એકનાથ શિંદેની શિવસેનામાંથી આ મોટી સીટ પર ગોવિંદા ચૂંટણી લડશે? 2004માં બાજપેયીના મંત્રીને હરાવ્યા હતા

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા હવે ફિલ્મી દુનિયાની સાથે સાથે રાજકીય ઈનિંગ શરૂ કરવા માંગે છે. થોડા દિવસ પહેલા તેઓ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળ્યા ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર એકનાથ શિંદે જૂથની દાવેદારી છે અને કદાચ તેઓ આ બેઠક ભાજપ સાથે વહેંચીને મેળવી શકે છે. એવામાં એકનાથ શિંદે આ બેઠક પરથી ગોવિંદાને મેદાનમાં ઉતારી શકે છે. હાલમાં શિંદે જૂથના ગજાનન કીર્તિકર અહીંથી સાંસદ છે, પરંતુ શિવસેના તેમને બીજી તક આપવા માંગતી નથી.
જો ગજાનન કીર્તિકરને તક ન મળવાની સ્થિતિમાં ભાજપ ઈચ્છે છે કે તેના ખાતામાં આ સીટ આવે. પરંતુ હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે. આ સીટ પર શિવસેના ફરી દાવો કરી રહી છે. જો ગોવિંદા ચૂંટણી લડશે તો તે તેની બીજી રાજકીય ઇનિંગ હશે. અગાઉ 2004માં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા તત્કાલિન પેટ્રોલિયમ મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. રામ નાઈક પાંચ વખતના સાંસદ હતા, જેમને ગોવિંદાએ હરાવીને ચર્ચામાં આવ્યા હતા. ગોવિંદાએ લગભગ 50 હજાર વોટથી આ જીત મેળવી હતી. રામ નાઈકની તરફેણમાં 5 લાખ 11 હજાર વોટ પડ્યા, જ્યારે ગોવિંદાને 5 લાખ 59 હજાર વોટ મળ્યા.
જોકે, ગોવિંદાની પહેલી રાજકિય ઇનિંગ બહુ સારી સાબિત થઈ નહોતી. તેઓ લાંબા સમય સુધી લોકસભા ક્ષેત્રમાં રહ્યા ન હતા. આ કારણે લોકો તેમના પર આરોપ લગાવતા હતા કે તેઓ સંસદીય ક્ષેત્રમાં આવતા જ નથી. આ સિવાય ગોવિંદાએ એમ પણ કહ્યું કે રાજકારણમાં આવવું તેની ભૂલ હતી અને તેના કારણે તેની ફિલ્મી કારકિર્દી પર વિપરીત અસર પડી હતી. છેવટે ગોવિંદાએ રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે 2007માં ફિલ્મ પાર્ટનર પણ રિલીઝ થઈ હતી. ત્યારબાદ 2009માં તેણે સમયની બરબાદી બતાવીને રાજકારણથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ હવે તે ફરીથી પોતાનું નસીબ અજમાવવા માંગે છે.

