તમારો પણ રેલવે મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ ગયો છે? તો આ ચુકાદો ખાસ વાંચો

ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક પેસેન્જરનો સામાન ચોરાઈ જવાના મામલામાં દિલ્હી રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ભારતીય રેલવેને મોટો ઝટકો આપ્યો છે. જિલ્લા આયોગના આદેશને રેલવેએ દિલ્હી આયોગમાં પડકાર્યો હતો, પરંતુ દિલ્હી આયોગે પણ રેલવેની અરજી ફગાવી દીધી છે અને પેસેન્જરને 1.45 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ યથાવત રાખ્યો છે. આયોગનું સ્પષ્ટ માનવું છે કે રેલવે એવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કે સામાન પેસેન્જરની વ્યક્તિગત કસ્ટડીમાં હતો.
કેવી રીતે બની હતી ચોરીની ઘટના?
ઘટના 7 જૂન, 2014ની છે, જ્યારે અજય કુમાર મહાનંદા એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી પટના જઈ રહ્યા હતા. ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન પર અજાણ્યા શખ્સો તેમના રિઝર્વ્ડ ડબ્બામાં ઘૂસી આવ્યા હતા અને 1.20 લાખ રૂપિયાની કિંમતના સાડીઓ, ઘરેણાં અને કપડાં ભરેલો ટ્રોલી બેગ ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ અજય કુમારે તાત્કાલિક TTE અને રેલવે પોલીસ (RPF) નો સંપર્ક કર્યો હતો, પરંતુ લાંબી લાપરવાહી બાદ 23 એપ્રિલ 2015ના રોજ FIR દાખલ કરવામાં આવી હતી અને 15 મે, 2017ના રોજ આ કેસને 'અણઉકેલાયેલો' જાહેર કરી દેવામાં આવ્યો હતો.
રેલવેની દલીલ આયોગે ફગાવી: 'બિનઅધિકૃત પ્રવેશ રોકવામાં નિષ્ફળ રહી રેલવે'
રેલવેએ પોતાની દલીલમાં કહ્યું હતું કે સામાન પેસેન્જરની પોતાની દેખરેખ હેઠળ હતો અને તે રેલવે પાસે જમા કરાવાયો નહોતો, તેથી તેની જવાબદારી રેલવેની બનતી નથી. પરંતુ દિલ્હી આયોગે આ દલીલને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે સાચી સમસ્યા રિઝર્વ્ડ કોચમાં બિનઅધિકૃત લોકોના પ્રવેશને રોકવામાં રેલવેની નિષ્ફળતા છે. બે અજાણ્યા શખ્સો રિઝર્વ્ડ ડબ્બામાં ઘૂસી આવ્યા બાદ જ પેસેન્જરની બેગ ચોરાઈ હતી. આમ, સુરક્ષામાં થયેલી આ ગંભીર બેદરકારી બદલ રેલવેને જ જવાબદાર ઠેરવવામાં આવી છે અને તેણે 7 સપ્ટેમ્બર 2017થી 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે 1.20 લાખ રૂપિયા અને વધારાના 25,000 રૂપિયા વળતર પેટે ચૂકવવા પડશે.

