VIDEO : રાજસ્થાનમાં છોકરીનું અપહરણ કરવા આવ્યા બંદૂકધારી ગુંડાઓ, ઘરની મહિલાઓેએ ઝાડુ લઈને ખદેડ્યા
રાજસ્થાનના કલ્યાણપુર વિસ્તારના રનિયા દેશીપૂરા ગામે યુવતીનું અપહરણ કરવા આવેલા ગુંડાઓને ઘરની મહિલાઓએ ખદેડ્યા હતા. બંદૂક અને ધોકા- ડંડા લઈને આવેલા બદમાશો ઘરમાં ઘૂસ્યા તો મહિલાઓ ડર્યા વિના ઝાડુ લઈને તેમની સામે થઈ ગયા. છોકરી ઉઠાવવા આવેલા ગુંડાઓ સ્કોર્પિયો લઈને ભાગી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી આ બાબતે તપાસ કરી રહી છે.
યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ
બુધવારે સાંજે લગભગ 5:00 વાગ્યે બે સ્કોર્પિયો એસયુવીમાં અંદાજે 10 જેટલા ગુંડાઓનું ટોળું રનિયા દેશીપુરા ગામના નારાયણ રામ પટેલના ઘરે પહોંચ્યું હતું. બધા ગુંડાઓએ ઓળખ છતી ન થાય તે માટે મોઢા પર બુકાની બાંધી હતી. એકતરફી પ્રેમમાં યુવતીનું અપહરણ કરવાના ઇરાદાથી ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. પિસ્તોલ બતાવી, લાકડી ડંડા પછાડી ગુંડાઓએ પરિવારના સભ્યોને ડરાવ્યા- ધમકાવ્યા. જોકે, યુવતીના પરિવારની મહિલાઓએ નિર્ભયતાથી બદમાશોનો સામનો કર્યો.
મહિલાઓએ બદમાશોનો સામનો કર્યો
ઘરની મહિલાઓ સાવરણી અને ધોકા લઈને તેમની સામે થઈ, જેના કારણે ઘુસણખોરો ગભરાઈને ભાગી ગયા. ભાગતા સમયે આરોપીઓએ ભય ફેલાવવાના પ્રયાસમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાના પણ સમાચાર છે. જો કે પોલીસે કોઈ ગોળીબાર થયો હોવાનો ઇનકાર કર્યો છે. મહિલાઓએ નિર્ભયતાથી પીછો કર્યો, પરંતુ બદમાશો ભાગી જવામાં સફળ રહ્યા.

