Beauty Tips : નવો બ્યુટી ટ્રેન્ડ! સ્કિન ફાસ્ટિંગ શું છે? ત્વચાના નુકસાનનું કારણ ઓળખવાની સરળ રીત

બ્યુટી અને કોસ્મેટિકના આ યુગમાં સ્કીન કેર (ત્વચાની સંભાળ) સાથે જોડાયેલા નવા-નવા ટ્રેન્ડ સતત સામે આવતા રહે છે. મોટાભાગના ટ્રેન્ડ કોઈ નવા બ્યુટી પ્રોડક્ટ અથવા ખાસ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ (સક્રિય ઘટક) પર આધારિત હોય છે. પરંતુ કેટલાક ટ્રેન્ડ એવા પણ છે જે આનાથી બિલકુલ ઉલટા છે. 'સ્કીન ફાસ્ટિંગ' (Skin Fasting) એવો જ એક ટ્રેન્ડ છે, જે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને બ્યુટી વર્લ્ડમાં ખૂબ ચર્ચામાં છે. તો અહીં જાણો સ્કીન ફાસ્ટિંગ શું છે? તે કેમ કરવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થઈ શકે છે?
સ્કીન ફાસ્ટિંગ એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો સ્કીન ફાસ્ટિંગ એટલે થોડા સમય માટે ત્વચા પર કોઈપણ પ્રકારના સ્કીન કેર પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો. આ દરમિયાન લોકો ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર, સીરમ, ટોનર કે નાઇટ ક્રીમ જેવા કોઈપણ બ્યુટી પ્રોડક્ટ્સ વાપરવાનું બંધ કરી દે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા એકથી બે અઠવાડિયા સુધી કરવાની હોય છે, જો કે કેટલાક લોકો આનાથી વધુ સમય માટે પણ સ્કીન ફાસ્ટિંગ કરે છે.
સ્કીન ફાસ્ટિંગની અલગ-અલગ રીતો
દરેક વ્યક્તિ પોતાની ત્વચાની જરૂરિયાત મુજબ અલગ-અલગ રીતે સ્કીન ફાસ્ટિંગ અપનાવે છે:
કડક નિયમો (Strict Fasting): કેટલાક લોકો આ ટ્રેન્ડને ખૂબ જ કડકાઈથી ફોલો કરે છે. તેઓ ચહેરા પર તો ઠીક, પણ હોઠ પર લિપ બામ કે ન્હાતી વખતે સાબુનો ઉપયોગ સુદ્ધાં નથી કરતા. તે માત્ર સાદા પાણીથી જ ચહેરો સાફ કરે છે.
મધ્યમ નિયમો (Mild Fasting): જ્યારે કેટલાક લોકો માત્ર અત્યંત જરૂરી વસ્તુઓ, જેમ કે જેન્ટલ ક્લેન્ઝર અને સનસ્ક્રીન પૂરતા જ પોતાને સીમિત રાખે છે અને બાકીના તમામ ફેન્સી પ્રોડક્ટ્સ બંધ કરી દે છે.
સ્કીન ફાસ્ટિંગ કેમ કરવામાં આવે છે?
આ ટ્રેન્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ત્વચાને કેમિકલ અને સ્કીન કેર પ્રોડક્ટ્સથી એક પ્રકારનો "બ્રેક" (આરામ) આપવાનો છે. આ કન્સેપ્ટ પાછળ એવું માનવામાં આવે છે કે:
સતત અને વધું પડતા પ્રોડક્ટ્સના ઉપયોગથી ત્વચાનું કુદરતી સંતુલન (Natural Balance) ખોરવાય છે.
થોડા દિવસો સુધી કોઈ પ્રોડક્ટ ન લગાવવાથી ત્વચા પોતાની જાતે રીપેર થવા લાગે છે.
તે પોતાનું ઓઇલ બેલેન્સ જાતે જ સુધારે છે અને પોતાની કુદરતી સુરક્ષા પરત (Skin Barrier)ને મજબૂત બનાવવામાં સક્ષમ બને છે.
ત્વચાને નુકસાન કરતું પ્રોડક્ટ ઓળખવામાં મદદરૂપ
જો તમારી ત્વચા વારંવાર લાલ થઈ જતી હોય, બળતરા થતી હોય અથવા વારંવાર ખીલ નીકળતા હોય, તો સ્કીન ફાસ્ટિંગ આ સમસ્યાનું મૂળ કારણ જાણવાનો એક શ્રેષ્ઠ રસ્તો બની શકે છે.
તે કેવી રીતે કામ કરે છે?
1. તમે એક-બે અઠવાડિયા માટે તમામ સ્કીન કેર પ્રોડક્ટ્સ વાપરવાનું બંધ કરી દો અને ત્વચામાં થતા ફેરફારો જુઓ.
2. જો પ્રોડક્ટ્સ બંધ કરવાથી ત્વચાની સમસ્યા ઓછી થઈ જાય, તો સમજી લેવું કે તમે જે પ્રોડક્ટ્સ વાપરતા હતા તેમાંથી જ કોઈ એક આનું કારણ છે.
3. ત્યારબાદ એક-એક કરીને પ્રોડક્ટ્સ ફરીથી વાપરવાનું શરૂ કરો અને જુઓ કે કયું પ્રોડક્ટ લગાવવાથી ત્વચામાં ફરી બળતરા કે ખીલ થાય છે.
આ નાનકડા પ્રયોગથી તમે ખૂબ જ સરળતાથી એ ચોક્કસ પ્રોડક્ટની ઓળખ કરી શકશો જે તમારી ત્વચાને અંદરથી નુકસાન પહોંચાડી રહ્યું હતું.

