‘તમને તો ગુજરાતમાંથી ભગાડી દીધા હતા’, અમિત શાહે ‘ભષ્ટાચારના કિંગપિન’ કહ્યા બાદ શરદ પવારનો પલટવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એનસીપી(એસપી)ના પ્રમુખ શરદ પવારને કરપ્શનના કિંગપિન કહ્યા હતા. તેમના આ નિવેદન પર હવે શરદ પવારે વળતો પ્રહાર કર્યો હતો.
શું બોલ્યાં શરદ પવાર?
શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને યાદ અપાવ્યું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ખુદ અમિત શાહને ગુજરાતમાંથી દૂર રહેવા માટે મજબૂર કરાયા હતા. શરદ પવારે કહ્યું કે થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે મારા પર પ્રહારો કર્યા હતા અને કેટલીક વાતો કહી હતી. તેમણે મને દેશના સૌથી ભ્રષ્ટ લોકોના કમાન્ડર ગણાવ્યા હતા. વિચિત્ર વાત એ છે કે ગૃહમંત્રી એક એવી વ્યક્તિ છે જેમણે ગુજરાતના કાયદાનો દુરુપયોગ કર્યો અને એટલા માટે સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાતમાંથી બહાર કરી દીધા હતા.
શરદ પવારે એક પછી એક કડવી વાતો કહી
શરદ પવારે કહ્યું કે જેમને ગુજરાતમાંથી બહાર કરી દેવાયા હતા તે આજે ગૃહમંત્રી છે એટલા માટે આપણે એ વિચારવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જેમના હાથોમાં આ દેશ છે તે લોકો કયા પ્રકારના ખોટા રસ્તે જઇ રહ્યા છે. આપણે તે અંગે વિચારવું પડશે. નહીંતર મને 100% વિશ્વાસ છે કે તે આ દેશને ખોટા રસ્તે લઈ જશે. આપણે તેના પર ધ્યાન આપવું પડશે.
અમિત શાહે શું કહ્યું?
નોંધનીય છે કે 21 જુલાઈએ મહારાષ્ટ્રના પુણેમાં બીજેપી સંમેલનમાં અમિત શાહે પૂર્વ કેન્દ્રીય મંત્રી પર 'ભ્રષ્ટાચારને સંસ્થાકીયકરણ' કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, 'તેઓ (વિપક્ષ) ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. શરદ પવાર ભારતીય રાજનીતિમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા કિંગપિન છે અને મને તેના વિશે કોઈ શંકા નથી. તેઓ હવે આપણા પર શું આરોપ મૂકશે? ભ્રષ્ટાચારને સંસ્થાકીય બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે તમે જ છો, શરદ પવાર.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
મહારાષ્ટ્રમાં આગામી સરકાર માટે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાશે. શાસક ગઠબંધન ગ્રાન્ડ એલાયન્સમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન શરદ પવારના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળની NCPનો સમાવેશ થાય છે. તે જ સમયે, વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધનમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને NCP (SP)નો સમાવેશ થાય છે.

