VIDEO: શું Mark Zuckerberg માફી માંગશે? PM મોદીના વિડિયો મામલે મેટા CEO ને ૩ દિવસનું અલ્ટીમેટમ
પીએમ મોદીનો એક વિડિયો ફેસબુક પરથી થોડા સમય માટે હટાવી લેવામાં આવ્યો હતો. સીજેપી સ્ટુડન્ટ પ્રોટેસ્ટ (CJP Student Protest) દરમિયાન પીએમ દ્વારા આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, ટૂંક સમયમાં જ આ વિડિયો પુનઃસ્થાપિત (Restore) કરી દેવાયો હતો. સરકાર હવે માર્ક ઝકરબર્ગ પાસે માફી મંગાવવા માંગે છે.
શું મેટા CEO માર્ક ઝકરબર્ગ માફી માંગશે?
મેટા (Meta) અને ભારત સરકાર વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ફેસબુક વિડિયોને થોડા સમય માટે હટાવી દેવાનો મામલો હવે સંસદની સ્થાયી સમિતિ (Parliamentary Standing Committee) સુધી પહોંચી ગયો છે. સમિતિએ મેટાના સીઈઓ (CEO) માર્ક ઝકરબર્ગને ત્રણ દિવસની અંદર વ્યક્તિગત રીતે માફી માંગવા જણાવ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે જો આમ નહીં થાય તો કંપની સામે સખત કાર્યવાહીની ભલામણ કરવામાં આવી શકે છે.
આ પૂરો વિવાદ જુલાઈના અંતમાં શરૂ થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વિડિયો ફેસબુક પર થોડા સમય માટે દેખાતો બંધ થઈ ગયો હતો. વિડિયોમાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ અને પેપર લીકના મુદ્દા પર વાત કરી રહ્યા હતા. થોડા સમય પછી મેટાએ વિડિયો પુનઃસ્થાપિત કરી દીધો અને કહ્યું કે આ એક ટેકનિકલ ભૂલ (Technical Glitch) હતી. કંપનીએ ખેદ પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ સરકાર આ જવાબથી સંપૂર્ણપણે સંતુષ્ટ દેખાઈ ન હતી.
હવે સંસદની માહિતી અને પ્રસારણ તકનીક (IT) સંબંધિત સ્થાયી સમિતિએ આ મામલાને ગંભીર ગણાવ્યો છે. સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ જણાવ્યું કે માત્ર કંપની તરફથી આપવામાં આવેલું સામાન્ય માફીનામું પૂરતું નથી. તેમનું કહેવું છે કે Meta ના CEO માર્ક ઝકરબર્ગે પોતે સામે આવીને માફી માંગવી જોઈએ. સમિતિએ આ માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.
આ મામલામાં સૌથી વધુ ચર્ચા 'સેફ હાર્બર' (Safe Harbour) પ્રોટેક્શનને લઈને થઈ રહી છે. ભારતમાં સોશિયલ મીડિયા કંપનીઓને IT Act ની કલમ 79 હેઠળ સેફ હાર્બર પ્રોટેક્શન મળે છે. આનો અર્થ એ છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર જો કોઈ યુઝર કંઈક પોસ્ટ કરે છે, તો તેની કાનૂની જવાબદારી સીધી કંપની પર આવતી નથી, જ્યાં સુધી કંપની કાયદા મુજબ કામ કરી રહી હોય. આ જ સુરક્ષા ડિજિટલ પ્લેટફોર્મને કામ કરવામાં મોટી રાહત આપે છે.
સંસદીય સમિતિએ ચેતવણી આપી છે કે જો Meta આ મામલે સંતોષકારક જવાબ નહીં આપે અથવા ઝકરબર્ગ વ્યક્તિગત રીતે માફી નહીં માંગે તો કાર્યવાહી થશે. કાર્યવાહીના નામે કંપનીના સેફ હાર્બર પ્રોટેક્શનની સમીક્ષા (Review) કરવાની ભલામણ કરી શકાય છે. જો ભવિષ્યમાં આવું થાય છે, તો Meta માટે ભારતમાં કાનૂની જોખમો ખૂબ વધી શકે છે. જોકે હાલમાં સેફ હાર્બર રદ થયું નથી અને આ માત્ર એક મર્યાદિત ચેતવણી છે, કોઈ અંતિમ નિર્ણય નથી.
વિડિયો આખરે કેમ હટ્યો ?
આ પહેલાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) પણ Meta ના અધિકારીઓને તેડાવ્યા હતા. સરકારનું કહેવું છે કે તેણે એ સમજવું છે કે વિડિયો આખરે કેમ હટ્યો અને કંપનીના કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ (Content Moderation System) માં આવી ભૂલ કેવી રીતે થઈ. સરકાર મેટાના અલ્ગોરિધમ, કન્ટેન્ટ મોડરેશન અને વેરિફાઇડ એકાઉન્ટ્સની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો પૂછી રહી છે.
મેટા સતત એ જ કહી રહ્યું છે કે વિડિયો કોઈ નીતિ (Policy) નો ભંગ કરવાના કારણે હટાવવામાં આવ્યો નહોતો. કંપનીના જણાવ્યા અનુસાર આ ટેકનિકલ ભૂલ હતી અને જેવી જાણ થઈ કે તુરંત વિડિયો પુનઃસ્થાપિત કરી દેવાયો હતો. Meta એ જાહેર ક્ષેત્રે ખેદ પણ વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે મેટા વારંવાર આવું કરતું હોય છે—કોઈની યોગ્ય પોસ્ટ હટાવી દે છે અને ટેકનિકલ ગ્લિચનું બહાનું બનાવી દે છે. પરંતુ અહીં વાત દેશના પીએમની છે. એવામાં પીએમની પોસ્ટ હટાવવા અંગે જો કંપની પૂરી સ્પષ્ટતા ન કરે કે આવું કેમ થયું, તો તે મોટા સવાલો ઊભા કરે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર અને મોટી ટેક કંપનીઓ વચ્ચે કન્ટેન્ટ મોડરેશન, ડેટા સુરક્ષા, અલ્ગોરિધમની પારદર્શિતા અને પ્લેટફોર્મની જવાબદારીને લઈને કેટલીય વાર ટકરાવ થયો છે. આ વખતે તફાવત માત્ર એ છે કે મામલો સીધો પ્રધાનમંત્રીના અધિકૃત ફેસબુક એકાઉન્ટ સાથે જોડાયેલો હતો, તેથી રાજકીય અને કાનૂની બંને સ્તરે તેની ગંભીરતા વધી ગઈ છે.
હવે સૌની નજર આગામી દિવસો પર છે. જો મેટા તરફથી કોઈ નવો જવાબ આવે છે અથવા માર્ક ઝકરબર્ગ પોતે આના પર પ્રતિક્રિયા આપે છે, તો વિવાદ નવો મોડ લઈ શકે છે.

