રોહિતે બાળકોને શા માટે બંધક બનાવ્યા હતા? તત્કાલીન શિક્ષણ મંત્રી સાથે હતો આ ખટરાગ

મુંબઈમાં બાળકોને બંધક બનાવનાર રોહિત આર્ય છેલ્લા એક વર્ષથી સરકારી તંત્ર અને શિક્ષણ વિભાગથી નારાજ હતો. તેણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારની "માઝી શાળા, સુંદર શાળા" યોજના તેનો વિચાર હતો. આ વિચાર તેની ફિલ્મ "લેટ્સ ચેન્જ" પર આધારિત હતો, જેને સરકારે 2022 માં અમલમાં મૂકી હતી.
રોહિતે આરોપ લગાવ્યો હતો કે સરકારે તેના વિચાર અને ફિલ્મનો ઉપયોગ કર્યો, પરંતુ તેને ક્રેડિટ કે પૈસા આપ્યા નહોતા. તેણે કહ્યું, તેઓએ મારા પાસેથીકામ કરાવ્યું અને પછી કાંઈ આપ્યું નહીં.
પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેને પૈસા મળ્યા નહિ
રોહિતના જણાવ્યા મુજબ, તત્કાલીન શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે તેની પ્રશંસા કરી અને ₹2 કરોડનું બજેટ ફાળવીને પ્રોજેક્ટને મંજૂરી આપી. જોકે, પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેને પૈસા કે નામ મળ્યું નહીં. રોહિત આર્યએ આ મુદ્દા પર અનેક વિરોધ પ્રદર્શનો અને દેખાવો કર્યા. એક વખત તે લગભગ એક મહિના સુધી ભૂખ હડતાળ પર પણ બેઠો હતો. અગાઉના અહેવાલો અનુસાર, મંત્રી કેસરકરે તેને ખાતરી આપી હતી કે તેની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે, પરંતુ સંયુક્ત સચિવ મહાજને તપાસનું કારણ આપીને ચુકવણી અટકાવી દીધી હતી.
આત્મહત્યા અંગે આપ્યું હતું નિવેદન
રોહિતે કહ્યું હતું કે, જો હું આત્મહત્યા કરીશ, તો દીપક કેસરકર, તેમના અંગત સચિવ મંગેશ શિંદે, તત્કાલીન શિક્ષણ કમિશનર સૂરજ મંડ્રે, તુષાર મહાજન અને સમીર સાવંત જવાબદાર રહેશે. રોહિતે કહ્યું કે તેની મહેનત અને વિચારસરણી સંપૂર્ણપણે છીનવાઈ ગઈ હતી. આ અપમાન અને આર્થિક અન્યાયે તેમને એ હદ સુધી પહોંચાડી દીધું કે તેણે મુંબઈમાં બાળકોને બંધક બનાવીને પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
રોહિતને 2 કરોડ રૂપિયા આપવાનો કોઈ કરાર થયો ન હતો
મહારાષ્ટ્રના શિક્ષણ સચિવ રણજીત સિંહ દેઓલે રોહિતના આરોપો પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, શાળા સ્વચ્છતા દેખરેખ પ્રોજેક્ટ માટે રોહિતને 2 કરોડ રૂપિયા આપવાનો કોઈ કરાર થયો ન હતો. તેણે સ્વૈચ્છિક રીતે કામ કર્યું અને તેને તેના કામ માટે યોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યું. ત્યારબાદ, તે "માઝી શાળા સુંદર શાળા" કાર્યક્રમ લાગુ કરવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યો હતો, પરંતુ તે કાર્યક્રમ સફળ થયો નહીં. રોહિત આર્ય પાસે મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ બાકી લેણાં નહોતા.
વિભાગે તેમને પૈસા ચૂકવ્યા હતા - કેસરકર
પૂર્વ શિક્ષણ મંત્રી દીપક કેસરકરે કહ્યું કે રોહિત આર્ય પાસે સ્વચ્છતા મોનિટર નામનો એક વિચાર હતો અને તેણે એક કામ પણ મેળવ્યું હતું, જેના પૈસા તેને સીધા વિભાગ પાસેથી લીધા હતા. તેણે વિભાગમાં આવીને મામલો ઉકેલવો જોઈતો હતો. આ રીતે કોઈને બંધક બનાવવું ખોટું છે. કેસરકરે એમ પણ કહ્યું કે જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે રોહિતને કેટલાક કોન્ટ્રાક્ટ આપ્યા હતા.
ઓડિશન માટે બોલાવ્યા પછી અપહરણ
રોહિત આર્યએ પવઈના આરએ સ્ટુડિયોમાંથી 17 બાળકો સહિત કુલ 19 લોકોનું અપહરણ કર્યું હતું. બાળકોને બોલાવી તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. બંધક બનાવની સ્થિતિની જાણ થતાં, મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસસ્થળે પહોંચી તમામને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
આ દરમિયાન, રોહિતે પોલીસ પર એર ગનથી ગોળીબાર કર્યો, જેના કારણે અધિકારીઓએ તેને કાબુમાં લેવા માટે તેના પર ગોળીબાર કરવો પડ્યો, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં ડોક્ટરોએ રોહિતને મૃત જાહેર કર્યો હતો.

