ચૂંટણી પછીની હિંસા અટકાવવા 'ટોટલાઇઝર' સિસ્ટમ લાગુ થશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

ચૂંટણી પરિણામો બાદ થતી હિંસા, મતદારોને નિશાન બનાવવાની ઘટનાઓ અને પક્ષપાત અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણીઓમાં ઇવીએમ સાથે 'ટોટલાઇઝર' સિસ્ટમ લાગુ કરવાની માંગણી કરતી અરજીઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
દાખલ કરવામાં આવેલી અરજીઓમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્તમાન વ્યવસ્થામાં બૂથ મુજબ મતગણતરી થતી હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોને સ્પષ્ટ ખબર પડી જાય છે કે ક્યા વિસ્તાર કે બૂથના લોકોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. આના પરિણામે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘણીવાર સ્થાનિક સ્તરે મતદારોને ડરાવવા-ધમકાવવા, હિંસા આચરવા કે તે વિસ્તારોમાં વિકાસ કાર્યો અટકાવીને મતદારોને હેરાન-પરેશાન કરવાની ઘટનાઓ બને છે.
શું છે 'ટોટલાઇઝર' સિસ્ટમ?
ટોટલાઇઝર એક એવું ટેકનિકલ ઉપકરણ છે જે એકસાથે અનેક ઈવીએમ કંટ્રોલ યુનિટ્સને જોડી દે છે. જેનાથી અલગ-અલગ બૂથના મતો એકસાથે ગણાય છે. પરિણામે, ઉમેદવાર સમગ્ર વિસ્તારમાંથી કેટલા મત મેળવ્યા તે જાણી શકે છે, પરંતુ ક્યા ચોક્કસ પોલિંગ બૂથ અથવા સોસાયટીમાંથી કોને કેટલા મત મળ્યા તે જાણી શકાતું નથી.
સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ થયેલી વિવિધ અરજીઓની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નોટિસ જારી કરી છે. જો આ સિસ્ટમ અમલમાં આવે, તો મતદારોની ગુપ્તતા વધુ મજબૂત બનશે અને ચૂંટણી પછી થતી હિંસા તથા રાજકીય દ્વેષભાવથી સામાન્ય નાગરિકોનું રક્ષણ થશે.

