેશન બનાવી શકો છો. જો તમને બ્રાઈટ કલર પસંદ હોય, તો તેમને વીકએમડ અથવા શુક્રવારે આઉટફિટ તરીકે પહેરો.
પ્લાનિંગ જરૂરી છે
આઉટફિટ રૂલ ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે તમે યોગ્ય પ્લાનિંગ કરો છો. અઠવાડિયા માટે તમારા આઉટફિટનો પ્લાન બનાવવા માટે રવિવારે સાંજે 15 મિનિટ કાઢો. તમારા કપડાને ઇસ્ત્રી કરો, તમારી એક્સેસરીઝને એક જગ્યાએ મૂકો અને જો જરૂર પડે તો તમારા શૂઝ પણ પેક કરો. આનાથી સોમવારે સવારે ઉઠતી વખતે "શું પહેરવું?" ના પ્રશ્નનો અંત આવશે. તમે સમયસર ઓફિસ પહોંચશો અને સ્ટાઇલિશ દેખાશો.

