પટનાથી 170 મુસાફરો સાથે ઉડેલી ઇન્ડિગોની ફ્લાઇટનું નોઝ ડેમેજ, વીજળી કે કરા, શું છે કારણ?

પટનાથી લખનઉ આવેલી ઇન્ડિગોની ફ્લાઇટનો આગળનો ભાગ (નોઝ) ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ અંગે ઇન્ડિગોએ તાત્કાલિક DGCAને જાણ કરી હતી અને વિમાનને ગ્રાઉન્ડ કરી દીધું હતું. વિમાનના આગળના ભાગને નુકસાન થવા પાછળ વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે આવી શક્યતા ખૂબ જ ઓછી હોવાનું માનવામાં આવે છે. સમગ્ર ઘટનાની દરેક પાસાંથી તપાસ કરવામાં આવી રહી છે.
ફ્લાઇટ રદ કરાઈ
આ વિમાનમાં અંદાજે 170 મુસાફરો સવાર હતા. પટનાથી લખનઉ આવી રહેલી આ ફ્લાઇટને લખનઉથી અમદાવાદ માટે ઉડાન ભરવાની હતી. જોકે, વિમાનમાં ખામી જોવા મળતાં એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની જાણ કરી હતી અને અન્ય ફ્લાઇટથી જવા અથવા રિફંડ મેળવવાનો વિકલ્પ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E-925 પટનાથી લખનઉ માટે રવાના થઈ હતી. લખનઉથી આ ફ્લાઇટને અમદાવાદ જવાનું હતું. પ્રાથમિક અહેવાલ મુજબ, પાઇલટે ATCને જણાવ્યું હતું કે વિમાન નીચે ઉતરી રહ્યું હતું ત્યારે આશરે 17 હજાર ફૂટની ઊંચાઈએ વાદળોની વચ્ચે કંઈક થયું હતું. શક્ય છે કે તે સમયે વીજળી પડી હોય.
નોઝ ડેમેજ જોવા મળ્યો
લખનઉમાં ઉતર્યા બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેનો આગળનો ભાગ એટલે કે નોઝ ડેમેજ થયેલો જોવા મળ્યો હતો. પટનાથી લખનઉ આવી રહેલી આ ફ્લાઇટમાં 170 મુસાફરો સવાર હતા. લખનઉમાં લેન્ડિંગ બાદ ટેક્નિકલ ટીમે વિમાનની તપાસ શરૂ કરી હતી. વિમાનના અન્ય ભાગોને પણ કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને તાત્કાલિક આગળની ફ્લાઇટ માટે રવાના કરવામાં આવ્યું નહોતું.
પક્ષી અથડાયું કે કરા પડ્યા? વીજળી પડવાની પણ આશંકા
એવિએશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગાજવીજવાળા વાદળોની અંદર મોટા કદના કરા પણ છુપાયેલા હોય છે. આવા કરા સાથે વિમાન અથડાય તો તેના આગળના ભાગને નુકસાન થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વિમાન સાથે પક્ષી અથડાયું હોવાની પણ શક્યતા છે. વીજળી પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તેની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
હાલમાં પાઇલટનો રિપોર્ટ ગોપનીય રાખવામાં આવ્યો છે. DGCA દ્વારા આ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે અને તપાસ બાદ જ વિમાનના નોઝને નુકસાન થવાનું ચોક્કસ કારણ સામે આવશે.

