VIDEO: ધારાસભ્યોને રોકવા પાછળ કોનો આદેશ હતો? હરિયાણા LoP હુડ્ડાએ ઉઠાવ્યા ગંભીર સવાલો
હરિયાણા વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો સાથે કથિત ગેરવર્તણૂકના મામલે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે હરિયાણા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા (LoP) ભૂપિન્દર સિંહ હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ કરી હતી.
રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, “વિધાનસભા સત્રના પ્રથમ દિવસે, એટલે કે 27 ઑગસ્ટના રોજ અમારી સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું તે અંગે અમે રાજ્યપાલને અવગત કરાવ્યા છે. કોઈ પણ સત્તા ન હોવા છતાં અમને સંપૂર્ણપણે બિનલોકશાહી રીતે રોકવામાં આવ્યા હતા.”
તેમણે આગળ જણાવ્યું કે, “અમે ગૃહમાં પણ આ સવાલ ઉઠાવ્યો હતો કે અમને કોના આદેશથી, કોના દ્વારા અને કયા નિયમ હેઠળ રોકવામાં આવ્યા હતા? પરંતુ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળ્યો ન હતો. આથી, અમે રાજ્યપાલને આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાવવા અને જવાબદારો સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે. રાજ્યપાલે અમને ખાતરી આપી છે કે તેઓ આ મામલે યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરશે.”

