Skin Care Tips / ઓપન પોર્સથી કુદરતી રીતે છુટકારો મેળવવો હોય, તો ટ્રાય કરો આ એક્સ્ફોલિએટર્સ

ઓપન પોર્સ ફક્ત તમારા ચહેરાની સુંદરતા જ નથી ઘટાડતા, પરંતુ બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ અને ખીલ જેવી અનેક ત્વચાને લગતી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. પોર્સને સંપૂર્ણપણે દૂર કરી શકાતા નથી, પરંતુ યોગ્ય કાળજી અને કુદરતી એક્સ્ફોલિએશન તેમને નાના અને ઓછા દૃશ્યમાન બનાવી શકે છે.
બજારમાં મળતા ઘણા પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલથી ત્વચા ડ્રાય થઈ શકે છે. કુદરતી એક્સ્ફોલિએટર્સ ફક્ત પોર્સને સાફ અને કડક નથી કરતા, પરંતુ ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને પોષણ પણ આપે છે. અહીં કેટલાક કુદરતી એક્સ્ફોલિએટર્સ છે જે ત્વચાને સાફ કરે છે અને પોર્સને ઘટાડવામાં મદદરૂપ છે. ચાલો તેમના વિશે જાણીએ.
કોફી અને મધ સ્ક્રબ
કોફીમાં એન્ટી-ઓકિસડન્ટો હોય છે જે ડેડ સ્કિનને દૂર કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. મધ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે, ડ્રાયનેસને અટકાવે છે. આ સ્ક્રબ પોર્સને ઊંડાણપૂર્વક સાફ કરે છે અને તેમને નાના દેખાવામાં મદદ કરે છે.
ચોખાનો લોટ અને ગુલાબજળ
ચોખાનો લોટ એક સોફ્ટ સ્ક્રબ છે જે વધારાનું તેલ અને ગંદકી દૂર કરે છે. ગુલાબજળ ત્વચાને ઠંડક અને મોઇશ્ચર આપે છે, તે ત્વચાનો રંગ સુધારે છે અને પોર્સને સાફ અને કડક કરે છે.
ઓટમીલ અને દહીં સ્ક્રબ
ઓટમીલ સેન્સેટિવ ત્વચા માટે શ્રેષ્ઠ છે. તે ત્વચાને એક્સફોલિએટ કરે છે અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ પોર્સને ઊંડાણથી સાફ કરે છે અને ત્વચાને નરમ બનાવે છે.
પપૈયાની પેસ્ટ
પપૈયામાં પપેન એન્ઝાઇમ હોય છે, જે ધીમેધીમે ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે, પોર્સને સાફ કરે છે અને કડક બનાવે છે, અને ત્વચાને કુદરતી ચમક પણ આપે છે.
ચણાનો લોટ અને ગુલાબજળ
ચણાનો લોટ ગંદકી અને તેલ દૂર કરવા માટે ઉપયોગી છે, જ્યારે ગુલાબજળ ત્વચાને ટોન અને હાઈડ્રેટ કરે છે. આ મિશ્રણ ત્વચાને સાફ કરવામાં અને પોર્સને નાના દેખાવામાં મદદ કરે છે.
બદામ પાવડર અને દૂધ
બદામ પાવડર વિટામિન Eથી ભરપૂર હોય છે અને ત્વચાને હળવાશથી એક્સફોલિએટ કરે છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને નરમ અને ભેજયુક્ત રાખે છે.
કાકડીનો રસ
કાકડીમાં એસ્ટ્રિજન્ટ ગુણધર્મો હોય છે જે પોર્સને કડક કરે છે. તે ત્વચાને શાંત કરે છે અને તેલને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેનો નિયમિત ઉપયોગથી ત્વચા ફ્રેશ અને ક્લિયર દેખાય છે.
ટમેટા અને કોફી સ્ક્રબ
ટમેટાના એસ્ટ્રિજન્ટ ગુણધર્મો ત્વચાને ટોન કરે છે અને પોર્સને સંકોચે છે. કોફી તેમાં સ્ક્રબિંગ અસર ઉમેરે છે, જેનાથી ચહેરા પર ફ્રેશનેસ અને ગ્લો આવે છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

