Beauty Tips : હોઠ નહીં પડે કાળા, આ રીતે ઘરે જ બનાવો લિપસ્ટિક

છોકરીઓનો મેકઅપ લિપસ્ટિક વગર અધૂરો છે. લિપસ્ટિક પૂરા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આ તમારી સુંદરતામાં વધારો કરે છે. જો કે બજારમાં એકથી એક કલર શેડમાં લિપસ્ટિક મળે છે જેનો યુઝ સામાન્ય રીતે છોકરીઓ કરતી હોય છે. પરંતુ શું તમે જાણો છો આ બનાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે હોઠની સ્કિન માટે લાંબા સમયે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આમ, તમે ઘરે જાતે જ લિપસ્ટિક બનાવી શકો છો.
લિપસ્ટિક બનાવવા માટે કઇ વસ્તુ જોઇશે?
- બીટ
- નારિયેળ તેલ
- વેસેલિન અથવા શિયા બટર
આ રીતે લિપસ્ટિક બનાવો
ઘરે લિપસ્ટિક બનાવવા માટે સૌ પ્રથમ બીટને પાણીમાં નાખીને ગરમ કરી લો. જ્યારે બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને મિક્સરમાં એક પેસ્ટ તૈયાર કરી લો. ખાસ ધ્યાન રાખો કે પેસ્ટ વધારે પાતળી કરવાની નથી, આ પેસ્ટ ઘટ્ટ રાખવાની છે.
બીટની પેસ્ટ બનાવ્યા બાદ લિપસ્ટિકનો બેઝ તૈયાર કરો. આ માટે ડબલ બોયલરમાં એક ચમચી નારિયેળ તેલ, અડધી ચમચી વેસેલિન તેમજ શિયા બટર મિક્સ કરીને બરાબર ગરમ કરી લો. આ બધી વસ્તુઓ પ્રોપર રીતે મિક્સ થઇ જાય એટલે બોયલર બંધ કરી દો. હવે આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો.
પછી બીટની પેસ્ટ લો અને એને બેઝવાળા બાઉલમાં મિક્સ કરો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરો. પછી આ મિશ્રણને એક નાની ડબ્બીમાં ભરીને ફ્રિજમાં મૂકી દો. આખી રાત રહેવા દો અને પછી બીજા દિવસે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લિપસ્ટિક બનીને તૈયાર થઇ ગઇ હશે. આ લિપસ્ટિકનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો.
આમ આ ઘરેલુ લિપસ્ટિક તમારા હોઠની સ્કિનને નુકસાન થતા બચાવે છે. તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે તમે કેમિકલ વાળી લિપસ્ટિક દરરોજ એપ્લાય કરો છો તો હોઠ કાળા પડી શકે છે. જ્યારે ઘરે બનાવેલી આ લિપસ્ટિક તમારા હોઠને ગુલાબી કરવાનું કામ કરે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

