'મુસ્લિમ નાયબ મુખ્યમંત્રી કેમ ના હોઈ શકે?' ઔવેસીએ તેજસ્વી પર કર્યા પ્રહાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ દરમિયાન AIMIM પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જો 3.5 ટકાવાળા મલ્લાહના નાયબ મુખ્યમંત્રી હોઈ શકે, તો આપણા મુસ્લિમોના નાયબ મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે? મુસ્લિમો ક્યાં સુધી લોકો માટે પાથરણા પાથરવાની સેવા કરતા રહેશે.
ઓવૈસીએ પોતાના ચંપલ ઉતારવાની જરૂરિયાતનો ઉલ્લેખ કેમ કર્યો?
જ્યારે અસદુદ્દીન ઓવૈસીને પૂછવામાં આવ્યું કે, "તમે કહો છો કે મુસ્લિમોનો ઉપયોગ થઈ રહ્યો છે? તેનો જવાબ આપતા અસદુદ્દીન ઓવૈસીએ RJDનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા કહ્યું કે, મુસ્લિમો એવા લોકોને મત આપી રહ્યા છે જેમને તેમના ઘરમાં પ્રવેશતા પહેલા ફક્ત તેમના ચંપલ ઉતારવાની જરૂર હોય છે. મુસ્લિમો તેમની આગળ માથું નમાવે છે. "હું મુસ્લિમોને અપીલ કરું છું કે આવા લોકો પર વિશ્વાસ ન કરો. ડોરમેટ તરીકે સેવા ન આપો. મુસ્લિમોના વિકાસ માટે આપણું પોતાનું નેતૃત્વ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુસ્લિમ નાયબ મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે?
ઓવૈસીએ મુકેશ સાહનીના નામની જાહેરાતનો મુદ્દો પણ ઉઠાવ્યો. ઓવૈસીએ કહ્યું કે જો 3.5% મત હિસ્સાવાળા સમુદાય પાસે નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે, તો મુસલમાનોના ડેપ્યુટી સીએમ જાહેર કરવામાં મહાગઠબંધનને તકલીફ શું છે? મુસલમાનોને ભરોસો કરવો પડશે તે તેઓ પોતાનું નેતૃત્વ સ્થાપિત કરી શકે છે. તમે એક વખત AIMIM ને મત આપીને જુઓ.
અસદુદ્દીન ઓવૈસીએ મહાગઠબંધન સાથે જોડાણ ન થવા બાબતનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમણે પોતે લાલુ પ્રસાદ યાદવને પત્ર લખીને ગઠબંધન માટે વાટાઘાટો શરૂ કરવા કહ્યું હતું. જ્યારે તેજસ્વીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "મને આ વિશે ખબર નહોતી. મને તો પત્ર નથી લખાયો. ઓવૈસીએ કહ્યું કે, એમને ખબર નહોતી કે પિતાને પત્ર લખ્યા પછી પુત્રને અલગથી પત્ર લખવો પડશે. ઓવૈસીએ મુસ્લિમ સમુદાયને એક થવા અને આ વખતે AIMIMની જીત સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. મુસ્લિમોએ પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવું જોઈએ.

